Site icon Revoi.in

“જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ભારતના ઘણાં પ્રશ્નોનો જવાબ આપશે”

Social Share

જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્રના નિદેશક શ્રી આશુતોષ ભટનાગર સાથે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના બિનઅસરકારક બનાવાયા બાદ અને જમ્મુ-કાશ્મીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય બાદની પરિસ્થિતિ, ચીન-પાકિસ્તાનના પાસા, ભાગાલાવાદી-આતંકવાદીઓના ભવિષ્ય, કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સહીતના વિષયો પર REVOI (Real Voice of India) તરફથી એડિટર આનંદ શુક્લએ તેમની સાથે વાતચીત કરી હતી.

શ્રી આશુતોષ ભટનાગર, નિદેશક, જેકેએસસી

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર એક સ્વતંત્ર અને વસ્તુનિષ્ઠતા ધરાવતી જમ્મુ-કાશ્મીરના દરેક પાસાના અધ્યયનના ઉદેશ્યથી બનાવવામાં આવેલી થિંક ટેંક છે. 2011માં તેની સ્થાપના ભારત માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વના રાજ્ય સંદર્ભેના દરેક પાસાંને લઈને નીતિગત બાબતોના અભ્યાસ માટે કરવામાં આવી હતી. હાલ જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટરની ભારત અને બહાર 15 શાખાઓ અને 25 એક્ટિવિટી સેન્ટર, 50 જેટલી સંસ્થાઓ સાથે જોડાણ અને 1000થી વધારે વોલિન્ટયર્સ છે. જાણીતા પત્રકાર અને સંશોધક શ્રી આશુતોષ ભટનાગર જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર (જેકેએસસી)ના નિદેશક છે.

પ્રસ્તુત છે શ્રી આશુતોષ ભટનાગર સાથેની જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને બિનઅસરકારક કર્યા બાદની સ્થિતિને લઈને કરવામાં આવેલી વાતચીતના અંશ..

આનંદ શુક્લ: કલમ-370નું બિનઅસરકારક થવું અથવા તેને હટાવી દેવાયા બાદ, જમ્મુ-કાશ્મીર અને લડાખ એમ બે કેન્દ્રશાસિતનું બનવું હવે ત્યાં સ્થિતિ શું છે અને શું થવાની છે? ભવિષ્યમાં શું પડકારો આવશે?

