Site icon hindi.revoi.in

નારાયણ રાણેના વિશ્વાસુ કાલીદાસ કોલંબકર, એનસીપીના ત્રણ નેતા ભાજપમાં થશે સામેલ

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રમાં એનસીપીના ત્રણ નેતાઓ અને રાજ્યમાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રધાને પોતપોતાની પાર્ટીઓને છોડીને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે.

એનસીપીના મુંબઈ પ્રદેશ પ્રમુખ સચિન અહીરના શિવસેનામાં જોડાયાના એક દિવસ બાદ મહારાષ્ટ્રમાં નવો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. એનસીપીની મહિલા વિંગના રાજ્ય ખાતેના અધ્યક્ષ ચિત્રા વાઘ, એનસીપીના ધારાસભ્ય વૈભવ પિચાડ અને જ્યોતિ કાલાણી પણ ભાજપમાં જોડાશે. આ સિવાય કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન કાલિદાસ કોલંબકર પણ ભાજપમાં જોડાવાના છે.  

ગુરુવારે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવિસ યાત્રા મટે નીકળવાના છે અને બુધવારે અમાસ હોવાથી આ નેતાઓએ પોતાના પક્ષ છોડીને ભાજપમાં જોડાવા મામલે મંગળવારે નિર્ણય કર્યો છે.

કોલંબકર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના ઘનિષ્ઠ સહયોગી હતા અને તેઓ સાત ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. કોલંબકર હાલ વડાલા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. કોલંબકર લાંબો સમયથી ધારાસભ્ય હોય તેવા નેતાઓમાંથી એક છે. 2014માં મોદી લહેરમાં પણ કોલંબકર ચૂંટાયા હતા. જો કે તેમણે ભાજપના ઉમેદવાર મિહિર કોટેચાને માત્ર 800 મતની સરસાઈથી જ હરાવ્યા હતા.

તેઓ ભૂતકાળમાં વફાદાર શિવસૈનિક તરીકે જાણીતા હતા અને શિવસેનાની ટિકિટ પર ધારાસભ્ય તરીકે પાંચ વખત ચૂંટાયા હતા. નારાયણ રાણેએ 2005માં શિવસેના છોડી તેના થોડાક સમયગાળામાં કોલંબકરે પાર્ટી છોડી દીધી હતી. રાણેએ સપ્ટેમ્બર-2017માં કોંગ્રેસના એમએલસી પદેથી રાજીનામું આપીને પોતાની નવી પાર્ટી મહારાષ્ટ્ર સ્વાભિમાન પક્ષની રચના કરી હતી. પરંતુ કોલંબકરે કોંગ્રેસમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

રસપ્રદ રીતે તેમનું ભાજપમાં જોડાવાનું ઘણાં સમયથી ચર્ચાતું હતું. તાજેતરની લોકસભા ચૂંટણી વખતે તેમણે ખુલ્લેઆમ શિવસેનાના ઉમેદવાર રાહુલ શેવાલે માટે પ્રચાર કર્યો હતો અને પોલીસ હાઉસિંગનો મામલો ઉકેલવા બદલ મુખ્યપ્રધાન ફડણવિસનો આભાર માનતું પોસ્ટર પણ મૂક્યું હતું. ગત બે વર્ષથી તેઓ ફડણવિસના નિકટવર્તી બની ગયા હતા અને હવે વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.

કોલંબકરના નજીકના સાથીદારે પુષ્ટિ કરી છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેઓ ભાજપને ટેકો આપશે, લાંબા સમયથી વિલંબિત પોલીસ માટેની હાઉસિંગ સુવિધા અને અને મિલ વર્કરના મામલા ફડણવિસે ઉકેલ્યા છે. તેથી તેઓ આગામી વિધાનસભા ચૂંટણી વખતે ભાજપમાં સામેલ થશે.

કોંગ્રેસના ધારાસભ્ય કાલિદાસ કોલંબકરે પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને 31 જુલાઈએ ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપના નેતા અને સરકારમાં પ્રધાન ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને એનસીપીના આછોમાં ઓછા 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

Exit mobile version