Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ભાજપ માટે શરમજનક સ્થિતિ, ગૃહમાં બિલ પર વોટિંગમાં બે ધારાસભ્યો કમલનાથની સાથે!

Social Share

કર્ણાટકમાં કોંગ્રેસ-જનતાદળ સેક્યુલરની ગઠબંધન સરકાર પડયા બાદ એવી ચર્ચા તેજ થઈ છે કે ભાજપ મધ્યપ્રદેશમાં પણ કેટલાક ઉલટફેર કરી શકે છે. આના સંદર્ભે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ઘણીવાર કહી ચુક્યા છે. પરંતુ બુધવારે આનાથી બિલકુલ વિરોધાભાસી ઘટના બની હતી. એક તરફ ભાજપ સરકાર પાડવાની વાત કરી રહ્યું છે, તો બીજી તરફ બુધવારે વિધાનસભામાં એક બિલ પર વોટિંગ દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ કમલનાથની સરકારના ટેકામાં વોટ કર્યો. આ જાણકારી ખુદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે મીડિયામાં આપી હતી.

મધ્યપ્રદેશમાં વિપક્ષના નેતા ગોપાલ ભાર્ગવે ચેતવણી આપતા કહ્યુ હતુ કે જો અમારા નંબર-1 અને નંબર-2 ઈશારો કરે છે, તો 24 કલાકમાં મધ્યપ્રદેશ સરકાર પડી શકે છે. આ ચેતવણીથી વિપરીત કમલનાથે એક નિવેદનમાં કહ્યુ છે કે દરરોજ ભાજપ કહે છે કે અમારી સરકાર અલ્પમતમાં છે, જે કોઈપણ દિવસે પડી શકે છે. આજે વિધાનસભામાં વોટિંગ (આપરાધિક કાયદા સંશોધન) દરમિયાન ભાજપના બે ધારાસભ્યોએ અમારા ટેકામાં વોટિંગ કર્યું છે.

શિવરાજસિંહ ચૌહાણે સોમવારે કહ્યુ હતુ કે મધ્યપ્રદેશની કમલનાથ સરકાર જો પડે છે, તો તેમા ભાજપનો કોઈ રોલ નહીં હોય, કારણ કે તેમના આંતરીક કલહ અને ફૂટ તેના માટે જવાબદાર હશે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યુ હતુ કે કમલનાથની સરકાર સમાજવાદી પાર્ટી અને બીએસપીના સહારે ચાલી રહી છે.

જો કે બે દિવસ પહેલા મધ્યપ્રદેશના પ્રધાન જીતૂ પટવારીએ દાવો ઠોકતા કહ્યુ હતુ કે ભાજપ કમલનાથને કુમાર સ્વામી સમજે નહીં, કારણ કે અહીં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ માટે સાત જન્મ લેવા પડશે. બીજી તરફ મધ્યપ્રદેશમાં બીએસપીના ધારાસભ્ય સંજીવ સિંહે કમલનાથ સરકારને ચેતવણી આપતા કહ્યુ હતુ કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળે, નહીંતર ગડબડ થવાની શક્યતા છે.

વિધાનસભામાં મુખ્યપ્રધાન કમલનાથે ધ્યાનાકર્ષણ પર ચર્ચા દરમિયાન બુધવારે વિપક્ષને બહુમતી પરીક્ષણનો પડકાર ફેંકતા કહ્યુ કે વિપક્ષ ચાહે તો તેઓ કોઈપણ સમયે બહુમતીનું પરીક્ષણ કરાવી લે. અમે આજે જ તેના માટે તૈયાર છીએ. અહીં કોઈપણ ધારાસભ્ય બિકાઉ નથી. કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ ચાલશે અને દમથી ચાલશે. વિકાસનો એક એવો નક્શો બનશે જે દરેક વર્ગ માટે હશે.

કમલનાથ જ્યારે પોતાની વાત કહી રહ્યા હતા, ત્યારે વચ્ચે વિપક્ષના નેતા ભાર્ગવે કહ્યુ કે તેમના પક્ષના ધારાસભ્યો હોર્સ ટ્રેડિંગ જેવા કામમાં વિશ્વાસ ધરાવતા નથી. પરંતુ જો નંબર-1 અને નંબર-2નો આદેશ થયો, તો રાજ્યમાં એક દિવસ પણ નહીં લાગે. કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો આરોપ લગાવતા ગૃહમાં હંગામો કર્યો હતો. તો બીએસપીના ધારાસભ્ય રામબાઈએ સ્પષ્ટપણે કોંગ્રેસ સરકારનું સમર્થન કરતા કહ્યુ કે કમલનાથની સરકાર અડગ છે.