નવી દિલ્હી: કર્ણાટકમાં રાજકીય સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે, તેમના મામલે આવતીકાલે સુનાવણીની શક્યતા છે. તો ભાજપના કર્ણાટક પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પા રાજ્યની વિધાનસભા બહાર ધરણાં પર બેઠા છે. આ રાજકીય ડ્રામાનું કેન્દ્ર હવે બેંગલુરુતી મુંબઈ સ્થાનાંનતરીત થઈ ચુક્યું છે. કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યો રાજીનામા બાદ મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં રોકાયા છે. બળવાખોર ધારાસભ્યોએ જીવને જોખમ હોવાનું જણાવીને મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે અને સુરક્ષાની અપીલ કરી છે. બળવાખોર ધારાસભ્યોની માગણી પર એક્શન લેતા મુબઈ પોલીસે તેમની સુરક્ષા વધારી છે. હોટલની બહાર મહારાષ્ટ્ર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની તેનાતી કરવામાં આવી છે. આ સુરક્ષાકર્મીઓ હોટલના એન્ટ્રી ગેટ પર આવન-જાવન કરનારાઓ પર કડક નજર રાખી રહ્યા છે.
આ મામલાની સુનાવણી દરમિયાન બળવાખોર ધારાસભ્યો તરફથી વકીલ મુકુલ રોહતગીએ કહ્યુ છે કે સ્પીકર પોતાના દાયિત્વનું પાલન કરી રહ્યા નથી. કર્ણાટકમાં અજીબ પરિસ્થિતિ છે. ધારાસભ્યોને જનતાની વચ્ચે ફરીથી જવું પણ છે. બળવાખોર ધારાસભ્ય મામલાની સુનાવણી આજે અથવા આવતીકાલે ઈચ્છી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે અમે જોઈશું કે ક્યારે સાંભળવામાં આવે.
જે હોટલમાં 10 બળવાખોર ધારાસભ્યો ઉતર્યા છે, તે હોટલમાં જ કર્ણાટક સરકારના પ્રધાન ડી. કે. શિવકુમારે પણ રૂમ બુક કરાવ્યો હતો. પરંતુ હોટલે તેમનું બુકિંગ જ રદ્દ કર્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં શિવકુમારે કહ્યુ છે કે તેઓ અહીં પોતાના દોસ્તોને મળવા આવ્યા છે. તેમને તેમનાથી જાનનો કોઈ ખતરો નથી. તેમણે કહ્યુ છે કે તેઓ અમારી પાર્ટીના લોકો છે. અમે રાજનીતિમાં એક જ સાથે પેદા થયા અને એકસાથે મરશું. અમે અહીં પોતાના મિત્રો-ભાઈઓના હાલચાલ લેવા માટે આવ્યા છીએ.
શિવકુમારે કહ્યુ છે કે ઘણી નાની સમસ્યા છે. અમારે વાતચીત કરવી છે. અમે સીધા છૂટાછેડા કરી શકીએ નહીં. તેમને ડરાવવાનો કોઈ સવાલ જ નથી. અમે એકબીજાનું સમ્માન કરીએ છીએ. તેઓ અમારા ભાઈ છે. પોલીસ અમને અંદર જવા દે.
મુંબઈની રેનિસન્સ હોટલમાં કોંગ્રેસ અને જેડીએસના દશ બળવાખોર ધારાસભ્યો રોકાયા છે. મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને તેમમે જણાવ્યું છે કે તેમના જીવને જોખમ છે. માટે હોટલની બહાર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને વરિષ્ઠ નેતા ડી. કે. શિવકુમારને મળવા ઈચ્છતા નથી.
કર્ણાટકમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે કહ્યુ છે કે 13માંથી 8 ધારાસભ્યોના રાજીનામા કાયદાકીય રીતે યોગ્ય નથી. રમેશે કહ્યુ છે કે તેમણે આના સંદર્ભે રાજ્યપાલ વજૂભાઈ વાળાને પણ જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ બળવાખોર ધારાસભ્યે મારી સાથે મુલાકાત કરી નથી. મે રાજ્યપાલને ભરોસો આપ્યો છે કે હું બંધારણ પ્રમાણે કામ કરીશ. જે પાંચ ધારાસભ્યોનું રાજીનામું ઠીક છે. તેમાંથી મે 3 ધારાસભ્યોને 12 જુલાઈ અને 3 ધારાસભ્યોને 15મી જુલાઈએ મળવાનો સમય આપ્યો છે.
કર્ણાટકમાં અત્યાર સુધી કોંગ્રેસના 11, જેડીએસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. તેની સાથે જ બે અપક્ષ ધારાસભ્યોએ પણ રાજીનામા આપીને સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો છે. તેમા ઉમેશ કામતલ્લી, બીસી પાટિલ, રમેશ જારકિહોલી, શિવરામ હેબ્બર, એચ. વિશ્વનાથ, ગોપાલૈયા, બી. બસ્વરાજ, નારાયણ ગૌડા, મુનિરત્ના, એસટી સોમાશેખરા, પ્રતાપ ગૌડા પાટિલ, મુનિરત્ના અને આનંદ સિંહનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રોશન બેગે પણ મંગળવારે રાજીનામું આપીને ભાજપમાં સામેલ થવાની વાત કહી છે.
રાજકીય ઉથલપાથલના અહેવાલ વચ્ચે વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશ 17 જુલાઈએ એચ. ડી. કુમારસ્વામીને બહુમતી સાબિત કરવા માટે આમંત્રિત કરે તેવી શક્યતા છે.
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે, બહુમતીનો આંકડો 113 છે. તેમાં ભાજપના 105, કોંગ્રેસના 80સ જેડીએસના 37 ધારાસભ્યો જીત્યા હતા. આમ જેડીએસ અને કોંગ્રેસ પાસે 117 ધારાસભ્યો છે. બીએસપી અને અપક્ષ ધારાસભ્યે પણ ગઠબંધનને ટેકો આપ્યો હતો. પરંતુ 13 ધારાસભ્યોના રાજીનામા બાદ ગઠબંધન સરકાર પાસે 104 ધારાસભ્યો જ રહી જાય છે. જ કે હજી સુધી વિધાનસભાના સ્પીકરે 13 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી.
શનિવારે કોંગ્રેસ-જેડીએસના 14 ધારાસભ્યોએ સ્પીકરને રાજીનામું આપ્યું હતું. જો 14 ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારવામાં આવે છે, તો વિધાનસભામાં કુલ 210 ધારાસભ્યો રહેશે. સ્પીકરને બાદ કરતા આ સંખ્યા 209ની થશે. તેવામાં બહુમતી માટે 105 ધારાસભ્યોની જરૂરત હશે. કુમારસ્વામી સરકાર પાસે માત્ર 102 ધારાસભ્યોનું સમર્થન રહી જશે. તેવામાં સરકાર લઘુમતીમાં આવી જશે.
કર્ણાટકમાં ભાજપની યોજના છે કે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 207 કરી દેવામાં આવે. આના માટે સત્તાધારી પાર્ટીના 16 ધારાસભ્યોના રાજીનામા આપવાની જરૂર પડશે. 207 ધારાસભ્યોની સંખ્યામાં ભાજપ 104 બેઠકો સાથે બહુમતી પ્રાપ્ત કરી લેશે. તેના સિવાય અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ પ્રાપ્ત થઈ શકે છે.