અમરનાથ યાત્રા પહેલા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોટા આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ બુધવારે અહીંના એક ભીડભાડવાળા વિસ્તારમાં સડક પર સીઆરપીએફની એક પેટ્રોલ પાર્ટીને નિશાન બનાવી છે. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક એસએચઓ પણ સામેલ છે.
અધિકારીઓએ કહ્યુ છે કે ઓછામાં ઓછા બે આતંકવાદીઓએ કેપી રોડ પર સીઆરપીએફના કાફલા પર ઓટોમેટિક રાઈફલથી અંધાધુંધ ગોળીબાર કર્યા અને બાદમાં ગ્રેનેડ ફેંકયો. ગોળીબાર ચાલુ હતો. સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી પણ ઠાર થયો છે. અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ અરશદ અહમદ પણ હુમલામાં ઘાયલ થઈ ગયા છે. તેમને સારવાર માટે શ્રીનગર શિફ્ટ કરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ, અલ ઉમર મુજાહિદ્દીન નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી જૂથનું કહેવું છ કે મુશ્તાક જરગર તેનો ચીફ છે. જણાવામાં આવે છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન તે પણ નિશાના પર હતો. મહત્વપૂર્ણ છે કે જરગર એ શખ્સ છે કે જેને 1999માં આઈસી-814ને મુક્ત કરાવવાના બદલામાં ભારત સરકારે મુક્ત કર્યો હતો. તેની સાથે મસૂદ અઝહર અને શેખ ઉમરને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.
મીડિયા અહેવાલ મુજબ, એક સ્થાનિક યુવતીને પણ ગોળી વાગી છે. જણાવવામાં આવે છે કે જે વિસ્તારમાં હુમલો થયો છે, ત્યાં મોટાભાગે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ અને સીઆરપીએફની ટુકડીઓ સાથે મળીને પેટ્રોલિંગ કરે છે. અનંતનાગરમાંહાલ ઈન્ટરનેટ સેવા રોકવામાં આવી છે.