Site icon Revoi.in

UNમાં ભારતની વધુ એક મોટી જીત, INCBની સદસ્યતાની લડાઈમાં ચીનને હરાવ્યું

Social Share

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને ફરી એકવાર મોટી જીત પ્રાપ્ત થઈ છે. ભારતના જગજીત પવાડિયાને ઈન્ટરનેશનલ નારકોટિક્સ કંટ્રોલ બોર્ડ એટલે કે આઈએનસીબીના ફરીથી સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ચીનના હાઓ વેઈને હરાવીને રેકોર્ડ વોટોથી જીત પ્રાપ્ત કરી છે.

સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજીક પરિષદમાં પહેલા રાઉન્ડના વોટિંગમાં જગજીત પવાડિયાના પક્ષમાં 44 વોટ પડયા હતા. જો કે આ ચૂંટણીમાં જીત માટે માત્ર 28 વોટની જરૂરત હતી. મહત્વપૂર્ણ છે કે મંગળવારે 5 સદસ્યની ઈકોનોમિક એન્ડ સોશયલ કાઉન્સિલના પાંચ સદસ્યોની ચૂંટણી માટે વોટિંગ થયું હતું. આ પાંચ પદો માટે 15 ઉમેદવારો મેદાનમાં હતા.

યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરીને આની જાણકારી આપી છે. જગજીત પવાડિયાએ આઈએનસીબીમાં ફરીથી ચૂંટાવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેની સાથે જ નિષ્પક્ષ ઢબે પોતાની સેવાઓ આપવાનો વાયદો પણ કર્યો છે.

ચીને પોતાના ઉમેદવારને જીતાડવા માટે વિકાસશીલ દેશોની સાથે લોબિંગ પણ કરવાની કોશિશ કરી છે, પરંતુ તેમ છતાં પણ તેને હારનો સામનો કરવો પડયો છે. ચીનના હાઓ વેઈને પહેલા રાઉન્ડમાં 22 વોટ અને બીજા રાઉન્ડમાં માત્ર 19 વોટ પ્રાપ્ત થયા હતા. તેઓ આ ચૂંટણીને જીતવા માટે લઘુત્તમ 28 વોટ પણ પ્રાપ્ત કરી શક્યા ન હતા.

બીજી તરફ જગજીત પવાડિયાએ પહેલા રાઉન્ડમાં જ 44 વોટ પ્રાપ્ત કર્યા હતા. પવાડિયા બાદ પહેલા રાઉન્ડમાં માત્ર મોરક્કો અને પરાગુઆના સદસ્યોને જ 28થી વધુ વોટ મળ્યા હતા. મોરક્કોના જલ્લાલ તૌફીકના પક્ષમાં 32 વોટ અને પરાગુઆના કેસર ટોમસ અર્સ રિવાસની તરફેણમાં 31 વોટ પડયા હતા.

આ સિવાય ફ્રાંસ અને કોલંબોના ઉમેદવાર આગામી રાઉન્ડના વોટિંગ બાદ ચૂંટણી જીતવામાં કામિયાબ થયા હતા. જગજીત પવાડિયાને પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ આગામી વર્ષે 2 માર્ચ-2020થી શરૂ થશે અને તેઓ 2025 સુધી પોતાના પદ પર કાર્યરત રહેશે.

આ પહેલા તેમને પહેલીવાર 2014માં આઈએનસીબી માટે ચૂંટવામાં આવ્યા હતા અને તેઓ 2016માં આ સંસ્થાના ઉપાધ્યક્ષ બન્યા હતા. 2015 અને 2017માં તેઓ સ્ટેન્ડિંગ કમિટી ઓન ઈસ્ટીમેટ્સના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પવાડિયા ભારતના ભૂતપૂર્વ નારકોટિક્સ કમિશનર અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી પણ રહી ચુક્યા છે.

આ સિવાય ભારતના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ પદ માટે પણ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. નીતિ પંચના સદસ્ય રમેશ ચંદ્રને ભારતે આના માટે ઉમેદવાર બનાવ્યા છે. આગામી માસમાં રોમમાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન કોન્ફરન્સ દરમિયાન આના સંદર્ભે ચૂંટણી યોજાશે.

રમેશચંદ્રની સામે ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો આ ચૂંટણીમાં રમેશચંદ્રને જીત મળે છે, તો તેઓ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ જોસ ગ્રેજિયાનો ડા સિલ્વાનું સ્થાન ગ્રહણ કરશે.