– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
“માનવ અસ્તિત્વ કો ,
સુંદરતમ રૂપ સે ફલને ફૂલને દે
ખુદ જીએ, દૂસરો કો જીને દે.
માનવ ઔર પ્રકૃતિ – સિક્કે કે દો પહલૂ
આઓ ઇન્હે બચાને કે લીયે હાથ મિલાયે.”
માનવ અસ્તિત્વને ખીલવવા માટે શિક્ષણના માધ્યમથી જીવો અને જીવવા દો ના સૂત્રને જીવીને ચરિતાર્થ કરી પોતાના પર અનેક કષ્ટો વેઠીને પણ જેમણે ૧૮૩૧ ની સાલમાં જન્મીને એ પછીના દસકાઓમાં આપણા દેશમાં સ્ત્રી સશક્તિ કરણ , શિક્ષણ માટે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું એવા એક લોકનાયિકાને આજે એમના જન્મદિવસે યાદ કરીને એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાનો પ્રયત્ન કરવો છે ભારતીય, શ્રેષ્ઠ સમાજ સુધારક,શિક્ષણવિદ્ ,કવિયત્રી અને સ્ત્રીસશક્તીકરણના પ્રણેતા ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફૂલે નો આજે જન્મપર્વ છે.
૩ જાન્યુઆરી ૧૮૩૧ ના દિવસે મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના નાયગાવ માં તેમનો જન્મ થયો. લક્ષ્મી અને ખાંડોજી નેવેશે પાટિલના સૌથી મોટા પુત્રી હતા. તેમના માતાપિતા માળી સમુદાયના હતા આ વર્ષોમાં બિનજરૂરી રૂઢિચુસ્તતા,નિરક્ષરતા,બાળલગ્ન,વિધવાઓની કફોડી સ્થિતિ,વિધવા વિવાહની મનાઈ,અસ્પૃશ્યતા ,લિંગ , જ્ઞાતિ અને જાતીભેદો આધારે ચાલતા સામાજિક દુષણો થીઆપણો દેશ ખદબદી રહ્યો હતો એવા સમયમાં આ દુષણો સામે અવાજ ઉઠાવવાનું અને સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય આ વીરાંગના એ ઝડપ્યું માત્ર ૧૦ વર્ષની ઉંમરે તેમના લગ્ન જ્યોતિરાવ ફુલે સાથે થયા અને ઈશ્વરની કેવી સુંદર યોજના કે પતિ જ્યોતિરાવ ફુલે પણ વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન હતા સાવિત્રીબાઈએ પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રી અધિકારો અને શિક્ષણના ક્ષેત્રમાં રાષ્ટ્રકલ્યાણ માટે આજીવન અત્યંત નોંધપાત્ર કાર્ય કર્યું. ફુલે દંપતીએ ૧૮૪૮માં પુણેના ભીડેવાડામાં પહેલી ભારતીય કન્યા શાળાની સ્થાપના કરી . તેમણે જાતિ અને લિંગના આધાર પર લોકો સાથે થતા અનુચિત વ્યવહાર અને ભેદભાવને સમાપ્ત કરવાનું મહાન કાર્ય કર્યું. મહારાષ્ટ્રમાં સમાજ સુધાર આંદોલનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. સમાજસેવીકા અને શિક્ષણવિદ ફુલે સાવિત્રીબાઈ મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખિકા તરીકે આજે પણ દેશવાસીઓ ના હ્ર્દયમાં જીવંત છે
લગ્ન સમયે સાવિત્રીબાઈ શિક્ષિત નહોતા કારણ કે દેશમાં એ સમયમાં ઊંચનીચના ભેદભાવ ના સડાને કારણે અમુક ચોક્કસ સમુદાયો દ્વારા નિમ્ન જાતિના લોકો અને ખાસ કરીને સ્ત્રીઓ માટે શિક્ષિણની મનાઈ ફરવમવવા માં આવી હતી. બરોબર આજ સમયમાં સાવિત્રીબાઈ ના પતિ જ્યોતિરાવ પણ પોતાની નિમ્ન જાતિના કારણે કુરિવાજો થી ભરેલી સામાજિક પરિસ્થિતિને વશ થઇ ને શિક્ષણ છોડવા મજબૂર થયા હતા પરંતુ તેમની જાતમહેનત અને પ્રબળ ઈચ્છાશક્તિના કારણે સ્કોટલેન્ડની એક મિશિનરી શાળામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા અને તેમણે સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો .સરકારી દફતર પ્રમાણે જ્યોતિરાવે સવિત્રીબાઈને ઘરે જ ભણાવ્યા.. તેમના જ્યોતિરાવ સાથેના પ્રાથમિક શિક્ષણ બાદ આગળની જવાબદારી તેમના મિત્રો સખારામ યશવંત પરાંજપે અને કેશવ શિવરામ ભાવલકરની હતી. તેમણે બે શિક્ષક પ્રશિક્ષણ અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ મેળવ્યો. પ્રથમ તેમણે અહમદનગર સ્થિત અમેરિકી મિશિનરી સિંથિયા ફર્રાર દ્વારા સંચાલિત સંસ્થામાં પ્રવેશ મેળવ્યો.