Site icon hindi.revoi.in

કર્ણાટક : કુમારસ્વામીએ વાવ્યુ તેવું લણ્યું, ભાજપે 12 વર્ષ બાદ કર્યો હિસાબ બરાબર

Social Share

બેંગલુરુ : કર્ણાટકમાં ગત ત્રણ સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકનો મંગળવારે અંત આવ્યો હતો. એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ-જેડીએસની સરકાર લઘુમતીને કારણે ફ્લોર ટેસ્ટ દરમિયાન પડી ગઈ હતી. કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં 99 અને ભાજપની તરફેણમાં 105 વોટ પડયા હતા. આવી રીતે 14 માસથી ચાલી રહેલી ગઠબંધન સરકાર સત્તામાંથી બહાર થઈ છે. કુમારસ્વામીની સાથે જે થયું, તે બિલકુલ એવું હતું કે જેવું તેમના કારણે કોંગ્રેસ અને ભાજપની સરકારો સાથે થયું હતું.

2004માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુલ 224 બેઠકોમાંથી ભાજપને 79, કોંગ્રેસને 65, જેડીએસને 58 અને અન્યને 23 બેઠકો મળી હતી. 2004માં કોઈપણ પાર્ટી પાસે બહુમતી ન હતી. તેવામાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સમજૂતી થઈ હતી. 28 મે, 2004ના રોજ કોંગ્રેસના ધરમસિંહ કર્ણાટકના મુખ્યપ્રધાન બન્યા હતા. 

 2004માં કોંગ્રેસની સરકાર પાડી

આ સરકાર વધુ દિવસ સુધી ચાલી શકી નહીં અને પોણા બે વર્ષ બાદ કુમારસ્વામીએ પોતાના ધારાસભ્યો સાથે સમર્થન પાછું ખેંચી લીધું. જેને કારણે 2004માં કોંગ્રેસની ધરમસિંહની સરકાર પડી ગઈ હતી. તે સમયે પણ આવી જ રાજકીય ખેંચતાણ જોવા મળી હતી કે જેવી ગત બે સપ્તાહથી બેંગલુરુમાં દેખાઈ રહી હતી.

ભાજપ સાથે દગો

ધરમસિંહની સરકાર પડયા બાદ કુમારસ્વામીએ ભાજપની સાથે ગઠબંધન કર્યું. તેના કારણે રાજ્યપાલે જેડીએસને સકરાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. કુમારસ્વામી 2006માં ભાજપના ટેકાથી મુખ્યપ્રધાન બન્યા હતા. તે વખતે ભાજપ-જેડીએસ વચ્ચે સરકાર બનાવતા પહેલા સંમતિ બની હતી કે બંને પાર્ટીને નેતાઓ વારાફરતી અને સમાન સમયાવધિ માટે મુખ્યપ્રધાન બનશે.
કુમારસ્વામીએ પોતાના મુખ્યપ્રધાન તરીકેનો સમયગાળો પૂર્ણ કર્યો અને જ્યારે ભાજપને સત્તા સોંપવાનો વારો આવ્યો, તો તેમણે આનાથી ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, કુમારસ્વામીએ 10મી નવેમ્બરે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને તેના પછી અહીં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું હતું.

2007માં ભાજપની સરકાર પાડી

કુમારસ્વામીના રાજીનામાના બે દિવસ સુધી રાષ્ટ્રપતિશાસન લાગુ રહ્યું અને પછી ભાજપે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. 12 નવેમ્બર-2007ના રોજ બી. એસ. યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપની સરકાર બની, આ સરકારને કુમારસ્વામીએ બહારથી ટેકો આપ્યો હતો. જો કે સાત દિવસ બાદ જ કુમારસ્વામીએ ભાજપની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચતા યેદિયુરપ્પાને મુખ્યપ્રધાન પદ ગુમાવવું પડયું હતું.

કુમારસ્વામીએ વાવ્યું તેવું લણ્યું

કર્ણાટકની રાજનીતિએ એવું પડખું ફેરવ્યું છે કે કુમારસ્વામીએ વાવ્યું તેવું જ લણ્યું છે. 2018માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહીં. રાજ્યપાલે ભાજપને સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યું હતું અને યેદિયુરપ્પાએ મુખ્યપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા હતા. પરંતુ તેઓ વિધાનસભામાં બહુમતી સાબિત કરી શક્યા નહીં.

તેના પછી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ-કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. પરંતુ 14 માસના કાર્યકાળ બાદ કોંગ્રેસના 13 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ બળવો કર્યો અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા. તેના પછી કુમારસ્વામી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ શક્યા નહીં. એટલે કે તેમને પણ એવી જ રાજકીય સ્થિતિનો સામનો કરવો પડયો છે કે જેવો ક્યારેક ધરમસિંહ અને યેદિયુરપ્પાએ કરવો પડયો હતો. આમ એક રીતે મંગળવારે કર્ણાટક વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કુમારસ્વામી સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેના હિસાબ બરાબર થઈ ગયા હતા.

Exit mobile version