આશુતોષ ભટનાગર: જોવો, થોડું સ્પષ્ટ કરવાની જરૂર છે, કલમ-370 તેના સંદર્ભે લોકો કહે છે કે તેને હટાવી દેવાઈ.. આ પુરું સત્ય નથી. કલમ-370માં સંશોધન થયું છે, તે સંશોધન કલમ-370ના ચરિત્રને વિરોધાભાસી બનાવે છે. કલમ-370 પહેલા પણ હતી, આજે પણ છે અને આગળ પણ રહેશે. ઉલ્લેખનીય અંતર એ આવ્યું છે કે આજ સુધી કલમ-370 કહેતી હતી કે ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે નહીં. પરંતુ આજે આ જ કલમ-370 કહે છે કે ભારતનું સંપૂર્ણ બંધારણ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે. તેથી તેનો પ્રભાવ એ વાત પરથી સમજમાં આવશે, કે દેશના કોઈપણ નાગરીકને જે અધિકાર જે સુવિધા ભારતના બંધારણ દ્વારા ખાત્રી આપે છે, જેનાથી જમ્મુ-કાશ્મીરના નાગરીકો વંચિત હતા. આ તમામ અધિકાર-સુવિધા જમ્મુ-કાશ્મીરના દરેક નાગરીકને એક નિર્ણય અંતર્ગત, કલમ-370ના ચરિત્ર પરિવર્તનને કારણે મળી ગયા છે. તેથી આજે આપણે કહી શકીએ કે જમ્મુ-કાશ્મીર ભારત છે, જેવી રીતે ભારતનું કોઈ રાજ્ય છે, તેવી જ રીતે જમ્મુ-કાશ્મીર છે. કલમ-370 છે, પરંતુ તે જ કલમ-370 આજે જણાવે છે કે જમ્મુ-કાશ્મીર ભારત છે અને ભારતનું સંપૂર્ણ બંધારણ ત્યાં લાગુ છે. તેથી ભારતની સામે જે પડકાર છે, તે જમ્મુ-કાશ્મીર સામે તેનો એક હિસ્સો હોવાના નાતે છે. આ વાતને અમે ઘણાં પહેલાથી કહેતા રહ્યા છીએ, અમે જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્રના નાતે કામ કરવાનું શરૂ કર્યું અથવા તેના માટે વિચારવાનું શરૂ કર્યું, ત્યારે અમારી સામે એ જ દ્રષ્ટિ હતી કે જમ્મુ-કાશ્મીરની સમસ્યા શું છે, જ્યારે અમે તેના પર વિચાર્યું તો અમારા ધ્યાનમાં આવ્યું કે જમ્મુ-કાશ્મીરની કોઈ સમસ્યા નથી. જમ્મુ-કાશ્મીરની અંદર કોઈ સમસ્યા છે અને તે તેટલા માટે છે કે તે ભારત છે. જો જમ્મુ-કાશ્મીર ભારત ન હોત, તો તેમા કોઈ સમસ્યા ન હતી. કશ્મીરની કથિત સમસ્યા હતી, તે એટલા માટે હતી કે તે ભારતનો ભાગ છે. તેથી સમસ્યા કાશ્મીરની નથી, પરંતુ કાશ્મીરમાં છે અને ભારતની છે. તેને લઈને અમે અમારી યાત્રા શરૂ કરી હતી. તેથી જ્યારે આજે કલમ-370ને પરિવર્તિત કરીને એક નવા પ્રકારની કલમ-370 આપણી સામે છે, તો ભારતની સામે જે પડકાર છે, તે ભારતના અભિન્ન અંગ તરીકે જમ્મુ-કાશ્મીરની સામે હશે. પરંતુ ભારતનો પ્રશ્ન હતો, ભારતને હલ કરવાનો હતો અને ભારતે તેને ઉકેલ્યો છે. આગળ પણ ભારત સામે પોતાની દ્રષ્ટિએ તેને વિકસિત કરવાનો પડકાર છે, કારણ કે કલમ-370એ જમ્મુ-કાશ્મીરને કંઈ આપ્યું તેની સંભાવના ઘણી ઓછી છે, પણ ઘણી ચીજોથી તેને વંચિત કર્યું છે. તેના કારણે જમ્મુ-કાશ્મીર ગત સાત દશકોમાં ઘણું પાછળ ધકેલાય ગયું, ત્યાં ઘણી અપાર સંભાવના છે. તેમ છતાં ભારતે વિકાસની જે યાત્રા પુરી કરી ત્યાં તે ક્યાંય પહોંચી શક્યું નથી, આગળ આવ્યું નથી. તો તેની પાછળ એ કારણ હતું કે કલમ-370 તેના વિકાસમાં અડચણો ઉભી કરતી હતી.

આનંદ શુક્લ: કલમ-370ના મામલામાં ચીન અને પાકિસ્તાન એક જેવી બાબતો કહી રહ્યા છે, તેમા પાકિસ્તાનની વાત તો સમજમાં આવે છે, પરંતુ ચીન આવી રીતે શા માટે વ્યવહાર કરી રહ્યું છે?

