આર્ટિકલ 370 નિષ્પ્રભાવી બન્યા બાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબરે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નવમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. 31 ઓક્ટોબરે જ લોહપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે.
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત કરવાની જોગવાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે, જ્યારે લડાખમાં વિધાનસભા નહીં હોય.
અધિનિયમ પ્રમાણે, નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં કારગીલ અને લેહ જિલ્લાને સામેલ કરવામાં આવશે. જ્યારે હાલ રાજ્યના અન્ય 12 જિલ્લા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનો હિસ્સો બનશે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હાલ લોકસભાની છ બેઠક છે. વિભાજન બાદ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પાંચ અને કેન્દ્રશાસિત પ્રદેશ લડાખમાં લોકસભાની એક બેઠક હશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ રાજ્યપાલની જગ્યાએ ઉપરાજ્યપાલ હશે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. હાલ અહીં વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભામાં 107 સદસ્યોની ચૂંટણી મતદાન દ્વારા કરવામાં આવશે. તેમા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની 24 બેઠકો સામેલ છે. જમ્મુ-કાશ્મીરની હાલની વિધાનસભામાં પણ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર માટે 24 બેઠકો રાખવામાં આવી હતી.
અધિનિયમમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીરને પાછું લેવામાં નહીં આવે અને ત્યાં લોકો ખુદ પોતાના પ્રતિનિધિ ચૂંટતા નથી જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભામાં 24 બેઠકો ખાલી રહેશે અને વિધાનસભાના કુલ સદસ્યની સંખ્યાના ઉલ્લેખનો સમય તેમની ગણતરી કરવામાં નહીં આવે. આ પ્રકારે નવા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ 83 બેઠકો માટે ચૂંટણી થશે. જેમા છ અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રહેશે.
ઉપરાજ્યપાલને જો એ લાગે છે કે વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઓછું છે, તો તેમને બે મહિલા સદસ્યોને મનોનીત કરવાનો અધિકાર હશે. અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બંને કેન્દ્રશાસિત પ્રદેશોની સંયુક્ત હાઈકોર્ટ તરીકે કામ કરશે.
મહત્વપૂર્ણ છે કે સંસદે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જા સાથે સંબંધિત અનુચ્છેદ-370ના હટાવવાનો સંકલ્પ અને રાજ્યને બે ભાગમાં વહેંચનારા બિલને આ સપ્તાહે પારીત કરવામાં આવ્યું હતું. તેના પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર હસ્તાક્ષર કર્યા હતા. તેની સાથે જ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર આપનારા અનુચ્છેદ-35એને આના પહેલા જ હટાવી દીધી હતી.
આજે જમ્મુમાંથી કલમ-144 પણ હટાવી લીધી છે અને ગઈકાલથી જમ્મુના સ્કૂલ અને કોલેજ ખુલી જશે. જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી કમિશનર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારના આદેશ પ્રમાણે જમ્મુથી કલમ-144 હટાવાય રહી છે અને અહીં 10મી ઓગસ્ટ એટલે કે શનિવારથી સ્કૂલ-કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાન સામાન્યપણે ચાલુ થઈ જશે.