જમ્મુ-કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી, કલમ-144ની વચ્ચે સોમવારે શાંતિની સાથે ઈદની નમાજ અધા કરવામાં આવી હતી. શ્રીનગર, પુલવામા, અનંતનાગ, બારામૂલા સહીત કાશ્મીર ખીણના અન્ય શહેરોમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ ઈદની ઉજવણી કરી હતી. આ દરમિયાન કલમ-144માં ઢીલ આપવામાં આવી હતી. જો કે આ ઢીલને નમાજ પઢી લેવાયા બાદ હટાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગૃહ મંત્રાલય તરફથી ઈદને લઈને નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં કહ્યુ કે આજે કાશ્મીર ખીણમાં અલગ-અલગ સ્થાનો પર કોઈપણ પ્રકારની હિંસા વગર શાંતિથી ઈદની નમાજ અદા કરવામાં આવી. રવિવારે પોલીસ અને પ્રશાસન તરફથી સ્થાનિક લોકો સાથે મળીને ઈદની તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોલીસ સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી પણ કાશ્મીરમાં ઈદની જાણકારી આપવામાં આવી હતી. ગૃહ મંત્રાલય પ્રમાણે, અનંતનાગ, બારામૂલા, બડગામ, બાંદીપોરા સહીત અન્ય ઘણાં શહેરોમાં હિંસા વગર નમાજ અદા કરવામાં આવી. એકલા બારામૂલાની જામિયા મસ્જિદમાં દશ હજારથી વધારે લોકોએ નમાજ પઢી હતી.
આ સિવાય શ્રીનગર અને શોપિયાંમાં પણ શાંતિથી ઈદ મનાવવામાં આવી. જમ્મુના ઈદગાહમાં પણ લગભગ 4500 લોકોએ નમાજ પઢી હતી.
મહત્વપૂર્ણ છે કે પાંચમી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને કમજોર કરી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પુરી કાશ્મીર ખીણમાં કલમ-144 લાગુ છે અને મોટા પ્રમાણમાં લોકોના એકસાથે બહાર ફરવા પર રોક લગાવવામાં આવી હતી. ઘમાં દિવસોથી કાશ્મીર ખીણની બજાર બંધ હતી. મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ટીવી, કેબલની સુવિધાઓ પણ મળી શકતી ન હતી.
ઈદને જોતા કલમ-144માં ઢીલ આપવામાં આવી હતી. બજાર ખોલવામાં આવ્યા, બેંક પણ ખોલવામાં આવી. ગત બે દિવસોથી કાશ્મીર ખીણમાં ઠેકઠેકાણે હલચલ જોવા મળી હતી. બજારમાં પણ રોનક દેખાઈ હતી. જો કે હજીપણ કાશ્મીર ખીણમાં કોઈપણ પ્રકારની કોઈ છૂટ આપવામાં આવી નથી અને ફોન સર્વિસ પણ ચાલુ કરવામાં આવી નથી. ઈદના દિવસે કાશ્મીર ખીણમાંથી ઘણી તસવીરો એવી પણ સામે આવી કે જ્યાં સુરક્ષાદળોએ મસ્જિદોમાં લોકોને મિઠાઈ ખવડાવી હતી.