આશુતોષ ભટનાગર: તેના બે કારણ છે, પહેલું જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરીને એક કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો અને બીજું આજનું ચીન એટલે કે તિબેટનો જે હિસ્સો તેણે કબજે કર્યો છે, તે ભાગની સીમા ભારતની સાથે મળે છે, તે લડાખની સાથે મળે છે. એટલે કે લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અર્થ છે કે ભારત લડાખને અલગ રીતે ડીલ કરવા માંગે છે, અલગ રીતે વિકાસની કોઈ યોજના કે નીતિઓ બનાવવા માગે છે. ગત 60થી 70 વર્ષોનો અનુભવ છે કે જો સરળ ભાષામા કહીએ તો લડાખને કાશ્મીરના રહેમોકરમ પર છોડવામાં આવ્યું હતું. તેથી કાશ્મીર લડાખને મનફાવે તેમ ચલાવતું હતું અને તેને ઘણી હદ સુધી વિકાસથી દૂર રાખ્યું, સુવિધાથી દૂર રાખ્યું અને કાશ્મીરની આ નીતિમાં કાશમીરનું પોતાનું હિત રહ્યુ હોય, પણ કાશ્મીરની આવી નીતિને કારણે ચીન નિશ્ચિંત હતું કે ત્યાં કંઈ થશે જ નહીં. લડાખના લોકો પીડિત રહેશે ત્યાં લોકો પીડિત રહેશે અને તે ચીનના હિતમાં હશે કે ત્યાંની વસ્તી ભારતની પ્રત્યે પોતાનાપણું અનુભવે નહીં, જે કામ કાશ્મીર પોતાના હિત માટે પાકિસ્તાનના ઈશારે કરી રહ્યું હતું, તેનાથી ચીનનું હિત સધાય રહ્યું હતું. જ્યારે નવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે, ત્યારે લડાખમાં નવા પ્રકારની નવી યોજનાઓ આવશે, વિકાસની નવી રૂપરેખા બનાવવામાં આવશે. ત્યાં નવા ઉદ્યોગ, નવી નીતિઓ જશે અને પ્રશાસન વધારે અસરકારક બનશે. તો નિશ્ચિતપણે ચીન ત્યાંની જે વસ્તીને ભારતથી અલગ કરવા માગે છે તેમની અંદર ભારત પ્રત્યે વધારે વિશ્વાસ વધશે. જે ચીનની ઈચ્છાની વિરુદ્ધ હશે, જે આનું આંતરીક પાસું છે. આના સિવાય પાકિસ્તાનમાં ચીનનો મોટો સ્ટેક છે, ભારતમાં પણ છે પણ પાકિસ્તાનમાં વધારે છે. ગ્વાદર ઈકોનોમિક કોરિડોર છે, ઓબીઓઆર ઈન્શિયિટિવ છે તેને લઈને પાકિસ્તાનને વિશ્વાસમાં રાખવું ચીનની મજબૂરી છે. તેથી પાકિસ્તાનને બંધબેસતું નરેટિવ એ તેને સ્ટેન્ડ લેવું તેની સમસ્યા છે. આ બંને આંતરીક અને બાહ્ય બાબતો ચીનને મજબૂર કરે છે કે ભારત સામે થોડું આકરું વલણ અપનાવે. પરંતુ આ ચીનની પોતાની સમસ્યા હોય શકે છે, પરંતુ આ ભારતની મુશ્કેલી નથી. ભારત પોતાના હિસાબથી આ કરવું પડશે અને તે કરશે. આજનું ભારત 60 કે 70ના દશકનું ભારત નથી. આજે ભારત દુનિયામાં એક અલગ પ્રકારે વ્યવહાર કરવાની સ્થિતિમાં આવ્યું છે અને તે પોતાની શક્તિઓ તથા પ્રભાવનો ઉપયોગ કરશે.

આનંદ શુક્લ: બીજી વાત ચીન સંદર્ભે જોવામાં આવે, તો ચીને કાશ્મીર મામલે ભૂતકાળમાં એવી કોઈ ખાસ વાત કરી નથી કે જેવી અત્યારે કરી રહ્યુ છે, યુએનમાં સ્ટેન્ડ લેવું પાકિસ્તાનના ટેકામાં બાદમાં ઈમરાનખાનનું ચીન જવું અને ત્યાં ચીન દ્વારા યુટર્ન લઈને જમ્મુ-કાશ્મીર સંદર્ભે ટીપ્પણી કરવી તથા શી જિનપિંગ ભારત આવી રહ્યા છે, તો તમને લાગે છે કે જિનપિંગ ભારતમાં પણ કંઈક એવું કરીને જાય કે જેનાથી પાકિસ્તાનનો કોઈ ડિપ્લોમેટિક ફાયદો થાય અને ભારતનું ડિપ્લોમેટિક નુકસાન થાય, અથવા ભારત આ ડેમેજ કંટ્રોલ કરી શકશે?

