ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીર પર મોદી સરકારના નિર્ણયથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ મંગળવારે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તમામ સૈન્ય પ્રમુખોને પણ બોલાવવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા, પાકિસ્તાની વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાન, પાકિસ્તાની નૌસેનાના પ્રમુખ એડમિરલ ઝફર મહમૂદ અબ્બાસી પણ પાકિસ્તાનની સંસદમાં હાજર રહેશે.
ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. તેની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ મંગળવારે પાકિસ્તાની સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. સવારે 11 વાગ્યે આ સત્રની શરૂઆત થઈ હશે. આ સત્રમાં ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા અને તેની અસરની ચર્ચા થશે.
પાકિસ્તાની નેશનલ એસેમ્બલી સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા એજન્ડામાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત સત્રમાં પાકિસ્તાન ભારત દ્વારા અનુચ્છેદ-370ની જોગવાઈઓમાં પરિવર્તન અને જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય દળોની તેનાતી પર ચર્ચા કરશે.
માનવામાં આવે છે કે પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર જોરશોરથી ઉઠાવવાની કોશિશ કરશે. સંયુક્ત સત્રમાં પાકિસ્તાન ભારતના પગલાની ટીકા કરતો નિંદા પ્રસ્તાવ પણ પારીત કરશે. તો પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવાએ પણ જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા માટે મંગળવારે કોર્પ્સ કમાન્ડરોની બેઠકમાં ભારતના પગલા અને તેની ભૂરણનીતિક અસરો પર ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યોક્ષોને ફોન પર વાત કરીને કાશ્મીરમાં અનુચ્છેદ-370ને સમાપ્ત કરવાના ભારતના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે તેનાથી પ્રાદેશિક શાંતિ નષ્ટ થઈ જશે.