Site icon hindi.revoi.in

લાલુપ્રસાદ યાદવ પર જેલમાંથી ટિકિટ વહેંચવાનો આરોપ, JDUએ ચૂંટણીપંચને કરી ફરિયાદ

Social Share

જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ આરોપ લગાવ્યો છે કે આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ જેલમાંથી પોતાની પાર્ટીના ઉમેદવારોને ટિકિટ વહેંચી રહ્યા છે. જેડીયુએ આ મામલાની ફરિયાદ ચૂંટણીપંચને કરી ને આરજેડીના તમામ ઉમેદવારોનું નોમિનેશન રદ કરવાની માંગ કરી છે.

જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે પંચને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેલમાં રહીને લાલુએ લોકસભા ચૂંટણીમાં પોતાની સહીથી જ ટિકિટ વહેંચી. તો શું આ માટે કોર્ટ પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી?

જેડીયુએ લખ્યું કે લાલુ ચારા કૌભાંડ મામલામાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત થઈને રાંચીની હોટવાર જેલમાં બંધ છે. તેઓ એક ક્રિમિનલ કેસમાં દોષસિદ્ધ અપરાધી છે, કોઈ જન આંદોલન નેતા નથી. હાલ સ્વાસ્થ્ય સંબંધી કારણોસર તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં પેઇંગ વોર્ડમાં સારવાર કરાવી રહ્યા છે.

જેલ મેન્યુઅલમાં સ્પષ્ટ છે કે લાલુને ફક્ત પરિજનોને મળવાનું છે. તે પણ અઠવાડિયામાં એક દિવસ અને ફક્ત શનિવારે. આ માટે પહેલાથી પરવાનગી લેવી પડે છે. નીરજે કહ્યુ કે લાલુએ પોતાની સહીથી ટિકિટો વહેંચી છે. જો કોર્ટ પાસેથી પરવાનગી લેવામાં નથી આવી તો લાલુ દ્વારા વહેંચવામાં આવેલી ટિકિટ પર લડી રહેલા ઉમેદવારોનું નોમિનેશન ગેરકાયદે જાહેર કરાવામાં આવવું જોઈએ.

જેલ મેન્યુઅલ પ્રમાણે લાલુએ મુલાકાત દરમિયાન રાજકીય વાતો નહોતી કરવાની. પરંતુ તેઓ તો રાજકીય ઉદ્દેશથી ફક્ત રાજકીય હસ્તીઓ સાથે જ મુલાકાત કરતા રહ્યા. એટલું જ નહીં લાલુ સતત સોશિયલ મીડિયા પર પણ પોતાના વિચારો વ્યક્ત કરે છે, જેનાથી ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવી રહી છે. જો લાલુનું ટ્વિટર હેન્ડલ કોઈ અન્ય વ્યક્તિ ચલાવી રહી છે, તોપણ લાલુએ જણાવવું જોઈએ કે લાલુ જેલમાંથી પોતાના વિચારો કોની સાથે શેર કરે છે.

એલજેપી સંસદીય બોર્ડના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે આરજેડીની આખી પાર્ટી જેલમાંથી ચલાવવામાં આવી રહી છે. તમામને જાણ છે કે ઉમેદવારો જેલમાં મળવા જઇ રહ્યા છે. અમે આ વાત પબ્લિક ડોમેઇનમાં મૂકીશું. જ્યારે આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ કહ્યું કે જેડીયુન લોકો બેચેનીમાં છે. જ્યારે લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં ચૂંટણી લડી શકે છે તો જેલમાં રહીને ટિકિટ વહેંચવી એ કોઈ ગુનો નથી. આરજેડીએ લાલુપ્રસાદ યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા છે તો તેઓ ટિકિટ કેમ ન વહેંચે? પહેલા અને બીજા તબક્કામાં લોકસભામાં જબરદસ્ત હારના અંદેશામાં જેડીયુના નેતાઓના હોશ ઠેકાણે આવી ગયા છે. એટલે રાજકારણને છોડીને બીજી તરફ લોકોનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે.

Exit mobile version