Site icon Revoi.in

જેટ એરવેઝ સંકટ: ફ્લાઇટ ભરેલી રહેતી, કાર્ગો પણ ફુલ રહેતા, પછી કેવી રીતે કંગાળ થઈ ગઈ કંપની?

Social Share

25 વર્ષથી પણ વધુ જૂની એરલાઇન્સ કંપની જેટ એરવેઝ ગંભીર નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. કંપની પાસે કર્મચારીઓના પગાર, વિમાનો અને તેલ કંપનીઓના ભાડા, એરપોર્ટન ભાડા સુદ્ધાં ચૂકવવાના પૈસા નથી. આ એ કંપની છે જેણે ક્યારેક એવિયેશન સેક્ટરમાં સરકારી એર ઇન્ડિયાના એકાધિકારને ખતમ કરીને પ્રાઇવેટ એરલાઇન્સ કંપનીઓ માટે બજાર ખોલ્યું હતું. આજે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે આશરે 22 હજાર કર્મચારીઓની રોજી-રોટી સંકટમાં છે. આખરે એવું શું થયું, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ? આ અંગે જેટ એરવેઝ ઓફિસર્સ એન્ડ સ્ટાફ એસોસિયેશનના પ્રેસિડેન્ટ કિરણ પાવસ્કર જણાવે છે કે, 17 એપ્રિલે જ્યારે જેટે ઓપરેશન્સ બંધ કર્યા ત્યારે કંપની પાસે ફ્યુએલ સુદ્ધાંના પૈસા ન હતા. ત્યાં સુધી ફ્લાઇટ્સ ફુલ જતી હતી. કાર્ગો બિઝનેસ પણ જબરદસ્ત ચાલતો હતો. એમાંથી અચાનક કંપનીની આર્થિક પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ગઈ. પાવસ્કરે શંકા દર્શાવી છે કે આની પાછળ કોઈ મોટું કૌભાંડ હોઈ શકે છે. તેમને એવી પણ શંકા છે કે વિજય માલ્યાની જેમ જ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ પણ વિદેશ ભાગી શકે છે. તેમણે જણાવ્યું કે એસોસિયેશન આજે એટલે કે 1 મેના રોજ રોડ પર માર્ચ કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.

પાવસ્કરે કહ્યું કે આટલી મોટી કંપનીને માત્ર દોઢ મહિનામાં બંધ કરવાનો આખી દુનિયામાં આ એકમાત્ર મામલો હોઈ શકે છે. પાવસ્કરના જણાવ્યા પ્રમાણે, એ દર્શાવવામાં આવી રહ્યું છે કે કંપની પાસે પૈસા નથી. જોકે, ટોપ મેનેજમેન્ટ સાથે થયેલી મીટિંગ્સમાં કંપનીએ જે કારણો ગણાવ્યા છે, તે પચે તેમ નથી. ફ્લાઇટ્સ ફુલ જતી હતી, કાર્ગોનું કામ પણ જોરદાર ચાલી રહ્યું હતું. તે છતાંપણ કંપનીનું કહેવું છે કે તેની પાસે પૈસા નથી. પાવસ્કરે પૂછ્યું છે કે તો પછી કમાણીમાં આવેલા પૈસા ગયા ક્યાં? તેમનું માનવું છે કે કોઈક આંતરિક ગરબડના કારણે કંપનીની આ હાલત થઈ છે.

પાવસ્કરે જણાવ્યું, તેમણે ગયા વર્ષે એપ્રિલમાં કંપનીની સામે ચાર્ટરની ડિમાન્ડ રાખી હતી. તેમાં પગાર વધારા અને બીજી કેટલીક માંગ રાખવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે હાલ તેઓ પગાર વધારા પર વાત નહીં કરે. પાવસ્કરે જણાવ્યું કે તેમને જુલાઈમાં એ વાતની જાણ થઈ કે પાયલટ્સને સમયસર પગાર નથી મળ્યો. 1 તારીખે મળતો પગાર 10 અને 15 તારીખે મળવા લાગ્યો. પગાર મળવામાં વાર થવા પર સવાલ પૂછાતા કંપની જવાબ આપતી હતી કે તમે કેમ ચિંતા કરો છો? પગાર તો બધાને મળી રહ્યો છે. આ બધી વસ્તુઓ આ વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલુ રહી. એસોસિયેશન પ્રેસિડેન્ટે જણાવ્યું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એક સમય એવો આવ્યો જ્યારે એક વિમાનને ઊભું કરવું પડ્યું. તે સમયે કંપની પાસે આ વિમાનનું સમારકામ કરાવવાના પણ પૈસા ન હતા.

