અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. દરમિયાન ગુજરાતમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં જાહેરનામાંના ભંગ બદલ 60 હજારથી પણ વધારે ગુના નોંધવામાં આવ્યાં છે. એટલું જ નહીં લોકડાઉન અને રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસ દ્વારા 4.92 લાખ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત બન્યું છે. તેમજ માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થુંકનારાઓ સામે પોલીસે પણ લાલઆંખ કરી છે. એટલું જ નહીં આવા શખ્સોને ઝડપી લઈને તેમની પાસેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. 250 દિવસમાં માસ્ક મુદ્દે 21 લાખ લોકોને પકડીને તેમની પાસેથી 90 કરોડ જેટલો દંડ ફડકારવામાં આવ્યો છે. કોરોના મહામારીમાં લોકડાઉનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં.