આખા દેશમાં આ વખતે એક્ઝિટ પોલ્સની ચર્ચા થઈ રહી છે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માઇ ઇન્ડિયાએ અનુમાન લગાવ્યું છે કે નરેન્દ્ર મોદી પાછા તો ફરશે પણ આ વખતે એમની વાપસી ધમાકેદાર હશે, જે 2014 ના રેકોર્ડ પણ તોડશે. ઇન્ડિયા ટુડે અને એક્સિસ માઇ ઇન્ડિયાએ સરેરાશ 352 સીટ્સનું અનુમાન લગાવ્યું છે, જે ગયા વખતની એનડીએની 336 સીટ્સથી પણ વધારે છે. ત્યારે બધા 23 મેની રાહ જોઈ રહ્યા છે.
જો મોદી સરકાર કેન્દ્રમાં મજબૂતી સાથે પાછી ફરે તો આશા છે કે સરકાર સૌથી પહેલા ધીમે-ધીમે નિર્ણયો લેશે, જે તેના એજન્ડામાં છે. આ નિર્ણયો નોટબંધી જેવા કડક પણ હોઈ શકે છે કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તેઓ દેશહિતના કડક નિર્ણયો લેવામાંથી પાછા નહીં હટે.
બેનામી સંપત્તિ પર પ્રહાર
નરેન્દ્ર મોદી ઘણીવાર બેનામી સંપત્તિનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. જો સત્તામાં તેઓ પૂર્ણ બહુમતથી પાછા આવશે તો બેનામી સંપત્તિ પર પ્રહાર કરી શકે છે.
GSTમાં સુધાર
જીએસટીને લઇને હજુ પણ લોકો મૂંઝવણમાં છે. શરૂઆતમાં જીએસટીને લઇને નાના-મોટા વેપારીઓને ઘણી પરેશાની થઈ હતી. ચૂંટણી પહેલા સરકાર સતત જીએસટી રેટ્સમાં સમીક્ષા કરીને લોકોને રાહત આપવાની કોશિશ કરી. હવે અપેક્ષા છે કે મોદી સરકાર સત્તામાં પાછી આવશે તો જીએસટીમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.
એક દેશ એક ચૂંટણી પર ફેંસલો આવી શકે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં એકસાથે એક ચૂંટણી એટલે કે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સાથે થાય તે ઘણા સમયથી રહેલું છે. તેઓ તેને લઇને રાજ્યો સાથે વાત પણ કરતા રહ્યા છે, પરંતુ કંઇ ખાસ થઇ શક્યું નથી. જો હવે પૂર્ણ રીતે સત્તા બીજેપીના હાથમાં હશે તો નરેન્દ્ર મોદીનો આ એજન્ડા પૂરો થઈ શકે છે.
NRC ના મુદ્દે આગળ વધશે સરકાર?
પૂર્વોત્તરમાં NRCનો મુદ્દો આ વખતે ચૂંટણીમાં છવાયેલો રહ્યો છે. અસમ-અરૂણાચલ પ્રદેશમાં જે રીતે વિરોધ હોવા છતાંપણ બીજેપી આ મુદ્દે આગળ વધી તેનાથી તે વિપક્ષ પર હુમલાવર છે. બીજેપીએ એનઆરસીને આખા દેશમાં લાગુ કરવાનું વચન આપ્યું છે, એવામાં જો એક્ઝિટ પોલના પરિણામો જો સાચા સાબિત થાય તો નવી કેન્દ્ર સરકાર તેને હકીકતમાં ફેરવી શકે છે.
સમાન નાગરિક કાયદો
દરેક નાગરિક માટે એક જ કાયદાનો મુદ્દો બીજેપી ઘણા સમયથી ઉઠાવી રહી છે. એટલે કે કોઇપણ ધાર્મિક કાયદાની જગ્યાએ ફક્ત બંધારણીય કાયદો ચાલશે. તે હેઠળ દરેક પરિવારમાં બે બાળકો, લગ્ન, સંપત્તિના અધિકારો નિયમિત કરવામાં આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવવા પર આ દિશામાં આગળ વધી શકે છે.
આતંકવાદ પર વધુ સખ્તી
આતંકવાદને લઇને મોદી સરકાર ખૂબ સખ્ત છે. જો એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી ફરીથી સત્તામાં આવશે તો પાકિસ્તાન વિરુદ્ધ કડક ફેંસલા લઇ શકે છે.
ત્રણ તલાક અંગે મોટો નિર્ણય
મુસ્લિમ મહિલાઓને હક અપાવવાની વાત કરીને બીજેપીએ સંસદમાં ત્રણ તલાક બિલ રજૂ કર્યું. બીજેપી આ બિલને લોકસભા અને રાજ્યસભામાં લાવી ચૂકી છે. પરંતુ વિપક્ષ દર વખતે આડે આવ્યો. જો બીજેપી સત્તામાં પાછી ફરે તો મુસ્લિમ મહિલાઓના હિતમાં નિર્ણય લેવામાં આવી શકે છે.