બેંગલુરુ: કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપૂ સુલ્તાન જયંતી સમારંભ પર રોક લગાવી દીધી છે. સોમવારે થયેલી કેબિનેટ બેઠકમાં ટીપૂ જયંતી નહીં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી કન્નડ સંસ્કૃતિ વિભાગને રોક સાથે સંબંધિત આદેશ પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 2015માં સિદ્ધારમૈયા સરકારે ભાજપના વિરોધ બાદ પણ ટીપૂ જયંતી પર કાર્યક્રમ આયોજીત કરવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી જે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, તેમા કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ટીપૂ જયંતી મનાવવાની ક્યારેય પરંપરા રહી નથી અને માટે આપણે તેને નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.
કડગુના ધારાસભ્ય કે. જી. બોપૈય્યાએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે ટીપૂ જયંતી મનાવવા પર રોક લગાવવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કડગુના સ્થાનિક નિવાસી ટીપૂ જયંતીનો વિરોધ કરી રહ્યા છે. ધારાસભ્યના પત્ર પ્રમાણે, કડુગ લોકોની વિરુદ્ધ ટીપૂ સુલ્તાને કોઈપણ કારણ વગર યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં કડગુ લોકો માર્યા ગયા હતા.
કોંગ્રેસે કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છેકે આ ભાજપની ભગવાકરણની રાજનીતિની અસર છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપની સરકાર ભગવા રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે ટીપૂ જયંતીનો વિરોધ કરી રહી છે. આ યેદિયુરપ્પા સરકારનો અલોકતાંત્રિક અને કોમવાદી નિર્ણય છે. અમે અમારા સ્તર પર ટીપૂ જયંતીની ઉજવણી કરતા રહીશું. ટીપૂ સુલ્તાન દેશના સાચા સપૂત હતા અને તેમણે અંગ્રેજોની વિરુદ્ધ સંઘર્ષ કર્ય હતો.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના કાર્યકાળમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ 2015માં ટીપૂ જયંતીની ઉજવણીની શરૂઆત કરી હતી. તે સમયે પણ ભાજપ સહીત ઘણા રાજકીય અને સામાજીક સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપ શરૂઆતતી જ ટીપી જયંતી મનાવવાની વિરુદ્ધ છે. અંગ્રેજો વિરુદ્ધ ચાર યુદ્ધ લડનારા ટીપૂ સુલ્તાનની જયંતીને લઈને ઘણો રાજકીય વિવાદ થતો રહે છે. યેદિયુરપ્પાએ ટીપૂ જયંતી મનાવવાની વિપક્ષમાં રહેતા ટીકા કરી હતી અને હવે સરકાર બનતાની સાથે જ તેમણે ટીપૂ જયંતી નહીં મનાવવાનો નિર્ણય કર્યો છે.
18મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપૂ સુલ્તાનનો જન્મ 10 નવેમ્બર-1750ના રોજ થયો હતો. ટીપૂના રાજકીય વારસાને લઈને એકમત નથી. અંગ્રેજો વિરુદ્ધ ચાર યુદ્ધ લડવાને કારણે એક વર્ગ ટીપૂનું સમર્થન કરે છે. ભાજપ અને અન્ય દક્ષિણપંથી સંગઠન ટીપૂ સુલ્તાનને મુસ્લિમપરસ્ત અને હિંદુવિરોધી શાસક તરીકે રજૂ કરે છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં ટીપૂ સુલ્તાનની જયંતી મનાવવા પર ખૂબ રાજકીય બબાલ થઈ હતી. ટીપૂના સમર્થક વર્ગનું એમ પણ કહેવું હતું કે શાસક તરીકે તેણે પોતાની માતૃભૂમિની સુરક્ષા માટે અંગ્રેજો સામે ભાથ ભીડી હતી.
કર્ણાટકની રાજનીતિમાં ટીપૂ સુલ્તાનનું એક સ્થાન રહેલું છે. ભાજપ ટીપૂ સુલ્તાનની જયંતી અને તેના નામ પર થનારા કાર્યક્રમોનો હંમેશા વિરોધ કરતી રહી છે. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ સરકારે ટીપૂ જયંતી ગત વર્ષ મનાવી હતી. કર્ણાટકની રાજીનીતિમાં ટીપૂ સુલ્તાન હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચાનું કારણ રહ્યો છે. ટીપૂ જયંતી મનાવવાના નિર્ણયને પણ ભાજપે એક સમુદાય વિશેષને ખુશ કરવાની કવાયત ગણાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ટીપૂ જેવા દેશભક્ત અને સમાજીક સુધારાના નાયકને ભાજપ ધાર્મિક ઓળખને કારણે નિશાન બનાવે છે.