દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સરહદ ઉપર બંને દેશના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સરહદ ઉપર પેટ્રોલીંગ માટે ભારતીય સેનાની મદદમાં લદ્દાખના પ્રસિદ્ધ બે ખુંધવાળા ઊંટ ઝડપથી સેનામાં સામેલ કરવામાં આવશે. લેહમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ ઊંટ ઉપર રિસર્ચ કર્યું છે. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં 17 હજાર ફુટની ઉંચાઈ પર 170 કિમી વજન આ ઊંટ ઉઠાવી શકે છે.
DRDOના વૈજ્ઞાનિક પ્રભુ પ્રસાદ સારંગીએ જણાવ્યું હતું કે, આ ઊંટ ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સ્થાનિક ઊંટની ધીરજ અને ભાર ઉઠાવવાની ક્ષમતા ઉપર શોધ કરવામાં આવી છે. ચીન સીમા નજીક 17 હજાર ફુટ ઉંચાઈ પર ઊંટ ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 170 કિલો વજન ઉઠાવી શકતુ હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ ભારની સાથે 12 કિમી સુધી સતત પેટ્રોલીંગ પણ કરી શકે છે. આ ઊંટની સાથે એક ખુંધવાળા ઊંટની સમક્ષતાની પણ સરખામણી કરવામાં આવી હતી. જે માટે રાજસ્થાનથી ઊંટ લાવવામાં આવ્યું હતું. આ ઊંટ ભોજન અને પાણી વિના 3 દિવસ સુધી જીવીત રહી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડિફેન્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ હાઈ એલ્ટીટ્યુટ રિસર્ચ બે ખુંધવાળા ઊંટની વસતી વધારવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ ઊંટ ઉપર પરિક્ષણ કરી લેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને સેનામાં પણ સામેલ કરવામાં આવશે. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સેના પેટ્રોલીંગમાં આ ઊંટનો ઉપયોગ કરતી ન હતી. ભારતીય સેના પારંપરિક રીતે ખચ્ચરનો ઉપયોગ કરતી હતી. જે લગભગ 40 કિલો ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે.