નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય સંકટ કઈ દિશા પકડશે, તેની તસવીર આજે સ્પષ્ટ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટમાં આજે બળવાખોર ધારાસભ્યો અને વિધાનસભાના સ્પીકરની અરજી પર સુનાવણી થઈ છે. તેના સિવાય આજે વિધાનસભાનું પણ સત્ર શરૂ થયું છે. ત્યારે એચ. ડી. કુમારસ્વામી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર કેવી રીતે બચાવી શકશે તેના પર સૌની નજરો મંડાયેલી છે.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર તરફથી રજૂ થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ છે કે હાલ ધારાસભ્યો પર સદસ્યતા સમાપ્ત રવાનો પણ મામલો ચાલી રહ્યો છે. તેવામાં રાજીનામાની વાત ક્યાંથી આવી શકે છે. સ્પીકર સાથે બેઠકમાં ધારાસભ્યોનું માનવું છે કે તેઓ રિસોર્ટ ગયા, પરંતુ રાજીનામા માટે સ્પીકરને મળ્યા નથી. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી તરફથી રજૂ થયેલા રાજીવ ધવને કહ્ય છે કે લોકોએ એક જનાદેશ આપ્યો છે, આ ધારાસભ્યો તેનું અપમાન કરી રહ્યા છે. તમે અમને જણાવી દો કે સ્પીકરની જવાબદારી શું છે? બંધારણમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકર પોતાના હિસાબથી રાજીનામા પર નિર્ણય કરી શકે છે.
કર્ણાટક વિધાનસભાના મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. ત્યારે બળવાખોર ધારાસભ્યો તરફતી રજૂ થયેલા મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે વિધાનસભા સ્પીકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં કેમ ગયા હતા, હું તો અહીં હતો મારી પાસે આવવાનું હતું. તેમણે કહ્યુ હતુ કે સ્પીકરની વિરુદ્ધ કોર્ટે એક્શન લેવા જોઈએ. તેઓ કહી રહ્યા છે કે તેમને રાજીનામું વાંચવાનું છે. પરંતુ તેઓ એક લાઈનનું રાજીનામું કેટલીવાર વાંચશે?
મુકુલ રોહતગીએ કહ્યુ હતુ કે સ્પીકર રાજકીય કારણોથી રાજીનામા મંજૂર કરી રહ્યા નથી. તેના સંદર્ભે ટીપ્પણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યુ છે કે શું વિધાનસભા સ્પીકર સુપ્રીમ કોર્ટની ઓથોરિટીને ચેલેન્જ કરી રહ્યા છે? શું સ્પીકર અમને એ કહી રહ્યા છે કે અદાલતે આનાથી દૂર રહેવું જોઈએ?
કોંગ્રેસ અને જેડીએસ બાદ હવે ભાજપે પણ પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી છે. વિધાનસભા સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જે ધારાસભ્યોએ બળવો કર્યો છે, તેમને પણ વ્હિપ મોકલવામાં આવી છે. એટલું જ નહીં, ધારાસભ્યોના ઘરની બહાર વ્હિપ ચોટાડવામાં આવી છે.
કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે આજે વધુ ત્રણ ધારાસભ્યોને મળવાનો સમય આપ્યો છે. તેમા આનંદ સિંહ, પ્રતાપ પાટિલ અને નારાયણ ગૌડાના નામ સામેલ છે. અત્યાર સુધી કુલ 16 ધારાસભ્યો રાજીનામા આપી ચુક્યા છે. ગુરુવારે કુલ 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. ગુરુવારે કુલ 10 ધારાસભ્યોએ સ્પીકર સાથે મુલાકાત કરી હતી.