Site icon hindi.revoi.in

વ્લાદીવોસ્ટક સમિટમાં મોદી-પુતિનની થશે મુલાકાત: ભારત-રશિયા વચ્ચે 25 કરારો થવાની શક્યતા

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 સપ્ટેમ્બરે રશિયાની બે દિવસીય મુલાકાતે જઈ રહ્યા છે॥ તેઓ પાંચમી સપ્ટેમ્બરે વ્લાદીવોસ્ટકમાં આયોજીત ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના મુખ્ય અતિથિ હશે. આ દરમિયાન ચોથી સપ્ટેમ્બરે તેમને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન વન-ટુ-વન ડિનર આપશે. આ દરમિયાન બંને નેતાઓ  વચ્ચે એક વાર્ષિક દ્વિપક્ષીય વાટાઘાટ થશે. તેના પછી વેપાર, સંરક્ષણ, રોકાણ, ઊર્જા, ઔદ્યોગિક સહયોગ વગેરે સાથે જોડાયેલા 25 કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.

ડિનર દરમિયાન બંને નેતાઓ પોતાના વ્યક્તિગત સંબંધોને વધુ મજબૂત બનાવશે તથા અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા મુખ્ય વૈશ્વિક મામલાઓ પર અસરકારક સમન્વય પ્રસ્થાપિત કરવા માટે પગલા ઉઠાવશે. પુતિનના સહોયગી યુરી ઉશાખોવે રશિયાના મીડિયાને તાજેતરમાં જણાવ્યું છે કે આવી વાતચીત દરમિયાન મુખ્ય આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં સમન્વય વગેરે પર ઘણો ભરોસા અને વધુ સ્પષ્ટતા સાથે ચર્ચા થાય છે.

મહત્વપૂર્ણ છે કે ગત વર્ષ ઓક્ટોબરમાં રાષ્ટ્રપ્રમુખ પુતિન વાર્ષિક વાટાઘાટો માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ પોતાના નિવાસસ્થાને તેમના માટે વન-ટુ-વન ડિનરનું આયોજન કર્યું હતું.

આ પહેલા એપ્રિલ- 2018માં જ્યારે પીએમ મોદી એક અનૌપચારીક સમિટમાં સામેલ થવા માટે સોચિ ગયા હતા,  તો તેમણે પુતિન સાથે વન-ટુ-વન વાતચીતમાં ઘણો સમય પસાર કર્યો હતો. ત્યારે ખુદ પુતિન પીએમ મોદીને એરપોર્ટ સુધી મૂકવા મટે આવ્યા હતા.

ઈકોનોમિક ટાઈમ્સ પ્રમાણે, બંને નેતાઓની વચ્ચે વ્યક્તિગત સંબંધો ઘણાં મજબૂત થઈ ચુક્યા છે, તેના કારણે ગત કેટલાક વર્ષોમાં બંને દેશોની વચ્ચે સંબંધોમાં સુધારો થયો છે. રશિયા સુરક્ષા પરિષદનો પહેલો સ્થાયી સદસ્ય દેશ છે કે જેણે કાશ્મીર મામલા પર ભારતને કલમ-370 સાથે જોડાયેલા નિર્ણયમાં સંપૂર્ણ ટેકો આપ્યો છે. વ્લાદીવોસ્ટકમાં બંને નેતાઓ એક સંયુક્ત નિવેદન પણ જાહેર કરશે, તેનું શીર્ષક હશે-થ્રુ ટ્રસ્ટ એન્ડ પાર્ટનરશિપ ટુ ન્યૂ હાઈટ્સ ઓફ કોઓપરેસન. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન પીએમ મોદીને એક ટપાલ ટિકિટ ભેંટ કરશે. આ ટપાલ ટિકિટ મહાત્મા ગાંધીની 150મી જયંતીના પ્રસંગે જાહેર કરવામાં આવી છે.

આ મુલાકાત દરમિયાન શિક્ષણ અને સંસ્કૃત સાથે જોડાયેલી સમજૂતીઓ પણ થશે, તેના દ્વારા રશિયા શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય વિદ્યાર્થીની સંખ્યા વધારવાનું લક્ષ્યાંક છે. બંને પક્ષો એક એવો રોડમેપ તૈયાર કરી ર્હયા છે કે જેનાથી રોકાણ અને વ્યાપારને વધારી શકાય તથા તેને પીએમ મોદીની યાત્રા દરમિયાન આખરી ઓપ આપવામાં આવશે.

પીએમ મોદીની આ યાત્રા દરમિયાન ભારતમાં છ ન્યૂક્લિયર રિએક્ટરની સ્થાપનાને લઈને પણ સમજૂતી થવાની શક્યતા છે. રશિયાના શહેર વ્લાદીવોસ્ટકની ફોર ઈસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી કેમ્પસમાં 4થી 6 સપ્ટેમ્બર સુધી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમનું આયોજન થઈ રહ્યું છે. આ ફોરમની સ્થાપન 2015માં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિને કરી હતી. આ મંચ રશિયાના અંતરિયાળ વિસ્તારના વિકાસ અને એશિયા- પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગના વિસ્તરણ માટે બનાવવામાં આવ્ય છે. આ વર્ષે આ ફોરમનું પાંચમું આયોજન થઈ રહ્યું છે.

Exit mobile version