દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી રેલવે વિભાગ દ્વારા ટ્રેન વ્યવહાર પણ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો હતો. અનલોક બાદ દેશમાં તબક્કાવાર રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, હજુ સુધી તમામ ટ્રેનો પાટા ઉપર નથી દોડતી. કોરોના મહામારીને પગલે રેલ વિભાગની આવકમાં પણ મોટુ ગાબડું પડ્યું છે. રેલવેની આવકમાં ચાલુ વર્ષે 87 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રેલવેના ચેરમેન વી.કે.યાદવના જણાવ્યા અનુસાર ગયા વર્ષે રેલવેની આવક રૂ. 53000 કરોડ થઈ હતી. જેની સામે ચાલુ વર્ષે માત્ર 4700 રુપિયા રેલવેની આવક થઈ છે. લોકડાઉનના કારણે રેલવેને પેસેન્જર ટ્રેનો થકી થતી આવકમાં મોટો ફટકો વાગ્યો છે. હજી પણ આ ટ્રેનો પૂરેપૂરી સંખ્યામાં ચાલી રહી નથી. હાલમાં રોજ 1000 ટ્રેનો દોડી રહી છે. જો કે, કોરોના મહામારી પહેલા રોજ 1700 ટ્રેનો દોડાવાતી હતી. બીજી તરફ રેલવે દ્વારા થતી સામાનની હેરાફેરીમાં વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષ કરતા 10 ટકા વધારે સામાન રેલવે દ્વારા હેરફેર થાય તેવો અંદાજ છે. કોલસા, લોખંડ તેમજ ફર્ટિલાઈઝરની ગૂડઝ ટ્રેન દ્વારા થતી હેરફેરમાં વધારો પણ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે હાલ રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસાર ટ્રેનો શરૂ કરવામાં આવી છે. જો કે, લોકડાઉનના સમયગાળામાં શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી.