Site icon Revoi.in

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર બાદ હવે ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સ પર પ્રતિબંધની શક્યતા

Social Share

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરને ભારત સરકારે ગુરુવારે પ્રતિબંધિત કરી છે. તેની સાથે જ હવે ભાગલાવાદી સંગઠનો સામે કેન્દ્ર સરકારની લાલ આંખ વધુ આકરા પગલા તરફ પણ સંકેત આપી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ભાગલાવાદી પ્રવૃત્તિઓનો ખેલ ચલાવવામાં ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સની ભૂમિકા કોઈનાથી અજાણી નથી. કેન્દ્ર સરકાર દ્વારા જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરના તર્જ પર ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સને પણ પણ પ્રતિબંધિત કરવાની વિચારણા થઈ રહી હોવાની જાણકારી સૂત્રોને ટાંકીને આવી રહેલા મીડિયા અહેવાલમાં સામે આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે આના સંદર્ભે સુરક્ષા એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પોતાનો અહેવાલ સોંપી દીધો છે. આ અહેવાલ સોંપાયાના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર ખાતે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવ્યો છે. જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનની સ્થાપના માટે જવાબદાર માનવામાં આવે છે.

હુર્રિયત કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોનો એક મોરચો છે. તેના એક જૂથનો પ્રમુખ સૈયદ અલી શાહ ગિલાની અને બીજા ફાટાનો પ્રમુખ મિરવાઈઝ ઉમર ફારુક છે. એક જૂથ સીધેસીધું પાકિસ્તાન તરફ ઢળેલું છે અને બીજું ઉદારવાદી તરીકે ઓળખાતું જૂથ આડકતરી રીતે કાશ્મીરની આઝાદીની વાત કરીને પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.