નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર કલહ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી નોટબંધી, બેરોજગારી, જીએસટી સહીતના જનતા સાથે જોડાયેલા મુદ્દાઓને જમીની સ્તર પર લઈ જવામાં નિષ્ફળ રહી છે. પાર્ટીએ રફાલ ડીલની આસપાસ જ ચૂંટણી પ્રચાને કેન્દ્રીત રાખવાનું નુકસાન ભોગવવું પડયું છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે હારનું સૌથી મોટું કારણ ટાઈમિંગ છે, યોગ્ય રીતે મેનેજમેન્ટ નહીં થવું અને ગઠબંધનમાં હઠધર્મિતા પણ મોટા કારણો છે.
પરિણામ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યુ છે કે જે પ્રકારના પરિણામ આવ્યા અને કોંગ્રેસ પાર્ટીના સુપડાં સાફ થયા, તેનાથી તેમને બિલકુલ પણ આશ્ચર્ય થયું નથી.
તો મણિશંકર અય્યરે કહ્યુ છે કે કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. જેવી રીતે પાર્ટીએ ચૂંઠણી પ્રચાર કર્યો હતો, તેમા ઘણી ઉણપો હતી.
આ બંને નેતાઓ સિવાય મીડિયા અહેવાલમાં અન્ય નેતાઓની ઓળખ ગુપ્ત રાખીને જણાવવામાં આવ્યું છે કે આ હાર સીધી રીતે કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ ઉભો કરે છે. આ નેતાગીરીના કારણે સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર ખાવાનો વારો આવ્યો છે.
કોંગ્રેસે પોતાનું પુરું ધ્યાન ચોકીદાર ચોર પર જ કેન્દ્રીત રાખ્યું તું. તેના સિવાય પાર્ટીએ ખેડૂતોની સમસ્યા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર હતી. ઘણાં નેતાઓ હાર માટે રાહુલ ગાંધીની ટીમ પર પણ પ્રશ્નાર્થો ઉભા કરવા લાગ્યા છે. આ ટીમ જમીની હકીકતોથી સંપૂર્ણપણે વેગળી છે. તેનું નુકસાન પાર્ટીને કારમી હાર થકી ચુકવવું પડયું છે.
એક નેતાએ ઓળખ ઉજાગર નહીં કરવાની શરતે એમ પણ કહ્યુ છે કે અંડરકરંટ સંદર્ભે વાત કરી રહ્યા હતા, પરંતુ એવું લાગે છે કે અંડરકરંટ ભાજપના પક્ષમાં ગયો. રાહુલ ગાંધીએ ઘણી મહેનત કરી, પરંતુ પાર્ટી દ્વારા કરવામાં આવેલા નિર્ણયોએ તેને નુકસાન પહોંચાડયું છે. રાહુલ ગાંધીની ટીમ હજીપણ એનજીઓની જેમ કામ કરી રહી છે. આ એક ઝોળાધારી ટીમ છે. તેનો જમીની હકીકતો સાથે કોઈ સારોકાર નથી. ભવિષ્યમાં પાર્ટીની સારી સ્થિતિ માટે આને ગંભીરતાથી લેવાની જરૂરત છે.
એક અન્ય નેતાએ કહ્યુ છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. અમારે એ સમજવું પડશે કે પ્રચાર અભિયાનથી લઈને રાજ્યોમાં ગઠબંધન બનાવવા સુધીમાં ઘણો વિલંબ થયો છે. કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આફનારા લોકોને આ નુકસાન બદલ જવાબદાર ઠેરવવા જોઈએ. તેની સાથે જ પાર્ટીએ ધર્મનિરપેક્ષ દ્રષ્ટિકોણથી બધું જોવાનું બંધ કરવું પડશે. લોકો એ વાતથી દૂર થઈ ચુક્યા છે.
પોતાની ટીપ્પણીઓથી અવાર-નવાર કોંગ્રેસ અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફેરવી ચુકેલા મણિશંકર અય્યરે સૂચન આપતા કહ્યુ છે કે ચૂંટણી પહેલા પાર્ટીની પાસે વિકલ્પોની કોઈ અછત ન હતી. મને લાગે છે કે અમારે એ સંદર્ભે લોકોને જણાવવાની જરૂર હતી કે અમારો ઉદેશ્ય શું છે. અમારો સીધો ઉદેશ્ય ભાજપને હરાવવોનો હોવો જોઈતો હતો. તેમણે કહ્યુ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક સૂચન આપ્યું હતું કે ભાજપની વિરુદ્ધ એક વિપક્ષી ઉમેદવાર હોવો જોઈએ. પરંતુ આવું થયું નહીં.
