જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. કાશ્મીર ખીણમાં હજી પણ કલમ-144 લાગુ છે અને મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકો જરૂરી સામાનની ખરીદી કરવા માટે બજારમાં જઈ રહ્યા છે.
જણાવવામાં આવે છે કે કાશ્મીરમાં હાલ કલમ-144 લાગુ છે, તેવામાં ગ્રુપમાં લોકો સડક પર આવી શકતા નથી. આ ઘટનાક્રમ વચ્ચે જીવનજરૂરિયાતના સરસામાનની દુકાનોને ખુલ્લી રાખવામાં આવી છે. હજીપણ શ્રીનગરમાં ફળની દુકાન, ડેરી, પેટ્રોલ પંપ અને મેડિકલ દુકાનો ખુલી છે અને સામાન્ય લોકો આવન-જાવન કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં હજીપણ મોબાઈલ સર્વિસ બંધ છે, ઈન્ટરનેટ પણ બંધ છે, કેબલ સર્વિસ પણ બંધ રાખવામાં આવી છે. બુધવારે જ શ્રીનગરનું એરપોર્ટ ખોલવામાં આવ્યું હતું અને તે સામાન્ય ફ્લાઈટની શરૂઆત થઈ ગઈ હતી.
જો કે હજીપણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીર ખીણના ખૂણખૂણે સુરક્ષાદળો તેનાત છે. સુરક્ષાદળ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને નિપટવા માટે તૈયાર છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે અને કલમ-370ને અસરહીન બનાવી દીધી છે. અત્યાર સુધી કલમ-370 હેઠળ કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યો હતો, તે હવે સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.
પરિસ્થિતિને સામાન્ય રાખવા અને સ્થિતિ પર નજર જમાવી રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હજી શ્રીનગરમાં જ છે. મહત્વપૂર્ણ છે કે હજીપણ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તિને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. જેથી તે કોઈપણ પ્રકારનું પ્રદર્શન કરી શકે નહીં.