લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર ચર્ચા દરમિયાન કંઈ એવું થયું કે કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડયું. કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ અનુચ્છેદ-370 પર એવા સવાલ પુછયા કે ગૃહ પ્રધાન અમિત શાહે તેમને ખખડાવ્યા હતા. અમિત શાહે કહ્યુ કે આ મામલામાં કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસે કહ્યું છે કે શું કાશ્મીરને યુએન મોનિટર કરે.
લોકસભામાં આજે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ગૃહની કાર્યવાહી શરૂ થતા જ ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી વચ્ચે તીખી બોલાચાલી થઈ. પહેલા ગૃહ પ્રધાને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન વિધેયક ગૃહના પટલ પર રજૂ કર્યું. તેના પછી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાનો અભિપ્રાય ગૃહમાં રજૂ કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારે રાતોરાત નિયમ કાયદાને તાક પર મૂકીને જમ્મુ-કાશ્મીરના ટુકડા કરી દીધા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો.
અધીર રંજન ચૌધરીના આ નિવેદન પર અમિત શાહ ભડકી ગયા હતા. અમિત શાહે કહ્યુ છે કે સરકારે ક્યો નિયમ તોડયો છે, અધીર રંજન આ જણાવે, સરકાર આનો જવાબ આપશે. અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસના નેતાએ જનરલ સ્ટેટમેન્ટ આપવું જોઈએ નહીં.
તેના જવાબમાં અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે તમે હમણા કહ્યુ કે કાશ્મીર આંતરીક મામલો છે, પરંતુ અહીં હજી પણ સંયુક્ત રાષ્ટ્ર 198થી મોનિટરિંગ કરતું રહ્યું છે.
અમિત શાહે આના પર અધીર રંજન ચૌધરીને તાત્કાલિક ટોક્યા. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યુ હતુ કે તમે એ સ્પષ્ટ કરો કે આ કોંગ્રેસનું સ્ટેન્ડ છે કે સંયુક્ત રાષ્ટ્ર કાશ્મીરને મોનિટર કરી શકે છે. તેના પછી ગૃહમાં જોરદાર હંગામો થયો. અમિત શાહે વારંવાર કહ્યુ કે તમે એ સ્પષ્ટ કરો કે કાશ્મીરને યુએન મોનિટર કરી શકે છે, તમે હમણા કહ્યું છે.
અમિત શાહના આ નિવેદન બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યુ કે ગૃહ પ્રધાન પાસેથી તેમણે માત્ર સ્પષ્ટીકરણ માંગ્યું છે, બીજું કંઈ નહીં. ચૌધરીએ કહ્યુ કે ભારતના એક વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના મુદ્દે શિમલા સમજૂતી કરી, બીજા વડાપ્રધાને લાહોર યાત્રા કરી, તો પછી આને આંતરીક મામલો કેવી રીતે માની શકાય. સંસદમાં આ મુદ્દા પર ખૂબ હંગામો થયો.
મહત્વપૂર્ણ છે કે સોમવારે નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર આપનારી બંધારણની કલમ-370ની ઘણી જોગવાઓને રદ્દ કરી હતી. તેના સિવાય જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે.