Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટનો આદેશ આજે સાંજે 6 વાગ્યે કર્ણાટકના સ્પીકર સમક્ષ હાજર થાય બળવાખોર ધારાસભ્યો

Social Share

નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલું રાજકીય નાટક હવે દેશની સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું છે. સુપ્રીમ કોર્ટે આજે ધારાસભ્યોના રાજીનામાના મુદ્દા પર સુનાવણી કરી છે. અદાલતે ધારાસભ્યોને સ્પીકર સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે.

કર્ણાટકના મામલે અત્યાર સુધી 10 ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરી હતી. પરંતુ બાકી જે ધારાસભ્યો બચ્યા છે, તે આજે અથવા આવતીકાલે કોર્ટનો દરવાજો ખખડાવે તેવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને આદેશ આપ્યો છે કે સાંજે 6 વાગ્યે સ્પીકર સમક્ષ રજૂ થાય. કોર્ટે કહ્યું છે કે તેઓ સ્પીકરને મળીને તેમને પોતાના રાજીનામાનું કારણ જણાવે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને આજે જ ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવા માટે જણાવ્યું છે. આ મામલા પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.

તો કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીનો દાવો છે કે તેમની પાસે બહુમતી છે. માટે તેઓ રાજીનામું આપશે નહીં.

બેંગલુરુથી દિલ્હી સુધી કર્ણાટકના મામલે રાજકીય બબાલ સર્જાય છે. કર્માટકના ધારાસભ્યો રાજીનામા પર રાજીનામા આપી રહ્યા છે, તો તે દિલ્હીમાં સંસદભવનની બહાર રાહુલ ગાંધી ધરણા પર બેસી ગયા છે. કોંગ્રેસના ઘણાં સાંસદ સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા નજીક ધરણા આપી રહ્યા છે. તેમાં રાહુલ ગાંધી પણ સામેલ છે.

સૂત્રોનું માનવું છે કે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો આજે રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમા અંજલિ નિંબાલકર, સૌમ્યા રેડ્ડીના નામની ચર્ચા છે. અત્યાર સુધી કર્ણાટક વિધાનસભામાંથી 16 ધારાસભ્યો રાજીનામા આપી ચુક્યા છે.

કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે તેમના સંપર્કમાં પાર્ટીના તમામ ધારાસભ્યો છે. તેમણે લખ્યું છે કે આમ કહેવું ખોટું છે કે તેમના સંપર્કમાં માત્ર કેટલાક જ ધારાસભ્યો છે.

કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી આજે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરવાના છે. કુમારસ્વામી ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે. અહીં તેમની મુલાકાત થવાની છે. કોંગ્રેસ તરફથી સિદ્ધારમૈયા બેઠકમાં સામેલ થવા પહોંચ્યા છે. તેમના સિવાય કે. સી. વેણુગોપાલ, ગુલામ નબી આઝાદ પણ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.

કોંગ્રેસના નેતા આજે વિધાનસભાના સ્પીકર સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં બળવાખોર ધારાસભ્યોના રાજીનામાના મામલે પણ ચર્ચા થવાની શક્યતા છે.

શુક્રવારે કર્ણાટક વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. બાજપ આ સેશનને ગેરકાયદેસર ગણાવી રહ્યું છે. તે દરમિયાન કર્ણાટક વિધાનસભાની આસપાસ કલમ-144 લાગુ કરવામાં આવી છે. આજે મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ પણ પોતાની કેબિનેટ બેઠક બોલાવી છે.

તો કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારનું કહેવું છે કે અત્યાર સુધી તેમણે કોઈના રાજીનામા મંજૂર કર્યા નથી. તેનો એક નિયમ છે, તેઓ તેના પ્રમાણે જ કામ કરશે.

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની ખંડપીઠે મામલાની સુનાવણી કરી છે. કોંગ્રેસ તરફથી અદાલતમાં અભિષેક મનુ સિંઘવી અને કર્ણાટકના બળવાખોર ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી રજૂ થશે.

ગત છ દિવસોમાં કર્ણાટકના રાજકારણનો રંગ બદલાયો છે. પહેલા 14 ધારાસભ્યોએ (11+3) રાજીનામા આપ્યા હતા. જેનાથી સરકાર પર સંકટ આવી ગયું હતું. બુધવારે પણ બે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. નારાજ ધારાસભ્યોને મુંબઈની એક હોટલમાં પહોંચ્યા છે. જ્યાં બુધવારે તેમને મળવા માટે કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર પહોંચ્યા છે. જો કે તેમને મળવા દેવાયા નહીં. પોલીસે તેમની અટકાયત કરી હતી અને બાદમાં બળજબરીથી તેમને બેંગલુરુ ખાતે રવાના કરી દેવામાં આવ્યા હતા.

આ તમામ ઉથલ-પથલની વચ્ચે મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ કેબિનેટની બેઠક બોલાવી છે.