તેમણે કહ્યુ છે કે હું રસાયણ વિજ્ઞાન સંદર્ભે ઘણું બધું સંભળાવતો રહ્યો છું, જે અંકગણિતથી આગળ નીકળી ગયું છે. પરંતુ અમે હકીકતમાં રાષ્ટ્રવ્યાપી મહાગઠબંધન બનાવ્યું નહીં, અંકગણિત જ ખોટું હતું.
હાર પર રાહુલ ગાંધીની નૈતિક જવાબદારી લેવા અને પાર્ટીમાં પરિવર્તન કરવાના સવાલ પર અય્યરે કહ્યુ છે કે મને ભરોસો છે કે પાર્ટી અધ્યક્ષ નૈતિક જવાબદારી લેશે. આ એક બુદ્ધિમાન વ્યક્તિ છે. આ તેમની જવાબદારી છે કે તેઓ વ્યક્તિત્વ અને નીતિમાં પરિવર્તન કરે. તેનાથી અમે 2024માં ફાસીવાદી શક્તિઓ વિરુદ્ધ આકરી લડાઈ લડી શકીશું.
પરિવર્તન સંદર્ભે પુછવામાં આવતા અય્યરે કહ્યુ હતુ કે જ્યાં સુધી મને ખબર છે, પાર્ટીમાં કોઈ નથી જે આ પરિવર્તનને જોવા ચાહે છે. હવે પાર્ટીને પ્રદર્શનનો સહારો લેવાના સ્થાને દરેક વિષય પર ચર્ચા કરવી જોઈએ.
હાર બાદ સૌથી પહેલા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબ સરકારમાં પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂની ઝાટકણી કાઢી હતી. સિદ્ધૂએ પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ બાજવાને ઈસ્લામાબાદ ખાતે ગળે મળવાની હરકત કરી હતી અને તેમને કેપ્ટન અમરિન્દર સિંહે નિશાને લીધા હતા. કેપ્ટન અમરિન્દર સિંહે ક્હ્યુ હતુ કે ભારતીય અને ખાસ કરીને સેના સાથે જોડાયેલા લોકો પાકિસ્તાની સેનાધ્યક્ષને ગળે મળવા જેવી હરકતને પસંદ કરતા નથી. કેપ્ટન અમરિન્દરસિંહે ગુરુદાસપુરથી કોંગ્રેસના ઉમેદવાર સુનીલ જાખડના હારવા મામલે પણ વાંધો વ્યક્ત કર્યો હતો. તેમમે કહ્યુ હતુ કે હું એ સમજી શકતો નથી કે સુનીલ જાખડે ત્યાં સારું કામ કર્યું હતું, તેમ છતાં આવા અનુભવી નેતાના સ્થાને અભિનેતાને ચૂંટવાનો જનતાએ ફેંસલો કેમ કર્યો હશે?
રાજસ્થાનમાં કોંગ્રેસની રાજ્યમાં સરકાર બન્યા બાદ પણ મુખ્યપ્રધાન અશોક ગહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ વચ્ચે સંવાદ અને સમન્વયની ઉણપ જોવા મળી છે. તો મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના કામકાજને જનતાની વચ્ચે લઈ જઈ શકી નથી. રાજ્યમાં દિગ્વિજયસિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની જૂથબંધીને કારણે પાર્ટીને હાર ખાવી પડી છે.
આ જૂથબંધી છત્તીસગઢમાં પણ જોવા મળી હતી. છત્તીસગઢમાં સત્તા હોવા છતાં પાર્ટીને માત્ર બે જ બેઠકો મળી શકી છે. પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાર્ટી ચૂંટણી લડી રહી છે અથવા નહીં તેનો કોઈ ખાસ નજારો જોવા મળ્યો જ નથી. પ. બંગાળમાં કોંગ્રેસ પાસે ચહેરાનો અભાવ હતો. તો બિહારમાં મહાગઠબંધન જરૂર થયું, તેમ છતાં પણ પાર્ટી બિહારમાં સારું પ્રદર્શન કરી શકી નથી.