- ઈસરો કરી રહ્યું છે, ડેટાનું વિશ્લેષણ
- ચંદ્રયાન-2ની તમામ આશાઓ હજી સમાપ્ત થઈ નથી
- વિક્રમનો ચંદ્રથી 2.1 કિ.મી.ના અંતરે ઈસરો સાથેનો સંપર્ક તૂટયો
ભારતના ચંદ્રયાન-2 મિશનને શનિવારે સવારે એક આંચકો લાગ્યો હતો. ચંદ્ર પર લેન્ડિંગના 2.1 કિલોમીટર પહેલા વિક્રમ લેન્ડરનો સંપર્ક ઈસરો સાથે તૂટી ગયો હતો. આ ઘટના બાદ ઈસરોએ કહ્યુ હતુ કે તે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે.
પરંતુ શું વિક્રમ લેન્ડર ક્રેશ થઈ ગયું છે? એએનઆઈના જણાવ્યા પ્રમાણે, જ્યારે આ સવાલ ઈસરોના વૈજ્ઞાનિક દેવીપ્રસાદ કાર્નિકને પુછવામાં આવ્યો, તો તેમણે કહ્યુ હતુ કે ડેટાનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે. અમારી પાસે અત્યાર સુધીમાં કોઈ નિષ્કર્ષ નથી. આમા સમય લાગતો હોય છે. અમે નક્કર રીતે કંઈ કહી શકીશું નહીં.
લગભગ 47 દિવસોની યાત્રા બાદ વિક્રમ લેન્ડરનો સંપર્ક ઈસરો સાથે તૂટયો છે. ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યુ છે કે વિક્રમ લેન્ડર બિલકુલ યોગ્ય માર્ક પર આગળ વધી રહ્યું હતું, પરંતુ લેન્ડિંગથી 2.1 કિલોમીટર પહેલા તેનો સંપર્ક તૂટી ગોય હતો.
અત્યાર સુધી માત્ર ત્રણ દેશો રશિયા, અમેરિકા અને ચીન ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદી ખુદ ઈસરોના મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા. પરંતુ કોઈપણ દેશ ચંદ્રના સાઉથ પોલ સુધી પહોંચી શક્યો નથી કે જ્યાં ચંદ્રયાન-2 ઉતરવાનું હતું.
મોદીએ વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટવા પર કહ્યુ કે જ્યારે મિશન મોટું હોય છે, તો નિરાશાથી પાર પામવાની હિંમત હોવી જોઈએ. મારા તરફથી તમને સૌને ઘણા અભિનંદન. તમે દેશની અને માનવજાતિની ઘણી મોટી સેવા કરી છે.
દેશના અન્ય નેતાઓ અને હસ્તીઓએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે ઈસરોની ટીમને ચંદ્રયાન-2 મૂન મિશન પર શાનદાર કામ માટે અભિનંદન. તમારા ઝનૂન અને સમર્પણ પ્રત્યેક ભારતીય માટે એક પ્રેરણા છે.
મહત્વપૂર્ણ છે કે વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની કોશિશ કરી રહ્યા હતા. તે વખતે દેશના કરોડો લોકોની નજર તેના પર હતી. જો વિક્રમ ચંદ્ર પર પહોંચી જાત તો આજે દેશ માટે ઐતિહાસિક દિવસ હોત.