આશુતોષ ભટનાગર: મને લાગે છે કે ભારત સારી રીતે ડેમેજ કંટ્રોલ કરી શકશે, અથવા કદાચ ડેમેજ થવા જ દેશે નહીં કંટ્રોલની વાત કદાચ આવશે જ નહીં, કારણ કે ચીન બંનેની વચ્ચે સંતુલન સાધશે એવું મને લાગે છે. ચીન પોતાનું નુકસાન કરીને પોતાના હિતોની કિંમત પર પાકિસ્તાનને ખુશ કરશે તેવું લાગતું નથી. તમે જે ભૂતકાળમાં ચીને આમ કર્યું નથી તેની વાત કરી રહ્યા છો, તેનો એક અલગ અર્થ છે કે શરૂઆતના લગભગ 50 વર્ષો સુધી એટલે કે ગત સદીના ઉતરાર્ધમાં તેમા જે પણ નીતિઓ ચાલી દુનિયામાં તેમા પાકિસ્તાન બ્રિટન અને અમેરિકાનું સહયોગી બનીને ઉભર્યું હતું અને તેમનું દરેક પ્રકારે અનુસરણ કરતું હતું તથા તે ચીનની વિરુદ્ધ હતા. ચીન જ્યાં છે ત્યાં જ છે, પરંતુ પાકિસ્તાન પહેલા તેના શત્રુઓના ખેમામાં હતું અને હવે તે તેના પોતાના ખેમામાં છે. તેથી સ્વાભાવિક રીતે કોઈ મહાશક્તિ પોતાના ખેમામાં રહેલી નાની-મોટી શક્તિને સમર્થન અથવા સંરક્ષણ આપતી હોય છે. તેથી આજે પહેલા અમેરિકા અને બ્રિટન પાકિસ્તાન માટે કરતા હતા, તેમણે પાકિસ્તાનનો સાથ છોડયો છે, તો ચીન તેની સાથે આવું કરી રહ્યું છે. આ સ્વાભાવિકપણે સમજમાં આવે તેવી સ્થિતિ છે. તો ચીન માટે પાકિસ્તાનનું મહત્વ વધ્યું છે અને પાકિસ્તાન માટે કદાચ ચીન એકમાત્ર સહારો છે. તેથી આ બંનેની પરસ્પર જુગલંબધી કે પરસ્પરનું તાલમેલ છે, તે સ્વાભાવિકપણ દેખાઈ રહ્યું છે અને તે કદાચ ભવિષ્યમાં પણ થોડો સમય સુધી ચાલશે.

આનંદ શુક્લ: પરંતુ મહાબલિપુરમમાં જે ઘટનાક્રમ થઈ રહ્યો છે, તો મહાબલિપુરમને જોવામાં આવે તો તે પ્રાચીન ચીન અને ભારતના જે સંબંધ હતા, તેનું પણ એક પ્રતીક છે. પ્રાચીનકાળમાં ભારત અને ચીનના સંબંધો ઘણા ઘનિષ્ઠ રહ્યા હતા. તો તમને લાગે છે કે હાલના સમયમાં એવી કોઈ સ્થિતિ દેખાઈ રહી છે કે ચીન આવી બાબતને મહેસૂસ કરશે અને ભારતના સમર્થનમાં આવશે અથવા ભારતની સાચી વાતોને તેનું સમર્થન કરશે?

આશુતોષ ભટનાગર: કૂટનીતિના ક્ષેત્રમાં કોઈ ચમત્કાર થતા નથી. લાંબી તૈયારીઓ ચાલે છે તો પરિણામ આવે છે. એ વાત ઠીક છે કે મહાબલિપુરમમાં જે કરી રહ્યા છીએ, તેનો કોઈ ઐતિહાસિક સંદર્ભ છે, બેથી ત્રણ હજાર જૂના આપણા સંબંધ છે, ચીનના દૂત ત્યાં આવ્યા. આ બધું થવા છતાં આપણે ક્યારેય યાદ કરાવ્યું. જે આપણી શક્તિ હતી, સાંસ્કૃતિક સંબંધ ભારતની સંસ્કૃતિના સંબંધ જે સાઉથ-ઈસ્ટ એશિયા, ચીન સાથે છે, દક્ષિણ એશિયામાં લગભગ દરેક સ્થાનમાં આપણી ભારતીય સાંસ્કૃતિક ઓળખ આવેલી છે. પરંતુ આપણે જ તેને આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળ્યા નથી. આ તો આપણાથી ચૂક થઈ છે, કૂટનીતિક ચૂક થઈ છે. જ્યારે આપણે જેને આપણી સાંસ્કૃતિક ઓળખ સાથે જોડવામાં સંકોચ કરતા રહ્યા તો બીજાએ તેની પરવાહ શા માટે કરવી જોઈએ. આજે આપણે ફરીથી તેના પર વાત કરવાની શરૂઆત કરી છે. બની શકે કે 20 વર્ષ બાદ તેના પરિણામ જોવા મળે. આ કદાચ કૂટનીતિક નિષ્ફળતા છે, હું તો કહીશ કે આ ભારતની આઝાદી સમયના તત્કાલિન નેતૃત્વની સમજની ઉણપ છે, હું થોડાક કડક શબ્દો વાપરી રહ્યો છું, પરંતુ તેમ છતાં મને લાગે છે કે ભારત સ્વતંત્રતા બાદ જે નેતૃત્વના હાથમાં આવ્યું તેને ભારતની સમજ નહીં હોવાને કારણે આપણે ઘણી મોટી કિંમત ચુકવી છે અને આજ સુધી ચુકવી રહ્યા છીએ. ભારતનો તમામ સંપર્ક-સંબંધ દુનિયાભરમાં તેની સંસ્કૃતિને કારણે હતો અને આપણે તેને આપણા કૂટનીતિક પ્રયાસોથી દૂર કરી દીધી. તેથી આપણે ખુદ આપણી શક્તિના કેન્દ્રથી દૂર થયા છીએ અને સ્વાભાવિક છે કે આપણે આનું મૂલ્ય ચુકવવાનું હતું.

આનંદ શુક્લ: ફરી એકવાર જમ્મુકાશ્મીરની વાત કરીએ તો જમ્મુમાં વત્તાઓછા પ્રમાણમાં ડેમોગ્રાફીને કારણે સ્થિતિ સારી રહે છે, પરંતુ કાશ્મીરમાં જે જેહાદી એલિમેન્ટ્સ છે, ભાગલાવાદી છે, જે આતંકી તરફી લોબી છે અને તેમનું ભવિષ્ય શું લાગી રહ્યું છે અને તેઓ શું કરી શકે છે તેવું લાગી રહ્યુ છે?

