Site icon Revoi.in

કુરાન ટીચર પાસે કરાવાતું હતું સફાઈનું કામ! સાઉદી અરેબિયાથી બચીને પાછા આવેલા શખ્સે સુષ્મા સ્વરાજનો માન્યો આભાર

Social Share

હૈદરાબાદના વતની કુરાન ટીચરે સાઉદી અરેબિયાથી પાછા ફર્યા બાદ દૂતાવાસની સાથે જ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો આભાર માન્યો છે. હૈદરાબાદના વતની હાફિઝ મોહમ્મદ બહાઉદીને કહ્યુ કે એજન્ટે મને અંતરિયાળ વિસ્તારમાં મોકલી દીધો હતો.

તેમણે કહ્યુ કે મારી પાસે ત્યાં ક્લીનરનું કામ કરવવામાં આવતું હતું. હું બીમાર થઈ ગયો હતો, પરંતુ મારા માલિકે મને હોસ્પિટલમાં લઈ જવાનો ઈન્કાર કર્યો હતો. ભારતીય દૂતાવાસના અધિકારીઓએ મને બચાવ્યો. આ લોકોએ મારી હૈદરાબાદની ટિકિટ ઈસ્યૂ કરાવી. હું તેના માટે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ભારતીય દૂતાવાસના લોકોનો આભાર માનવા માંગુ છું.

હાફિઝે કહ્યુ હતુ કે હું હૈદરાબાદમાં કુરાન ટીચર તરીકે કામ કરતો હતો. એક એજન્ટે સાઉદી અરેબિયાની અલ બહાહ મસ્જિદમાં કામ કરવાની ઓફર આપી હતી. તેણે કહ્યુ કે આના માટે મને 95 હજાર રૂપિયા મળશે. મે આ ઓફર સ્વીકારી લીધી. હાફિઝે કહ્યુ કે મને 21 માર્ચે સાઉદી અરેબિયના અલ-બહાહ શહેરમાં મોકલી દેવામાં આવ્યો.

સાઉદી અરેબિયામાં પહોંચ્યા બાદ મને અંતરિયાળ વિસ્તારમાં મોકલવામાં આવ્યો. જ્યાં મને ક્લીનરનું કામ કરાવવામાં આવ્યું. મારા માલિક સવારથી લઈને રાત્રિ સુધી મને પોતાની ઓફિસમાં કામ કરાવતા હતા. તેમણે જણાવ્યુ કે કેટલાક દિવસો સુધી કામ કર્યા બાદ મારી તબિયત ખરાબ થઈ ગઈ, પરંતુ મારા માલિકે મને હોસ્પિટલ લઈ જવાનો ઈન્કાર કર્યો.

હાફિઝે જણાવ્યુ કે તેણે તેની પત્નીને સાઉદી અરેબિયામાં પોતાની સ્થિતિ સંદર્ભે જણાવ્યું હતું. બાદમાં તેની પત્નીએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પત્ર લખીને ફરિયાદ કરી હતી. પત્નીએ ભારતીય દૂતાવાસને મને ત્યાંથી છોડાવવાની અપીલ કરી હતી. પત્નીએ મારા બીમાર થવા અને મારા સંઘર્ષની વાતને પણ જણાવી હતી. ભારત પાછા ફર્યા બાદ હાફિઝ પોતાના પરિવાર સાથે ફરીથી મળીને ઘણો ખુશ છે.