17મી લોકસભા ચૂંટણીમાં ગુરૂવારે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી. જોકે, જલંધરના એક કાઉન્ટિંગ સેન્ટરમાં ચર્ચા ફક્ત બીજેપીની જીતની જ નથી, પરંતુ એક અન્ય વ્યક્તિની છે. શટર બનાવવાનો બિઝનેસ કરતા નીતૂ શટરાંવાલા ગુરૂવારે આંસુઓ સાથે કાઉન્ટિંગ સેન્ટરની બહાર નીકળ્યા. તેનું કારણ ફક્ત ચૂંટણીમાં મળેલી હાર નહોતી.
નીતૂએ રડતા રડતા જણાવ્યું કે, ‘મારા પરિવારમાં 9 લોકો છે, પરંતુ મને ફક્ત 5 વોટ્સ મળ્યા અને આ મારા માટે ચોંકાવનારી વાત છે. મારી આખી ગલીએ મને વોટ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ મને ફક્ત 5 વોટ્સ મળ્યા. હું એક મહિનો મારી દુકાનથી દૂર રહ્યો અને લોકોની વચ્ચે કામ કર્યું, પરંતુ તેમણે મારા માટે વોટ ન કર્યો.’ હારથી નિરાશ થયેલા નીતૂએ ભવિષ્યમાં ફરી ક્યારેય ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
નીતૂ કાઉન્ટિંગ સેન્ટર પર જ રડી પડ્યા હતા અને તેમની વાતો લોકોએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. જોતજોતામાં તેમનો વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા હતા. જોકે પછીથી જાણ થઈ કે નીતૂએ પહેલા જ હાર માની લીધી હતી. દિવસ પૂરો થતા સુધીમાં તેમને 856 વોટ્સ મળી ચૂક્યા હતા. નીતૂ આ પહેલા ચર્ચામાં ત્યારે આવ્યા હતા જ્યારે તેમણે એક મોબાઈલ ફોનને નકલી બોમ્બ સાથે જોડી દીધો હતો. તેમને પોલીસે પકડી લીધા હતા. તે સમયે મીડિયા પાસેથી મળેલા અટેન્શન પછી તેમણે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.