આશુતોષ ભટનાગર: જેમની વાત તમે કરી રહ્યા છો, તે પ્રો-સેપ્રેટિસ્ટ લોબી અથવા એન્ટિ-ઈન્ડિયા લોબી તેમા એક તકવાદી લોબી પણ છે અથવા ત્યાંના મુખ્યપ્રવાહના રાજકીય પક્ષો આ બધામાં વધુ ફરક નથી, તેમની વચ્ચે ખૂબ બારીક અંતર છે. હું સમજું છું કે તેમનું રાજ્યમાં કોઈ ભવિષ્ય બચ્યું નથી અને તેમની બેચેની કારણ પણ તે છે. તેથી તે આજે કોઈ નજરકેદમાં છે, ક્યાંક તેમના પર કોઈક પ્રતિબંધ લાગેલા છે. કંઈક કોશિશ કરશે આગામી કેટલાક દિવસોમાં બહાર આવ્યા બાદ તો તેઓ કંઈક કરી શકે છે, પરંતુ તે કંઈક કરી શકે છે પરંતુ તે એવી હતાશામાં કરશે કે તેમનું ભવિષ્ય સમાપ્ત થઈ ગયું છે. તેમનું કોઈ ભવિષ્ય નથી તેને આજની ત્યાંની સ્થિતિથી પણ સમજી શકીએ છીએ. આજે લગભગ બે મહીનાથી વધુ થઈ ગયું છે આ ઘટનાને થયાને. ગત બે માસમાં પત્રકાર ત્યાં ગયા છે, અને અનેક એવી ચેનલમાંથી એવી ખબરો આવી રહી છે, જે ભારત વિરોધી જ મોટાભાગે સમાચાર આપતા રહ્યા છે, તેમા બીબીસી જેવા આંતરરાષ્ટ્રીય સંગઠન પણ છે અને આઈએસઆઈ-પાકિસ્તાન પ્રેરીત વીડિયો ચલાવનાર સોશયલ મીડિયાની ગેંગ પણ છે. હવે આ તમામને જોઈશું તો સામાન્ય લોકોની આડ લઈને જે ચલાવાઈ રહ્યું છે, તેમાં એવું જણાવવામાં આવે છે કે ઘણી મુશ્કેલી છે, લોકોનું હરવા-ફરવાનું બંધ છે. લોકોને દૂધ મળતું નથી. બાળકોની સ્કૂલો બંધ છે. પરંતુ આટલા સમયગાળામાં કોઈ એવું કહેતું જોવા મળ્યું નથી કે મહેબૂબા મુફ્તિ બંધ કેમ છે તેને છોડી દો. યાસિન મલિક, શબ્બીર શાહ જેલમાં કેમ છે તેમને છોડવામાં આવે અને તેમના માનવાધિકારનું શું થઈ રહ્યું છે? ગત બે માસમાં મારા ધ્યાનમાં એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી કે કોઈ કહી રહ્યું હોય કે ઓમર, મુફ્તિ, ફારુક, યાસિન કે શબ્બીર શાહને છોડી દેવામાં આવે. સામાન્ય લોકોમાંથી પણ સવાલ ઉભા કરાયા નથી. જો સમસ્યા છે કે દૂધ-પાણી મળી રહ્યા નથી, વિકાસ નથી થઈ રહ્યો, સ્કૂલ ખુલી રહ્યા નથી. તો આગામી કેટલાક દિવસો, મહિના- બે મહિનામાં થઈ જશે. આ વિકાસના પ્રશ્ન છે કે તેના માટે આ કરવામાં આવ્યું છે. આનો મતલબ છે કે આનો ઉત્તર આગામી કેટલાક સમયમાં મળવાનો છે. જ્યાં સુધી જનતા તેમની સાથે ઉભેલી નથી અને સુકુન ધરાવે છે કે આ લોકો નજરકેદ છે. નિશ્ચિતપણે આ લોકોના બહાર આવ્યા બાદ પણ સમર્થન મળવાની સંભાવના ઓછી છે. બની શકે કે તેમના ટેકામાં પચ્ચીસ-પચાસ લોકો હોઈ શકે છે. બની શકે કે બે દિવસ પથ્થરમારો પણ કરે. પરંતુ તેના પછી તેમને જનતા ખભા પર બેસાડે કે સ્વાગત કરે તેવું લાગતું નથી. આ લોકોના ભવિષ્ય અંધકારમય છે અને તેઓ પરેશાન થશે. પરંતુ સૌની નિયતિ હોય છે. જે આવે છે તે જાય છે. દરેક શિખર વિશપ્ત થાય છે. શિખર પર કોઈ ટકી શકતું નથી. જે શિખર પર ચઢે છે, તેનું નીચે ઉતરવું તેની નિયતિ છે. તેથી તેમની પણ નિયતિ આવી ગઈ છે.

