નવી દિલ્હી: ભારતીય નૌસેનાએ મધ્યમ અંતરની જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ – એમઆરએસએએમનું સફળ પરીક્ષણ કર્યું છે. તેની સાથે જ ઈન્ડિયન નેવી એવા દેશોમાં સામેલ થઈ ચુકી છે કે જેની પાસે આવી વિશિષ્ટ ક્ષમતા છે. આ મિસાઈલ 70 કિલોમીટરના અંતરમાં આવનારી મિસાઈલો, યુદ્ધવિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન, મોનિટરિંગ વિમાનો અને હવાઈ ચેતવણી તથા નિયંત્રણની પ્રણાલી- અવાક્સને તોડી પાડી શકશે. આ મિસાઈલ હવામાંથી એક સાથે આવનારા ઘણાં દુશ્મનો પર 360 ડિગ્રીમાં ફરીને એકસાથે હુમલા કરી શકે છે.
ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ ચેન્નઈએ પશ્ચિમી સમુદ્ર તટ પર આનું સફળ પરીક્ષણ કર્યું છે. તે વખતે વિભિન્ન હવાઈ ટાર્ગેટને ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે હવામા જ ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય નૌસેના માટે આ મિસાઈલને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીના સહયોગથી ડીઆરડીએલ હૈદરાબાદ અને ડીઆરડીઓએ સંયુક્તપણે વિકસિત કરી છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે એમઆરએસએએમનું નિર્માણ કર્યું છે. જમીનથી હવામાં પ્રહાર કરનારી આ મિસાઈલોને કોલકત્તા ક્લાસની ડિસ્ટ્રોયરમાં લગાવવામાં આવે તેવી શક્યતા છે. ભવિષ્યમાં ભારતીય નૌસેનાના તમામ યુદ્ધજહાજોમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
એમઆરએસએએમ મિસાઈલની લાક્ષણિકતા
70 કિલોમીટરના અંતરમાં આવનારી મિસાઈલો, યુદ્ધવિમાનો, હેલિકોપ્ટરો, ડ્રોન્સ, મોનિટરિંગ વિમાનો અને અવાક્સને તોડી પાડી શકશે.
હવાઈ સુરક્ષા માટે એમઆરએસએએમ મિસાઈલ દરેક ઋતુમાં કામ કરવા સક્ષમ છે
360 ડિગ્રી પર ફરીને વિભિન્ન પ્રકારના ખતરાની વિરુદ્ધ હુમલા કરશે
2469.6 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દુશ્મન પર હુમલો કરવા સક્ષમ
14.76 ફૂટ લાંબી અને 276 કિલોગ્રામ વજનવાળી મિસાઈલ
ઈઝરાયલ સાથે 200 મિસાઈલો સંદર્ભે થયો છે કરાર
એમઆરએસએએમનું હાલનું સંસ્કરણ ભારતીય વાયુસેના અને નૌસેનામાં છે. ડીઆરડીઓએ આ મહત્વકાંક્ષી યોજના માટે ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝની સાથે 17 હજાર કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેના પ્રમાણે 40 લોન્ચર્સ અને 200 મિસાઈલો તૈયાર થશે. આગામી વર્ષ સુધી મિસાઈલ પ્રણાલીનો પહેલો સેટ તૈયાર થઈ જશે. 2023 સુધીમાં આ મિસાઈલોની તેનાતી થઈ જશે. આઈએઆઈએ તેના પછી કહ્યુ હતુ કે ભારત અને ઈઝરાયલ વચ્ચે આ સૌથી મોટો સિંગલ કોન્ટ્રાક્ટ છે. એમઆરએસએએમને આઈએનએસ વિક્રાંત અને નેવીના કોલકત્તા-ક્લાસ ડિસ્ટ્રોયર્સ પર ઈન્સ્ટોલ કરવામાં આવશે. અમેરિકા અને રશિયા સાથે હવે ઈઝારયલ પણ ભારત માટે હથિયારોનું સૌથી મોટું સપ્લાયર બની ગયું છે.
આના પહેલા ભારતે રશિયા સાથે એસ-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તે દેશે હોસ્ટાઈલ જેટ, બોમ્બ, ડ્રોન અને મિસાઈલોથી બચાવી શકે છે. ભારત તેને પાકિસ્તાન અને ચીનની સાથેની સરહદો પર તેનાત કરે તેવી શક્યત છે.
આ ડીલ આ મહીનાના પહેલા સપ્તાહમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન ફાઈનલ થઈ હતી. એસ-400 એક સાથે 36 સ્થાનોને ટાર્ગેટ બનાવી શકે છે. તેની સાથે 72 મિસાઈલો લોન્ચ કરી શકે છે.