નવી દિલ્હી: ભારતીય સેનાના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે દાવો કર્યો છે કે બ્રિટન અને કેનેડામાં રહેતા પાકિસ્તાની મુસ્લિમ ખાલિસ્તાનવાદીઓને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે બ્રિટન અને કેનેડાના કેટલાક ગુરુદ્વારાઓમાં પણ આ ગતિવિધિઓમાં ઘણાં નાણાંની મદદ ફંડ તરીકે અપાઈ રહી છે.
રિટાયર્ડ મેજર જનરલ ધ્રુવ સી. કટોચે કહ્યુ છે કે આ કામ માટે સૌથી વધુ ફંડ કેનેડા અને બ્રિટનથી આવી રહ્યું છે. જો કે આ કામમાં ત્યાંની સરકારોની સંડોવણી નથી. બ્રિટનમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમો ઘણી મોટી સંખ્યામાં વસવાટ કરે છે. અહીં પાકિસ્તાની મૂળના મુસ્લિમ સમુદાયને બેહદ મુખર માનવામાં આવે છે.
મેજર જનરલ કટોચે કહ્યુ છે કે અહીં લોકો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સાથે સતત સંપર્કમાં રહે છજે. તેઓ આવી જ એક મૂવમેન્ટ બ્રિટનમાં પણ શરૂ કરવાની કોશિશમાં છે. મૂળભૂતપણે ફંડિંગ બે દેશોમાંથી થઈ રહ્યુ છે. ઈંગ્લેન્ડમાં થઈ રહેલા વર્લ્ડકપની મેચોમાં પણ આ જોવા મળ્યું હતું.
પાકિસ્તાન ઘણાં વર્ષોથી એક જ એજન્ડા પર કામ કરી રહ્યુ છે. તેમાં ભારતની શાંતિ અને સદભાવને પ્રભાવિત કરવાની કોશિશ થઈ રહી છે. સોશયલ મીડિયા પર આવા ઘણાં વીડિયો છે, જેમાં શીખ સમુદાયના લોકો ખાલિસ્તાન સમર્થિત સ્લોગન બોલતા દેખાય રહ્યા છે. તેને આઈએસઆઈ જ ફંડ ઉપલબ્ધ કરાવે છે.
મેજર જનરલ કટોચનું કહેવું છે કે ભારતની અખંડિતતા પર ચોટ કરવા માટે પાકિસ્તાન ખાલિસ્તાન તરફી એજન્ડાને હવા આપી રહ્યું છે. તેમાં આઈએસઆઈની પણ ભૂમિકા છે. પાકિસ્તાન મેન પાવર અને સંસાધનો દ્વારા ખાલિસ્તાન સમર્થકોને મદદ કરે છે.
ખાલિસ્તાન મૂવમેન્ટને 1990ના દશકમાં ભારતીય સુરક્ષાદળોએ સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધી હતી. તેમા કેટલાક નિર્દોષ લોકો પણ માર્યા ગયા હતા. પાકિસ્તાન સતત ભારતમાં પોતાની પાંચમી કતારિયા ગતિવિધિઓને ભાગલાવાદી તત્વોને પ્રોત્સાહીત કરીને વધારવાની કોશિશમાં લાગેલું રહે છે. પંજાબમાં પાકિસ્તાનની આવી હરકતને ભારતે ધોબીપછાડ આપ્યો છે. જો કે હજીપણ પંજાબમાં પાકિસ્તાન પોતાની જૂની કોશિશોને પુનર્જિવિત કરવાની કોશિશમાં રહે છે.