જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં બાંદીપોરા જિલ્લાના સુંબલ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. આ મામલે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને ફાસ્ટટ્રેકના આધારે બાંદીપોરા રેપકેસ મામલાની તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલાના વિરોધમાં લોકોએ સોમવારે રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો કર્યા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયું છે, જેમાં 47થી વઘુ જવાનો ઘાયલ થયા છે. આ ઘાયલ જવાનોમાં એક આસિસ્ટન્ટ કમાન્ડર પણ સામેલ છે. બારામુલામાં રાષ્ટ્રીય જનમાર્ગ પર તહેનાત સુરક્ષાદળો પર ઘણા લોકોએ પથ્થર ફેંક્યા. દુષ્કર્મની ઘટનાના વિરોધમાં બાંદીપોરા, સોપોર, બડગામ, બારામુલાનાં બજારો બંધ રહ્યાં. શ્રીનગરના કેટલાક વિસ્તારમાં પણ દુકાનો બંધ રહી હતી.
આ મામલાને લઇને કાશ્મીર વિશ્વવિદ્યાલય, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ પણ ક્લાસરૂમ્સનો બહિષ્કાર કરીને પ્રદર્શન કર્યું. હાઇકોર્ટ બાર એસોસિયેશનના સભ્યો પણ પીડિતા પ્રત્યે એકતાની ભાવના દર્શાવીને કોર્ટથી દૂર રહ્યા. દેખાવકારોએ દુષ્કર્મી મોતની સજા આપવાની માંગ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ પણ ઘટનાના વિરોધમાં ટિ્વટ કર્યું, લખ્યું કે હું સુંબલમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી સ્તબ્ધ છું. કેવા પ્રકારની બીમાર માનસિકતા ધરાવતા લોકો આવું કરે છે. સમાજ આવી ઘટના માટે મહિલાના વ્યવહારને જ દોષ આપે છે પરંતુ આ ઘટનામાં ત્રણ વર્ષની માસૂમની શું ભૂલ હતી? આવા સમયે શરિયા કાયદા મુજબ દોષીને પથ્થર મારીને મોતની સજા આપવી જોઈએ. રાજ્યપાલ સત્યપાલ મલિકે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. બીજી તરફ પોલીસે સ્કૂલના આચાર્યની પૂછપરછ કરી. જ્યાંથી તેમને સગીરનું સર્ટિફિકેટ મળ્યું હતું.