Site icon hindi.revoi.in

કાશ્મીરની રાજનીતિમાં મોટો ભૂકંપ!, મુખ્યપ્રવાહમાં આવશે ભાગલાવાદી, પક્ષપલ્ટો કરશે મુખ્ય પક્ષોના નેતા?

Social Share

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ની જોગવાઈ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્યની રાજનીતિમાં મોટું પરિવર્તન જોવા મળે તેવી શક્યતા છે. આ પરિવર્તન હેઠળ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સપનું જોનારા ભાગલાવાદી મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થાય તેવી શક્યતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના વિભાજન અને ત્યાંથી કલમ-370ની જોગવાઈ હટાવાયા બાદ રાજ્યના ભાગલાવાદી પોતાના રાજનીતિક ભવિષ્યને લઈને ચર્ચા કરી રહ્યા છે.

એક યુવાન પોલિટિકલ એક્ટિવિસ્ટે ટીઓઆઈને જણાવ્યુ છે કે હવે જ્યારે નવી દિલ્હીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને હટાવી દઈને અધિકાર છીનવી લીદા છે. ત્યાર બાદ હવે અમે પણ દેશના અન્ય રાજ્યોની જેમ થઈ ગયા છીએ. તેવામાં હવે રાજકીય પાર્ટીઓને ગવર્નન્સના મુદ્દા પર ફોકસ કરવું પડશે, ભાગલાવાદ અને સ્પેશ્યલ સ્ટેટસ અને સ્વાયત્તતાના મુદ્દા પર નહીં. આજે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓનો એજન્ડા અસંગત થઈ ગયો છે.

હુર્રિયતના સૂત્રોનું કહેવું છે કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન બંને પાસેથી ફંડ લેનારા હુર્રિયતના નેતાઓની યુવા પેઢી હવે મુખ્યધારાની રાજનીતિમાં સામેલ થાય તેવી શક્યતા છે. લોકોને એ વાતનો અહેસાસ છે કે ભાગલાવાદની રાજનીતિએ કાશ્મીરી લોકોનું ભલું કર્યું નથી.

નેશનલ કોન્ફરન્સ સાથે જોડાયેલા સૂત્રો મુજબ, પાર્ટી અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા રાજ્યને ફરીથી વિશેષાધિકાર અપાવવા માટે સંઘર્ષ કરે તેવી શક્યતા છે. જો કે તેમના પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા આના પ્રત્યે થોડાક અનિચ્છુક દેખાઈ રહ્યા છે. પાર્ટી સૂત્રો પ્રમાણે, ફારુક અબ્દુલ્લા હજીપણ એ વાતને સ્વીકારી શક્યા નથી કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષાધિકાર છીનવી લીધો છે અને તેનું વિભાજન કરી દીધું છે.

કાશ્મીરની મુખ્યધારાની વધુ એક રાજકીય પાર્ટી પીડીપી પણ હાલ પોતાના વિકલ્પો પર વિચારણા કરી રહી છે. અહેવાલ પ્રમાણે, પીડીપીના ઉભાર પાછળ જમાત-એ-ઈસ્લામીની મોટી ભૂમિકા હતી. હવે જ્યારે સરકારે જમાત-એ-ઈસ્લામી પર ગત ઘણાં સમયથી સકંજો કસવાનું શરૂ કર્યું હતું. ત્યારે સરકારમાં રહેતા જેવી રીતે મહબૂબા મુફ્તિઓ પોતાના કુટુંબીઓને મહત્વના પદો પર બેસાડયા, તેનાથી પાર્ટીના ઘણાં વરિષ્ઠ નેતાઓ અલગ-થલગ થઈ ચુક્યા છે અને બીજી પાર્ટીઓમાં સામેલ થાય તેવી શક્યતા છે. તેવામાં પીડીપીની શક્તિ ઘણી ઘટી ગઈ છે. હાલ પાર્ટી પોતાના આગામી પગલા પર વિચારવિમર્શ કરી રહી છે.

અહેવાલ છે કે જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં ગત ઘણાં દિવસોથી દસ્તક દેનારા ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ શાહ ફૈસલના એક નિકટવર્તીએ કહ્યુ છે કે ફૈસલ માટે આ શરૂઆતનો સારો મોકો હોઈ શકે છે અને રાજ્યના યુવાનોનું પણ તેમને સારું સમર્થન પ્રાપ્તા છે.

કાશ્મીરના રાજકીય અને સામાજીક કાર્યકર્તાઓનું માનવું છે કે કાશ્મીરની રાજનીતિમાં હવે સૌથી મોટા કિંગમેકર પંચાયત સદસ્ય અને સ્થાનિક નિગમોના નેતા બની શકે છે. કાશ્મીરના ઘણાં યુવાનો અને પ્રગતિશીલ નેતાઓએ તાજેતરમાં પંચાયતની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેવામાં આગામી દિવસોમાં રાજ્યની રાજનીતિને નવી દિશા આપવામાં આ વર્ગની ઘણી મહત્વની ભૂમિકા સાબિત થાય તેવી શક્યતા છે.

Exit mobile version