રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારમાં ડખ્ખો
ગહલોત-પાયલટ જૂથો વચ્ચે કલેશ
ગહલોત સરકારની વસંધુરા સરકાર સાથે સરખામણી
નવી દિલ્હી: રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની કમાન દિગ્ગજ નેતા અશોક ગહલોતના હાથમાં છે. પરંતુ ત્યાં બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી. વચ્ચે-વચ્ચે એવા પ્રકારના અહેવાલ આવતા રહ્યા છે કે તેમના અને ડેપ્યુટી સીએમ સચિન પાયલટની વચ્ચે ઘણાં મુદ્દાઓ પર મતભેદ છે. હવે ફરી એકવાર ગહલોત અને પાયલટ ખેમાની વચ્ચે તણાવના અહેવાલ છે.
અશોક ગહલોતના વિરોધી ખેમાનું કહેવું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરબ છે અને રાજ્ય સરકાર તેના પર નિયંત્રણ લગાવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. રાજગઢથી ધારાસભ્ય જૌહરીલાલ મીણાએ ગહલોત સરકાર પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યુ છે કે મશીનરી અપરાધીઓને સંરક્ષણ આપી રહી છે. લોકો પુછી રહ્યા છે કે રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થાના હાલ આવા કેમ થયા છે. આ સવાલના જવાબ તેમના જેવા ધારાસભ્યો પાસે નથી. તેમણે અલવર કાંડનો ખાસ કરીને ઉલ્લેખ કરતા કહ્યુ છે કે જે પ્રકારે પહલુ ખાનના હત્યારાઓની મુક્તિ થઈ છે, તેનાથી સ્પષ્ટ છે કે સરકાર તરફથી નક્કર પેરવી કરવામાં આવી નથી.
જૌહરીલાલ મીણાએ કહ્યુ છે કે રાજ્યના તમામ હિસ્સાઓમાં કાયદો અને વ્યવસ્થાની તસવીર એક જેવી છે. હવે લોકો કહે છે કે આ સરકારથી તો સારી પુરોગામી સરકાર હતી. લોકોની આકાંક્ષાઓ આ સરકારથી વધારે છે. પરંતુ અમે આશાઓ પર ખરા ઉતરી રહ્યા નથી. અમારે એ વિચારવું પડશે કે આખરે આમ કેમ થઈ રહ્યું છે.
જાણકારો કહે છે કે રાજસ્થાનમાં સરકાર સારી રીતે કામ કરી શકતી નથી, કારણ કે ગહલોત અને સચિન પાયલટ ખેમામાં સંમતિ સધાઈ રહી નથી. રાજસ્થાનમાં ચૂંટણી પરિણામો બાદ સચિન પાયલટનું માનવું હતું કે યુવા ચહેરાના નામ પર ચૂંટાયેલી સરકારની કમાન કોઈ યુવાન સંભાળશે. પરંતુ ટોચનું નેતૃત્વ દ્વારા અનુભવી ચહેરાને પ્રાથમિકતા આપ્યા બાદ ટકરાવની સ્થિતિ વધી ગઈ હતી.