દિલ્હીની આમ આદમી પર્ટીની સરકાર રાજધાનીમાં ચીનની કંપની હિકવિઝનના 1.5 લાખ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપ્યો છે. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક ચીનની કંપનીના કેમેરા લગાવીને દેશની સુરક્ષા સાથે ખિલવાડ તો થઈ રહ્યો નથી ને. ક્યાંક રાજધાનીમાં ડ્રેગન તરફથી જાસૂસીની કોશિશ તો નથી ને’?
એબીપીના રિપોર્ટ પ્રમાણે, હિકવિઝન બદનામ કંપની છે. આ કંપનીના કેમેરા પર અમેરિકામાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બ્રિટનમાં પણ આ કંપનીના કેમેરા પર સવાલ ઉઠયા છે. હિકવિઝન કંપનીની માલિકી અન્ય કોઈની નહીં પણ ચીનની સરકારની છે. આ જાણકારી કંપનીના વાર્ષિક અહેવાલમાં સામેલ આવી છે. કંપનીના કંટ્રોલિંગ શેયરહોલ્ડર્સ તરીકે ચીનની સરકારનું નામ સામે આવ્યું છે.
આ કેમેરા સંદર્ભે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહનું કહેવું છે કે અમે બીઈએલને સીસીટીવી કેમેરા લગાવવાનું કામ આપ્યું છે. આ કેમેરા દિલ્હી મેટ્રોમાં પણ લગાવાયા છે. જો આ કેમેરા પ્રતિબંધિત છે, તો દિલ્હી મેટ્રોમાં કેમ લાગેલા છે’? અમે તેના માટે ઓછી કિંમત આપી છે અને તમામ નિયમનોનું યોગ્ય રીતે પાલન કર્યું છે.
આ પહેલા નીતિ પંચ તરફથી ચીનની કંપનીના કેમેરા લગાવવા સંદર્ભે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નીતિ પંચની બેઠકમાં ટેક્લિનક્લ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રતિનિધિએ ક્હ્યુ હતુ કે અમેરિકામાં આ કેમેરા પ્રતિબંધિત છે.
આરોપ છે કે ચીનની હિકવિઝન કંપનીના કેમેરામાં બેકડોર એન્ટ્રીની સિસ્ટમ છે. એટલે કે સીસીટીવીથી લેવામાં આવતી તસવીરો નિર્માણકર્તા કંપની પ્રાપ્ત કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, ચીન પોતાને ત્યાં ખુદ 20 કરોડથી વધારે સીસીટીવી કેમેરા લગાવી ચુક્યું છે. તેનાથી દેશમાં એક પ્રકારે વીડિયો સર્વિલાન્સ નેટવર્ક તૈયાર થઈ ગયું છે. તેના દ્વારા દેશમાં એક-એક વ્યક્તિની દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. ચીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળા કેમેરા પણ લગાવ્યા છે.