Site icon hindi.revoi.in

27 જૂલાઈ, 2020 – ડૉ. એપીજે અબ્દુલ કલામની પાંચમી પુણ્યતિથિ

Social Share

અમદાવાદ: ભારતના મિસાઈલ મેન, પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ.એપીજે અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે અને આજના જ દિવસે વર્ષ 2015માં તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતુ.

ડૉ. અબ્દુલ કલામનું વ્યક્તિત્વ જ એવું હતુ કે જે કોઈના પર પણ પ્રભાવ છોડી જાય, તેઓ તદ્દન સામાન્ય રીતે રહેતા હતા અને તેમની સાદગીથી જ તેમણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી.

નોંધનીય છે કે ડૉ. એપીજે અબ્દુલ કલામ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સમાજના તમામ લોકો માટે ખોલી દીધા હતા જ્યાં વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવતા હતા અને તેમણે પોતાના જીવનનો અંતિમ શ્વાસ પણ વિદ્યાર્થીઓની સામે જ લીધો. ડૉ. એપીજે અબ્દુલ કલામ જ્યારે 5 વર્ષ પહેલા આઈઆઈએમ શિલોંગમાં વિદ્યાર્થીઓને લેક્ચર આપી રહ્યા હતા અને તે સમયે તેમને હાર્ટ એટેક આવતા તેઓનું ત્યાં નિધન થયું હતુ. ડૉ. એપીજે અબ્દુલ કલામનું કામ અને ભારતની અગ્નિ મિસાઈલને ઉડાન આપનારા વ્યક્તિને જોતા જ લાગે કે તેઓ ભારત દેશ વિશે કેટલું વિચારતા હતા.

ડૉ. એપીજે અબ્દુલ કલામ એક માછીમારના પુત્ર હતા અને 18 જૂલાઈ 2002ના રોજ તેમણે ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી અને નિષ્ઠાપૂર્વક અને દિલથી દેશની સેવા કરી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1992થી લઈને 1999 સુધી તેઓ રક્ષામંત્રીના સલાહકાર પણ રહી ચૂક્યા છે અને આ જ સમય દરમિયાન ભારતના વડાપ્રધાન વાજપેયીની સરકારમાં ભારતે પોખરણમાં પરમાણું પરીક્ષણ કર્યું હતુ અને દેશને પરમાણું શક્તિ બનાવી હતી. ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચૂક્યા છે.

એક સામાન્ય ભાષામાં કહી શકાય કે ડૉ. એપીજે અબ્દુલ કલામ જેવું વ્યક્તિત્વ કદાચ ભવિષ્યમાં ભારતને મળી શકે. ડૉ. એપીજે અબ્દુલ કલામને વર્ષ 1981માં ભારત સરકારે પદમ્ ભૂષણ, 1990માં પદમ્ વિભૂષણ અને વર્ષ 1997માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

(VINAYAK)

Exit mobile version