Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકી હુમલો, સીઆરપીએફનો એક જવાન ઘાયલ

Social Share

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષા દળોના એક સંયુક્ત દળ પર સોમવારે સવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો એક જવાન ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગંગુ વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આ શૂટઆઉટમાં સીઆરપીએફનો એક જવાન ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વિસ્તારને તપાસ માટે સીલ કરવામાં આવી છે. આ પહેલા રવિવારે સીઆરપીએફનો એક સહાયક ઉપ-નિરીક્ષક ત્રાલ શહેરમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયો હતો.

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કાશ્મીરમાં હજી પણ આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે અને તેમાંના મોટાભાગના પાકિસ્તાનનાં બિન સ્થાનિક લોકો છે.

આતંકવાદમાં સ્થાનિક યુવાનોની ભરતી એક મોટી ચિંતા છે

નોંધપાત્ર વાત એ છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં સ્થાનિક યુવાનોની ભરતી ભારતીય સૈન્ય માટે મોટી ચિંતા છે. આ વર્ષે ઘાટીમાં અત્યાર સુધીમાં 131 યુવાનોએ આતંકવાદનો માર્ગ અપનાવ્યો છે. ગયા વર્ષે 117 યુવાનો આતંકવાદમાં સામેલ થયા હતા.

સીઆરપીએફ તૈયાર કરશે 500 હાઇ-ટેક નિષ્ણાંતો

જમ્મુ-કાશ્મીર તેમજ નક્સલવાદી અસરગ્રસ્ત રાજ્યોમાં અનેક પડકારોનો સામનો કરી રહેલા સીઆરપીએફે તેની તકનીકી સંબંધિત કુશળતા વધારવા માટે ઉચ્ચ તકનીકી નિષ્ણાંતોનો પૂલ બનાવવાની યોજના બનાવી છે,જેથી તેના અધિકારીઓ અભૂતપૂર્વ પરિસ્થિતિઓ સાથે કામ કરી શકે.

આંતરિક સુરક્ષા જાળવવા અર્ધ લશ્કરી જવાનો દેશના વિવિધ ભાગોમાં તૈનાત છે. સીઆરપીએફ દેશની એક મુખ્ય આંતરિક સુરક્ષા દળ છે, જેમાં ત્રણ લાખથી વધુ જવાનો છે અને હવે તેણે એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા 500 અધિકારીઓને તાલીમ આપવાનું નક્કી કર્યું છે.

_Devanshi