Site icon hindi.revoi.in

યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મતમાં થયા પાસ

Social Share

બેંગલુરુ : કર્ણાટકના સીએમ બી. એસ. યેદિયુરપ્પાએ વિધાનસભામાં બહુમતી સાબિત કરી દીધી છે. ધારાસબ્યોએ ધ્વનિતથી બહુમતી પાસ કરી દીધી છે. આ પહેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. જેમાં બી. એસ. યેદિયુરપ્પા, સિદ્ધારમૈયા અને એચ. ડી. કુમારસ્વામીએ પોતાની વાત રજૂ કરી હતી.

વિશ્વાસ મતના પ્રસ્તાવ પર બોલતા મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ કહ્યુ છે કે જ્યારે સિદ્ધારમૈયા અને એચ. ડી. કુમારસ્વામીની સરકાર હતી, તો તેમણે બદલાની રાજનીતિથી કામ કર્યું નથી. પ્રશાસન નિષ્ફળ થયુ અને અમે તેને પાછું યોગ્ય માર્ગ પર લાવીશું. હું ગૃહને વિશ્વાસ અપાવું છું કે અમે પણ બદલાની રાજનીતિમાં સામેલ નહીં થઈએ. અમે ભૂલી જવા અને માફ કરવામાં વિશ્વાસ રાખીએ છીએ.

આ પહેલા કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારે રવિવારે પક્ષપલ્ટાના કાયદા હેઠળ કોંગ્રેસ-જેડીએસના વધુ 14 બળવાખોર ધારાસભ્યોની ગૃહની સદસ્યતા અયોગ્ય ઠેરવી હતી. તેની સાથે જ અયોગ્ય ઠેરવવામાં આવેલા ધારાસભ્યોની સંખ્યા હવે 17 થઈ છે. જો કે યેદિયુરપ્પા સરકાર પર આની અસર પડી નથી, કારણ કે 224 ધારાસભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં હવે ધારાસભ્યોની સંખ્યા ઘટીને 207ની થઈ છે. તેથી બહુમતી સાબિત કરવા માટે 104 ધારાસભ્યોની જરૂરત હતી. ભાજપને એક અપક્ષ સહીત કુલ 106 ધારાસભ્યનું સમર્થન છે. તેથી યેદિયુરપ્પાએ આસાનીથી બહુમતી સાબિત કરી દીધી છે.

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ભાજપ સરકારના બહુમતી પ્રસ્તાવ પર બોલતા કહ્યુ છે કે યેદિયુરપ્પા ક્યારેય પણ એવા સીએમ રહ્યા નથી, કે તેમને જનતાનું સમર્થન મળ્યું હોય. તમે 2008,2018 અને ત્યાં સુધી કે હાલમાં પણ બહુમતી મેળવી શક્યા નથી. જ્યારે તેમણે શપથગ્રહણ કર્યા હતા, ત્યારે ગૃહમાં 222 ધારાસભ્યો હતા, શુંતમારી પાસે 112 ધારાસભ્યોનો ટેકો હતો? તેમની પાસે 105 બેઠકો છે અને આ જનમત નથી.

કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ ગૃહની કાર્યવાહી શરૂ થતા  વિશ્વાસમત માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે હું ભૂલી જવા અને માફ કરવામાં વિશ્વાસ રાખું છું. હું વિરોધ કરનારા લોકો સાથે પણ પ્રેમ રાખું છું. યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે હું નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે. પી. નડ્ડાને ધન્યવાદ આપવા માંગુ છું.

કર્ણાટક વિધાનસભામાં આજે બી.એસ. યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરી છે. વિધાનસભામાં આવતા પહેલા તેઓ બેંગલુરુના શ્રી લાબા વેરા આંજનેય મંદિર પહોંચ્યા અને ત્યાં તેમણે ભગવાનના દર્શન કર્યા હતા.

કોંગ્રેસે સોમવારે કોંગ્રેસ લેજિસ્લેટિવ પારટીની કર્ણાટક વિધાનસભામાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્યદળના નેતા સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડુ રાવ, કે. જે. જોર્જ, પ્રિયાંક ખડગે, એમ. બી. પાટિલ, એશ્વર ખાંદરે સહીતના નેતાઓ સામેલ થયા હતા.

કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યો સોમવારે મુંબઈથી બેંગલુરુ પાછા આવ્યા હતા. પાછા ફરેલા ધારાસભ્યોમાં બી. બાસવારાજ, એમટીબી નાગરાજ, એસટી સોમશેખર પણ સામેલ છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા હતા.

કર્ણાટક વિધાનસભાના સ્પીકર દ્વારા રવિવારે અયોગ્ય ઘોષિત કરવામાં આવેલા જેડીએસના બળવાખોર ધારાસભ્યો એ. એચ. વિશ્વનાથે કહ્યુ છે કે નિર્ણય કાયદાની વિરુદ્ધ છે અને તેઓ તથા અન્ય અસંતુષ્ટ ધારાસભ્યો સોમવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. મહત્વપૂર્ણ છે કે વિધાનસભાના સ્પીકર કે. આર. રમેશકુમારે રવિવારે પક્ષપલ્ટા વિરોધી કાયદા હેઠળ વધુ 14 ધારાસભ્યોને 2023માં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થવા સુધી અયોગ્ય જાહેર કરી દીધા છે. તેમાં કોંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ ધારાસભ્યો સામેલ છે.

Exit mobile version