લોકસભા ચૂંટણી દરમિયાન રફાલ ડીલનો મામલો ચૂંટણીનો મુદ્દો બનેલો રહ્યો. કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલ પર સરકારને ઘેરતા રહ્યા છે. પરંતુ હવે ચૂંટણી સમાપ્ત થઈ છે, ત્યારે આના સંદર્ભે એક મોટા સમાચાર ફ્રાંસથી આવી રહ્યા છે. ફ્રાંસમાં કેટલાક અજાણ્યા તત્વો તરફથી ભારતીય રફાલ પ્રોજેક્ટ મેનેજમેન્ટની ટીમમાં ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી છે. આ ઘટનાથી ભારતીય વાયુસેના પણ એલર્ટ થઈ ગઈ છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેનામાં સામેલ થનારા રફાલ યુદ્ધવિમાનની ડીલને લઈને દેશમાં જ્યાં લાંબા સમયથી રાજકીય ભૂકંપની સ્થિતિ બનેલી છે. ત્યારે ફ્રાંસમાં રફાલ સાથે જોડાયેલી ભારતીય ટીમના ઠેકાણામાં ઘૂસણખોરીની કોશિશના અહેવાલ ચિંતા ઉપજાવી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે ફ્રાંસની રાજધાની પેરિસના એક ઉપનગરમાં ભારતીય એરફોર્સ રફાલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમના ઠેકાણામાં ઘૂસણખોરીની કોશિશ કરવામાં આવી હતી. આ કોશિશ બાદ ભારતીય વાયુસેના એલર્ટ થઈ ગઈ છે. આના સંદર્ભે વધુ જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે.
ફ્રાંસમાં ભારતીય વાયુસેનાની ટીમનું નેતૃત્વ ગ્રુપ કેપ્ટન રેન્કના એક અધિકારી કરી રહ્યા છે. તેનું કામ 36 રફાલ યુદ્ધવિમાનના નિર્માણ અને ભારતીય અધિકારીઓની ટ્રેનિંગ પર નજર રાખવાનું છે. સૂત્રોનું કહેવું છે કે એર ફ્રાંસે આ ઘટના સંદર્ભે પહેલા જ ભારતીય સંરક્ષણ મંત્રાલયને સૂચિત કરી દીધું છે. ભારતીય વાયુસેના આ હરકત સંદર્ભે વધારે જાણકારી એકઠી કરવાની કોશિશમાં લાગેલી છે.
દસૉલ્ટ મેન્યુફેક્ચરિંગ યૂનિટમાં જ ભારત માટે રફાલ યુદ્ધવિમાન તૈયાર કરાઈ રહ્યા છે. આગામી પાંચ વર્ષોમાં ફ્રાંસ 36 રફાલ યુદ્ધવિમાનો ભારતને આપશે, તેની શરૂઆત આ વર્ષે સપ્ટેમ્બરમાં થઈ જશે. બાકીના રફાલ યુદ્ધવિમાનની પહેલી ડિલીવરી આગામી 25 માસમાં થવાની છે. ભારતે ફ્રાંસની સાથે 36 રફાલ યુદ્ધવિમાનોની ખરીદીનો સોદો કર્યો છે. તેની પહેલી ખેપ આ વર્ષે સપ્ટેમ્બરમાં આવવાની છે.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેનાની છ સદસ્યોની ટીમે ફ્રાંસના દસોલ્ટ મેન્યુફેક્ચરિંગ યૂનિટની મુલાકાત લીધી હતી. તે વખતે વાયુસેનાના ડેપ્યુટી ચીફ એર માર્શલ રઘુનાથ નામ્બિયારે પહેલા ભારતીય રફાલ કોમ્બેક્ટ એરક્રાફ્ટ પર ઉડાણ પણ ભરી હતી.