આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટુકડીઓ શોધી રહી છે. ત્યારે એક મોટો ખુલાસો થયો છે. સૂત્રો પ્રમાણે, ગઈકાલે સાંજથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતા પહેલા તેમણે પોતાના ડ્રાઈવર અને ક્લાર્કને અધવચ્ચે રસ્તામાં ઉતારી દીધા હતા. તેના પછી તેમણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કર્યો હતો. આ મોબાઈલ છેલ્લા અહેવાલ સુધી ચાલુ થયો નથી.
મંગળવારે અત્યાર સુધી પી. ચિદમ્બરમની તલાશ કરી રહેલી તપાસ એજન્સીઓએ તમામ નિકટવર્તીઓના ઘરની તલાશી લીધી છે. દિલ્હી-એનસીઆરની એક ડઝનથી પણ વધારે જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ છેલ્લા અહેવાલ સુધી ચિદમ્બરમને તપાસ એજન્સીઓ શોધી શકી નથી.
ચિદમ્બરમના વકીલ અર્શદીપસિંહ ખુરાનાએ સીબીઆઈને લખ્યું છે કે મારા અસીલ સામે કોઈ નક્કર કાર્યવાહી કરો નહીં અને સવારે 10-30 વાગ્યાની સુનાવણીની રાહ જોવો. આના પહેલા દિલ્હી હાઈકોર્ટે ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની આગોતરા જામીન અરજીને નામંજૂર કરી હતી. બાદમાંતપાસ એજન્સીઓએ તેમની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી. પરંતુ તેઓ ઘર પર મળ્યા ન હતા.
સીબીઆઈની ટીમ મંગળવારે સાંજે 6-30 કલાકે ચિદમ્બરમના નિવાસસ્થાને પહોંચી અને તેમના ઘર પર નહીં મળવાને કારણે દશ મિનિટ બાદ ચાલી ગઈ હતી. તેના પછી ઈડીની ટીમ 7-30 કલાકે વરિષ્ઠ કોંગ્રેસી નેતાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન એક નોટિસ પણ ચોંટાડવામાં આવી કે ચિદમ્બરમ બે કલાકમાં રજૂ થાય.
દેશના તમામ એરપોર્ટને પી. ચિદમ્બરમ પર જાહેર લુકઆઉટ સર્કુલરની જાણકારી આપવામાં આવી છે. જો પી. ચિદમ્બરમ દેશની બહાર જવાની કોશિશ કરે છે, તો તેમને મંજૂરી આપવામાં આવશે નહીં. મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રોમોશન બોર્ડમાંથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ અપાવવા માટે લાંચ લેવાનો આરોપ છે.
આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને કોર્ટમાંથી લગભગ બે ડઝન વખત વચગાળાનું પ્રોટેક્શન અથવા ધરપકડ પર રોકની રાહત મળી છે. આ મામલો 2007નો છે, જ્યારે ચિદમ્બરમ દેશના નાણાં પ્રધાન પદ પર હતા.
આ આખા મામલામાં પી. ચિદમ્બરમના નિકટવર્તીઓનું માનીએ, તો 2017 સુધી આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. ચિદમ્બરમ સિવાય કાર્તિ ચિદમ્બરમે પણ એજન્સીઓને તપાસમાં સહયોગ કર્યો છે. કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર ચાર વખત દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 25 વખત તે એજન્સીઓ સામે રજૂ પણ થયા છે.