આનંદ શુક્લ : એટલે કે અસત્યનું હારવું તો નિશ્ચિત છે. પરંતુ શું પાંચ લાખ કશ્મીરી પંડિત જે પોતાના જ દેશમાં લગભગ ત્રણ દાયકાથી રેફ્યુજી છે, આ લોકો પોતાના ઘરોમાં પાછા જશે, તેવી કોઈ સ્થિતિ ઉભી થશે કે આ સરકાર ઉભી કરી શકશે?

આશુતોષ ભટનાગર: તેઓ જવા માટે સ્વતંત્ર છે, તેવી સ્થિતિ તો આવી ગઈ. જવા ચાહે તો, બળજબરીથી તો મોકલવામા નહીં આવે. જે જવા માંગે છે તેના માટે જવાના માર્ગો ખુલ્લા છે આજે. માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં, તમે પણ જવા માંગો તો જઈ શકો છો. ભારતનો દરેક નાગરીક હવે 31 ઓક્ટોબર બાદ ત્યાં જઈ શકે છે, રહી શકે છે, જમીન ખરીદી શકે છે, વેપારી કરી શકે છે, બધું કરી શકે છે. પરંતુ ત્યાં આ વાતો માત્ર સૂત્રોથી થવાની નથી. તેના માટે કેટલીક જરૂરી વ્યવસ્થા કરવી પડશે. જેના માટે થોડો સમય લાગશે અને સરકારે તેની ચિંતા કરવી પડશે તથા મારું અનુમાન છે કે સરકાર આમ કરી પણ રહી છે, કારણ કે જે લોકો બહાર આવી ગયા કોઈપણ પરિસ્થિતિમાં બહાર આવ્યા, તેમની એક પેઢી વીતી ગઈ બીજી પેઢી પણ પ્રૌઢ બની ગઈ છે. તેમણે પોતાના જીવનને એક નવી પરિપાટીમાં ઢાળી લીધું છે અને તેમાથી પાછા જવું માત્ર ભાવનાત્મક સૂત્રોથી સંભવ બનવાનું નથી. આજે તેનો દીકરો ડીપીએસ કે કોન્વેન્ટમાં ભણે છે, તો ત્યાં જાવ અને ત્યાં મદરસા તો છે, તમે કહેશો અને તે ત્યાં જશે અને પોતાના બાળકનું મદરસામાં એડમિશન કરાવીને ચાલ્યો જશે, તે ભાવનાત્મક ઢંગથી થશે નહીં. ત્યાં હોસ્પિટલની સારી સુવિધા નથી, ત્યાં સુરક્ષાની પુરી વ્યવસ્થા નથી. પહેલા આ કરવી પડશે. સૌથી મોટી વાત રોજગારના અવસરો આપીશું નહીં તો તે જશે તો ખાશે શું, રોજગારની વ્યવસ્થા કરવી પડશે. આ બાબતો પહેલા પુરી કરવી પડશે. જેમ-જેમ આ વધશે તેમ આમ થશે. તમારી જાણકારી માટે જણાવી દઉં કે ગત પાંચ-છ વર્ષોમાં કાશ્મીરી પંડિત- કાશ્મીરી હિંદુઓ માટે અંદાજે છ હજાર નોકરીઓ ઉપલબ્ધ કરાવી છે. 10થી 12 હજાર કાશ્મીરી હિંદુ પાછા જઈને કાશ્મીરમાં રહેવા લાગ્યા છે. એકલા અનંતનાગમાં ચાર હજાર કાશ્મીર પંડિત હિંદુ ત્યાં જઈને રહેવા લાગ્યા છે. ત્યાં મંદિરોમાં મોટા-મોટા સમારંભ થઈ રહ્યા છે. આ વખતે ખીર ભવાનીના મંદિરમાં 28 હજાર લોકોનું ભોજન થયું હતું. એક જ દિવસે સાત સ્થાનો પર પણ મોટા કાર્યક્રમ થયા હતા. ખીર ભવાની સિવાયના મંદિરમાં બેથી ત્રણ હજાર લોકો પણ સામેલ થયા હતા. આ થઈ રહ્યું છે અને તેથી જેમજેમ અવસર આપીશું તેમ થશે. પહેલા છ હજાર નોકરી નીકળી છે, મનમોહનસિંહના સમયમાં જે પેકેજ આવ્યું હતું, તેમા છ હજાર નોકરીઓ આવી હતી. તે નોકરીઓ લોઅર ડિવિઝન ક્લાર્ક અને પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની હતી. જે લોકો તેના માટે યોગ્ય હતા તેઓ ત્યાં ગયા. પરંતુ સોફ્ટવેર એન્જિયનિયર તો નહીં જાય. જે દિવસે ત્યાં સોફ્ટવેર પાર્ક બનાવવાનું સરકાર નક્કી કરશે, તે દિવસે સોફ્ટવેર એન્જિનિયર પણ અઢીસો પહોંચી જશે. તેમના પરિવાર પણ જશે. તેમની સાથે એક આખું વર્તુળ જોડાશે. જેમા લોકો પહોંચશે. આ બધું તો એક ક્રમ છે કે જે આગામી કેટલાક વર્ષોમાં થશે. જે પ્રકારે પ્રધાનમંત્રીજી, ગૃહ મંત્રીજીએ વિશ્વાસ આપ્યો છે કે આગામી દશ વર્ષોમાં તેને દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય બનાવીશું. નિશ્ચિતપણે તેમના મનમાં કોઈ રૂપરેખા હશે. જેમ જેમ આમા આગળ વધવામાં આવશે, તેમતેમ લોકોનું આવવા-જવાનું વધશે. માત્ર કાશ્મીરી હિંદુ જ નહીં, પણ તમે અને હું પણ ત્યાં જઈ શકીશું અને રહી શકીશું.

