
ભારત અને ચીન બેઠક: પૂર્વ લદાખમાં બંને દેશો સૈનિકો પરત ખસેડવા સહમત થયા
- ભારત અને ચીનનો સીમા વિવાદ
- બંને દેશ વચ્ચે જનરલ સ્તરની બેઠક યોજાઇ
- બંને દેશો પોતાના સૈનિકો પાછા ખસેડવા સહમત થયા
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા તણાવને લઈને મંગળવારે એક સારા સમાચાર આવ્યા છે. બંને દેશોના જનરલ સ્તરની વાતચીત દરમિયાન ચીની ડ્રેગને પૂર્વ લદાખમાં તણાવ છે તે વિસ્તારમાંથી પોતાના સૈનિકોને હટાવવાની સહમતિ દર્શાવી છે.
સૂત્રો અનુસાર ભારત અને ચીન વચ્ચેની જનરલ સ્તરની બેઠકમાં પૂર્વ લદાખમાંથી સૈનિકો હટાવવા માટેની અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાતચીત દરમિયાન ભારતે સ્પષ્ટ જણાવી દીધું કે એલ એસીમાં જે સ્થિતિ 5 મે પૂર્વે હતી તે મુજબ સ્થિતિ સામાન્ય થવી જોઈએ. ભારતે સ્પષ્ટપણે જણાવી દીધું કે ચીન તેની સરહદમાં પરત જતું રહે.
નોંધનીય છે કે સોમવારે એલએસી પર ઘર્ષણના મુદ્દે બંને દેશો વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી. આ બેઠક 12 કલાક બાદ પૂર્ણ થઇ હતી. આ બેઠકમાં બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા પર સંમતિ સધાઇ હતી.તણાવ ધરાવતા ક્ષેત્રમાંથી બંને દેશો લશ્કર હટાવવા સહમત થયા હતા.
મહત્વનું છે કે, ગલવાન વેલીમાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા તેમજ ચીનના 40 જેટલા સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. આ ઘટના પછી બન્ને દેશો વચ્ચે ગરમા ગરમી વધી ગઈ હતી.
(સંકેત)