ગત વર્ષની શરૂઆતમાં આખા દેશને ખળભળાવી નાખનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં રેપ અને મર્ડરની ઘટના પર આજે ચુકાદો આવ્યો છે. આઠ વર્ષની બાળકીની સાથે બળાત્કારના કુલ સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમાથી ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ દોષિતોને 5-5 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. સાંઝીરામ, દીપક ખજૂરિયા અને પરવેશને આજીવન કેદની સજા આપવામાં આવી છે. જ્યારે તિલકરાજ, આનંદ દત્તા અને સુરેન્દ્ર કુમારને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
આ પહેલા પઠાનકોટની અદાલતે મુખ્ય આરોપી સાંજીરામ સહીત અન્ય 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાતમા આરોપી વિશાલને બરી કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની સજાનું એલાન કરવામાં આવ્યું છે.
આ છ દોષિત આરોપીઓમાં – મુખ્ય આરોપી ગ્રામ પ્રધાન સાંજીરામ, સ્પેશયલ પોલીસ ઓફિસર દીપક ખજૂરિયા, રસના ગામનો પરવેશ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તિલક રાજ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર આનંદ દત્તા અને પોલીસ અધિકારી સુરેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે.
કઠુઆ મામલો જ્યારે સામે આવ્યો હતો, તો દેશ જ નહીં દુનિયામાં તેણે લોકાનું ધ્યાન ખેંચ્યું હતું. આમ આદમીથી લઈને બોલીવુડ સેલિબ્રિટીપણ પણ ઈન્સાફની ગુહાર લગાવી રહી હતી. આ મામલામાં પોલીસે કુલ આઠ લોકોને એરેસ્ટ કર્યા હતા. જેમાં એક સગીર હોવાનુ જણાવવામાં આવ્યું હતું. જો કે મેડિકલ પરીક્ષણમાં એવું પણ સામે આવ્યું કે સગીર આરોપી 19 વર્ષનો છે. આખી ઘટનાના મુખ્ય આરોપીએ ખુદને સરન્ડર કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે આ મામલાને જમ્મુ કોર્ટમાં સાંભળવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં પઠાનકોટ કોર્ટમાં તેની સુનાવણી થઈ હતી. જ્યાં આજે આના સંદર્ભે ચુકાદો આપવામાં આવ્યો છે.
આ ચુકાદાને જોતા પઠાનકોટ કોર્ટ પરિસરને છાવણીમાં તબ્દીલ કરવામાં આવ્યું હતું. અહીં એક હજારથી વધુ પોલીસકર્મીઓને તેનાત કરવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ અને હુલ્લડ નિયંત્રક ટુકડી પણ તેનાત કરવામાં આવી હતી.
જે આઠ લોકોની ધરપકડ કરવામમાં આવી હતી, તેમાં સ્પેશયલ પોલીસ ઓફિસર દીપક ખજૂરિયા, પોલીસ અધિકારી સુરેન્દ્ર કુમાર, રસના ગામનો પરવેશ કુમાર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ, ભૂતપૂર્વ મહેસૂલ અધિકારીનો પુત્ર વિશાલ અને તેનો પિતરાઈ ભાઈ કે જેને સગીર ગણાવવામાં આવ્યો હતો- તેઓ સામેલ હતા. આ સિવાય મુખ્ય આરોપી ગ્રામ પ્રધાન સાંજી રામને પણ પોલીસે એરેસ્ટ કર્યો હતો.
કઠુઆ ગેંગરેપ મામલામાં સુપ્રીમ કોર્ટ પાસે તેની ટ્રાયલ ચંદીગઢ શિફ્ટ કરવા અને મામલાને સીબીઆઈને આપવા સંબંધિત અરજીઓ મળી હતી.પીડિતાને પિતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસને જમ્મુ-કાશ્મીરથી બહાર ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા મામલાની સુનાવણી પંજાબની પઠાનકોટ કોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સીબીઆઈ તપાસની માગણીને પણ નામંજૂર કરી હતી.
કઠુઆ રેપની ઘટના 10 જાન્યુઆરી-2018ના રોજ થઈ હતી. પરિવાર પ્રમાણે, બાળકી દશમી જાન્યુઆરીએ બપોરે ઘરેથી ઘોડાઓને ચરાવવા માટે નીકળી હતી અને બાદમાં તે ઘરે પાછી ફરી ન હતી. લગભગ એક સપ્તાહ બાદ 17મી જાન્યુઆરીએ જંગલમાં આ બાળકીની લાશ મળી હતી. મેડિકલ રિપોર્ટમાં ઉઝાગર થયું હતું કે બાળકી સાથે ઘણીવાર ઘણાં દિવસો સુધી સામુહિક બળાત્કાર થયો છે અને પથ્થરોથી મારીને તેની હત્યા કરવામાં આવી છે. બાદમાં બાળકી સાથે ગેંગરેપ કરીને તેની હત્યા પર દેશભરમાં ઘણો હંગામો મચ્યો હતો.