- ભારત ચીન પ્રત્યે હજુ પણ વધારે કડક બન્યું
- હવે ચીનના આંતરીક વેપાર પર ભારતનો પ્રહાર
- ચીનથી આવતી ઈલેક્ટ્રોનિક વસ્તું પર સરકારની નજર
નવી દિલ્લી: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી ઝપાઝપી બાદ ભારતે ચીન પ્રત્યે એવુ વલણ અપનાવ્યું છે જે ચીને આટલા વર્ષોમાં પહેલીવાર જ જોયું હશે. ભારતીય સૈનિકોએ તો પોતાના સૈનિકોનો બદલો બોર્ડર પર વસુલ કરી લીધો હતો પણ હવે મોદી સરકાર આક્રમક વલણ અપનાવી રહી છે.
ભારતે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો, કેટલાક મોટા પ્રોજેક્ટ રદ કરી દીધા અને હવે એવો નિર્ણય લેવા જઈ રહ્યું છે જેમાં ઈલેક્ટ્રોનિક વિક્રેતાઓએ ઈલેક્ટ્રોનિક વસ્તું કયા દેશમાંથી ખરીદી છે તે પણ બતાવી પડશે. ભારતે પહેલેથી જે એપ્લિકેશન પ્રતિબંધ અને પ્રોજેક્ટ્સ રદ કરીને ચીનને બે તો ઉંધા હાથની આપી જ દીધી છે પણ હવે આ પગલા પછી લાગે છે કે હવે ચીનને ઉંધા હાથની ત્રીજી પડશે.
મોદી સરકારના આ નિર્ણયના કારણે હવે દેશમાં તમામ લોકોને ખબર પડશે કે તેઓ કયા દેશની વસ્તુને વાપરી રહ્યા છે. જો કે છેલ્લા એક-દોઢ મહિનાથી ભારતમાં ચીન વિરુદ્ધ વાતાવરણ છે અને મોદી સરકાર આ વાતાવરણને અવસરમાં ફેરવીને આત્મનિર્ભર ભારતને વધારે મજબૂત કરી રહી છે. ભારતના આ પગલાથી ચીનને આર્થિક રીતે અણધાર્યું નુક્સાન થવાની પુરેપુરી સંભાવના છે.
આ બાબતે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે નવો નિયમ તમામ રજીસ્ટર્ડ ઈલેક્ટ્રોનિક વિક્રેતાઓને લાગું પડશે અને નિયમોના ઉલ્લંઘન કરનાર વિક્રેતા દંડને યોગ્ય બનશે.
ભારતે જે રીતે ચીનને પાઠ ભણાવવા પગલું લીઘું છે તેને જોઈને અન્ય દેશો પણ ચીન વિરુદ્ધ આ પ્રકારનું પગલું લઈ રહ્યા છે જેમાં અમેરિકા પણ ચીની એપ્લિકેશન પર વધારે પ્રતિબંધ લગાવી શકે છે અને અન્ય દેશો પણ આ યાદીમાં જોડાઈ શકે છે.
(VINAYAK)