Site icon hindi.revoi.in

નવા કોંગ્રેસ અધ્યક્ષની દોડમાં સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જૂન ખડગે સૌથી આગળ

Social Share

કોંગ્રેસના નવા અધ્યક્ષની દોડમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદે અને ગત લોકસભામાં કોંગ્રસ દળના નેતા મલ્લિકાર્જૂન ખડગે સૌથી આગળ છે. આમા શિંદે ખડગે પર ભારે પડતા હાલ દેખાઈ રહ્યા છે. શિંદે અને ખડગે બંને દલિત સમુદાયમાંથી આવે છે. શિંદે પશ્ચિમ ભારતના રાજ્ય મહારાષ્ટ્ર સાથે અને ખડગે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્ય સાથે સંબંધિત છે.

રાહુલ ગાંધી પોતાના રાજીનામા પર અડગ છે અને પાર્ટીને આપવામાં આવેલી એક માસની સમયમર્યાદા પણ સમાપ્ત થઈ ચુકી છે. તેવામાં હવે એક નવા અધ્યક્ષને લઈને પણ સ્પષ્ટતા થવા લાગી છે. સંસદીય સત્રના સમાપ્ત થતા જ આના સંદર્ભે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવશે.

સૂત્રો પ્રમાણે, સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જૂન ખડગેના નામ આગામી કોંગ્રેસ અધ્યક્ષની દોડમાં સૌથી આગળ છે. જેમાં શિંદેના નામ પર સંમતિ બનતી દેખાઈ રહી છે. જો ખડગે કે શિંદેમાંથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ બનશે, તો 21 વર્ષ બાદ ગાંધી પરિવારના બહારના વ્યક્તિ કોંગ્રેસના અધ્યક્ષ બનશે.

પાર્ટી સૂત્રો મુજબ, અધ્યક્ષ પદ માટે જે ચાર-પાંચ નામોનો વિચાર થઈ રહ્યો છે, તેમાં દલિત સમુદાયમાંથી આવનારા કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા રેસમાં સૌથી આગળ છે. પહેલું નામ છે, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેનું અને બીજું ગત લોકસભામાં કોંગ્રેસ દળના નેતા મલ્લિકાર્જૂન ખડગેનું.

શિંદે મહારાષ્ટ્રમાંથી આવે છે, જ્યાં થોડાક માસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેવામાં શિંદેની દાવેદારી વધારે પ્રબળ દેખાઈ રહી છે. જો કે આ બંને નેતાઓ સિવાય પણ કેટલાક અન્ય નામની પાર્ટીના સ્તર પર વિચારણા ચાલી રહી છે. સૂત્રો પ્રમાણે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અંગત કામથી વિદેશમાં છે. તેમના ભારત પાછા ફરવાના કાર્યક્રમ પ્રમાણે, સીડબલ્યૂસીની તારીખનું એલાન થવાની શક્યતા છે. જેમાં નવા કોંગ્રેસ અધ્યક્ષની ઘોષણા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામાની પેશકશ કરી હતી. જો કે સીડબલ્યૂસીએ રાહુલ ગાંધીનું રાજીનામું નામંજૂર કર્યું હતું. પરંતુ રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર કાયમ છે.

રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસીઓ દ્વારા ઘણી કોશિશ થઈ રહી છે. સોમવારે તમામ કોંગ્રેસી મુખ્યપ્રધાનોએ સાથે મળીને રાહુલ ગાંધીને પદ પર બનેલા રહેવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસના યુવા પદાધિકારીઓએ રાજીનામા આપવાનું શરૂ કર્યું છે અને કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આ બધાંથી રાહુલ ગાંધીનો નિર્ણય બદલાયો નથી.

રાહુલ ગાંધી 2017માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તેમના પહેલા 19 વર્ષ સુધી તેમના માતા સોનિયા ગાંધીએ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. મંગળવારે ઘણાં નેતાઓ રાહુલ ગાંધીને મનાવવા મટે અનશન પર પણ બેઠા હતા.

Exit mobile version