આનંદ શુક્લ: બાકીના ભારતના લોકોએ જમ્મુ-કાશ્મીરને કેવી રીતે જોવું જોઈએ, આ મારો આખરી સવાલ છે…

આશુતોષ ભટનાગર: જમ્મુ-કાશ્મીર ભારત છે. આપણું છે, ત્યાંની જમીન, ત્યાંના લોકો આપણા છે. અંકુશ રેખા એક નકલી રેખા છે, જેને કાગળ પર ખેંચીને બનાવવામાં આવી છે. તેથી અંકુશ રેખાની બીજી તરફ પણ ભારત છે, તે યાદ રાખવું પડશે અને દેશને આપણા જેવા લોકોએ યાદ દેવડાવવું પડશે. જમ્મુ-કાશ્મીર ભારત છે અને અંકુશ રેખાની બીજી તરફ પણ ભારત છે, તે યાદ રાખીને ભારતે ભારતનો નિર્ણય કરવોનો છે. આ કાશ્મીરની જવાબદારી નથી, ભારતની જવાબદારી છે કે ભારતના નક્શાને પુરો કરે અને જે ભારત 15 ઓગસ્ટ-1947નું ભારત છે, તેને ફરીથી પાછું લાવવાનો સંકલ્પ જે સંસદે કર્યો છે 22 ફેબ્રુઆરી-1994ના રોજ, તેને પુરો કરવાનો બાકી છે. સંસદ અને સંસદે દેશના તરફથી આ કર્યું છે, તેથી દેશ અને સંસદ બંનેની જવાબદારી છે કે નક્શો પુરો થાય, ભારત એક થાય અને જમ્મુ-કાશ્મીર તેનો ટેસ્ટ કેસ, કે લિટમસ ટેસ્ટ છે, જમ્મુ-કાશ્મીરની સમસ્યાનો ઉકેલ ભારતના ઘણાં પ્રશ્નોનો ઉત્તર આપશે.