અને ત્યારબાદ પુણેની નોર્મલ સ્કૂલમાં પણ તાલીમ મેળવી આ તાલીમના આધારે તેમને ભારતના પ્રથમ મહિલા શિક્ષક અને પ્રધાન અધ્યાપિકા તરીકે તેમણે ગૌરવ મેળવ્યું. તેમણે શિક્ષણ મેળવી ને રાષ્ટ્ર કલ્યાણ માટે શિક્ષા નો વધારે માં વધારે વિસ્તાર કરી અનેક પરિવારો માં જ્ઞાનદીપ પ્રગટાવી ને સમાજ માં અજવાળું કરવાનું બીડું ઝડપ્યું શિક્ષકની તાલીમ પૂરી કરીને સવિત્રીબાઈએ પુણેના મહારવાડામાં કન્યાઓને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેમણે જ્યોતિરાવના માર્ગદર્શક અને સલાહકાર સગુણાબાઈની સાથે મળીને આ કાર્યનો શુભારંભ કર્યો . એ પછી ફુલે દંપતી અને સગુણબાઈએ મળીને ભીડેવાડામાં એક કન્યાશાળા સ્થાપી.શાળામાં વિજ્ઞાન, ગણિત અને સમાજવિદ્યાના વિષયો ભણાવવામાં આવતા . ૧૮૫૧ની સાલના અંત સુધીમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ત્રણ અલગ અલગ કન્યાશાળાઓ સ્થાપી અને સમાજને સુશિક્ષિત કરવાની સદ્પ્રવૃત્તિનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા એનું પરિણામ એ આવ્યું કે . ત્રણેય શાળામાં કુલ મળીને ૧૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા હતા. સ્વાનુભવ ની કેળવણી થી એમની શાળાઓનો અભ્યાસક્રમ અને શિક્ષણપદ્ધતિ સરકારી શાળાથી સંપૂર્ણ અલગ હતી. તથા સરકારી શાળાઓ કરતાં ફુલે દંપતિની શિક્ષણપદ્ધતિ વધુ સારી હતી.સમય જતા આ ફૂલે દંપતીએ વિકસાવેલી શિક્ષણ પદ્ધતિનું પરિણામ એ આવ્યું કે સરકારી શાળામાંથી શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ફુલેની શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ વધવા લાગી
સમાજ કલ્યાણ માટે કોઈ સારા કાર્ય નો નિશ્ચય લઇ ને તમે રાષ્ટ્રકલ્યાણ ના માર્ગે આગળ વધી રહ્યા હો ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે ઈર્ષા અને દ્વેષ ના પણ ભોગ બનવું પડે એવું રાષ્ટ્રસેવકો ના જીવન વાંચતા અનુભવાય છે ફૂલે દંપતીના આ શિક્ષણ સેવા યજ્ઞ નો ચુસ્ત રૂઢીવાદી સ્થાનિક સમુદાયના વિરોધ નો સામનો કરવો પડ્યો. ૧૮૪૯ સુધી ફુલે દંપતી જ્યોતિરાવના પૈતૃક ઘરમાં રહેતુ પરંતુ ૧૮૪૯માં જ્યોતિરાવના પિતાએ તેમને ઘર છોડી દેવા માટે મજબૂર કર્યા કારણ કે કુરિવાજો થી ભરેલી સામાજિક માન્યતાઓ પ્રમાણે નીચલી જ્ઞાતિ દ્વારા ચલાવવામાં આવતા શિક્ષણ કાર્ય પાપ ગણાતું . આમ સમાજ માં જ્ઞાનનો પ્રકાશ પાથરવા નીકળેલા ફૂલે દંપતી ને આવી અનેક અડચણો અને અપમાનોનો સામનો કરવો પડ્યો અને એટલે સુધી કે જયારે માત્ર ૧૭ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ઘરેથી છોકરીઓને ભણાવવા સ્કૂલે જતાં ત્યારે રસ્તામાં રૂઢિચુસ્તો અને તેમના વિરોધીઓ તેમણે ખુબ હેરાન કરતા ગાળો આપતા , પથ્થરો ફેંકતા , મળ-મૂત્ર ની ગંદકી ફેંકતા તો પણ જનસેવા અને રાષ્ટ્રસેવા કરવા નીકળેલા આ વીરાંગના સાવિત્રીબાઈ ડગ્યા નહિ .તેમણે પોતાની પાસે એક વધારા ની સાડી રાખવાનું શરુ કર્યું મળ-મૂત્રની ગંદકીથી ગંદી થયેલી સાડી સ્કૂલે જઈને બદલી લેતા અને ઘરે પાછા ફરતી વખતે ફરી એ ગંદી અને જૂની સાડી પહેરી લેતાં પણ તેઓ હિમ્મત ના હાર્યા ૧૮૫૦ની સાલમાં માં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવે બે શૈક્ષણિક ટ્રસ્ટની સ્થાપના કરી. તેમના પતિ જ્યોતિરાવના સહયોગથી તેમણે અલગ અલગ જાતિ સમુદાયના બાળકોના અભ્યાસ માટે ૧૮ જેટલી શાળાઓ શરૂ કરી ફૂલે દંપતીએ ગર્ભવતી અને બળાત્કાર પીડિત મહિલાઓ માટે બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રમો શરુ કર્યા સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી આમ ચુસ્ત રૂઢિવાદી અને પછાત માનસકિતા ભરેલા સમાજમાં સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ની સંકલ્પશક્તિ ના કારણે અને જીવન સમર્પણ ના કારણે આધુનિક અને શિક્ષિત ભારતનો સૂર્યોદય થયો અને એના પરિણામ સ્વરૂપે આજે પણ આપણે દેશની શિક્ષણ સંસ્થાઓ માં ભાઈચારા અને બિનસાંપ્રદાયિકતા જોઈ શકીએ છીએ . સદાય રાષ્ટ્ર કલ્યાણ માટે એક જાતિના કે કોઈ એક ધર્મથી પર થઇ ને ભારતીય બની ને કાર્ય કરતા રહીશું તો એ જ રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ને સાચી રાષ્ટ્રઅંજલિ ગણાશે.