પાવસ્કરે કહ્યું કે માર્ચમાં જ્યારે પગાર ન મળવાની ફરિયાદ કરવામાં આવી તો તેમને કહેવામાં આવ્યું કે જો તત્કાલીન ચેરમેન નરેશ ગોયલ પોતાની પોસ્ટ છોડી દે, તો સ્ટેટ બેંક 1500 કરોડ રૂપિયા લગાવવા માટે તૈયાર છે. જોકે, પછીથી જ્યારે નરેશ ગોયલે પોસ્ટ છોડી દીધી તો પણ પરિસ્થિતિ સુધરી નહીં. જાણ થઈ કે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા બચ્યા નથી. પાવસ્કરે પૂછ્યું કે જે પૈસો સ્ટેટ બેંક આપવાની હતી તે ક્યાં ગયો? તેમણે જણાવ્યું કે કંપની તરફથી જાણકારી આપવામાં આવી છે કે 10 મે સુધી નવા રોકાણકારો તરફથી બોલી લગાવવામાં આવશે.

જોકે હવે એવી જાણ થઈ રહી છે કે જેટ એરવેઝને જમીનમાં દફનાવવાની તૈયારીઓ થઈ રહી છે. કંપનીના તમામ રૂટ્સ બીજી એરલાઇન્સને આપી દેવામાં આવ્યા છે. વિમાનનો રંગ બદલીને સ્પાઇસજેટને મોકલી દેવામાં આવ્યો છે. જેટના પાર્કિંગ સ્લોટ્સ અન્યોને આપી દેવામાં આવ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો જેટ એરવેઝને ફરીથી ઊભી કરવી હોય તો તેમની પાસે સંસાધનો બચ્યાં જ ક્યાં છે?

પાવસ્કરે આરોપ લગાવ્યો કે કંપની ફરીથી ઊભી કરવાનું બસ ઠાલું આશ્વાસન જ આપવામાં આવી રહ્યું છે. સરકાર કે બેંક તરફથી આ મુદ્દે એક શબ્દ પણ કહેવામાં નથી આવી રહ્યો. તેમણે સવાલ ઉઠાવ્યો, કંપનીએ જ્યારે ઓપરેશન્સ બંધ કર્યા ત્યારે કહ્યું કે આ ટેમ્પરરી સસ્પેન્શન છે. આ કોના કહેવા પર કરવામાં આવ્યું, કારણકે તે સમયે નરેશ ગોયલ ચેરમેન પદ છોડી ચૂક્યા હતા. પાવસ્કરે કહ્યું કે જે લોકોને બહાર નોકરી મળી પણ ગઈ, તેમની ગ્રેજ્યુઇટીનું શું થશે? સરકાર આ દિશામાં કોઈ પગલાં કેમ નથી લઈ રહી? જો નવું મેનેજમેન્ટ આવે છે તો પાછલા 20 વર્ષોનો હિસાબ શા માટે આપે? આ રકમ નાની નથી. તે પણ હજાર કે બે હજાર કરોડ હશે.

એસોસિયેટ પ્રેસિડેન્ટે આરોપ લગાવ્યો કે સરકાર પણ આ મામલે દોષિતોની મદદ કરી રહી છે. પાવસ્કરે જણાવ્યુ કે તેમણે તાત્કાલિક એક્શન લઈને વેતન માટે લેબલ કમિશ્નર ઓફિસમાં કેસ ફાઇલ કર્યો છે. ત્યારબાદ કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો રહેશે. તેમણે કહ્યું કે તેઓ પોલીસ પાસે ગયા પરંતુ તેમની એફઆઇઆર નોંધવામાં ન આવી. પાવસ્કરે આશંકા દર્શાવી કે જેવી રીતે વિજય માલ્યા જે રીતે દેશની બહાર જતો રહ્યો, તે જ રીતે નરેશ ગોયલ અને જેટના સીઇઓ પણ દેશ છોડીને જતા રહે તો કર્મચારીઓની ગ્રેજ્યુઇટીનું શું થશે. સરકાર એફઆઇઆર નોંધાવવા નથી દેતી, તેનો અર્થ સ્પષ્ટ છે કે તે પણ આવા લોકોની મદદ કરી રહી છે. પાવસ્કરના જણાવ્યા પ્રમાણે, જેટના કર્મચારી 1 મેના રોજ માર્ચ કરશે. તેઓ તમામ પોલીસ સ્ટેશન જશે અને એફઆઇઆર નોંધવા માટે કહેશે. પાવસ્કરે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે જો સરકાર કે અન્ય કોઈ કંપની રસ નથી લેતી તો કર્મચારીઓ અડધો પગાર લઈને કંપની પોતે ચલાવવા માટે તૈયાર છે.