નવી દિલ્હી/રોહતક : લોકસભા ચૂંટણીના આખરી બે તબક્કાથી પહેલા 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને કોંગ્રેસ સતત આક્રમક ભાજપને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના વિવાદીત નિવેદન સ્વરૂપે નવું હથિયાર મળી ગયું છે. શુક્રવારે પીએમ મોદીએ જ્યાં રોહતક રેલીમાં પિત્રોડાના નિવેદનથી શીખ વિરોધી રમખાણો પર કોંગ્રેસને ઘેરી છે, તો દિલ્હીમાં ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના 12 તુઘલક લેન ખાતેના નિવાસસ્થાન પર હલ્લાબોલ કરીને દેખાવો કર્યા છે. મહત્વપૂર્ણ છે કે પિત્રોડાએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે 1984ના હુલ્લડોમાં જે થયું તે થયું, પરંતુ મોદી સરકારે જણાવવું જોઈએ કે તેમણે પાંચ વર્ષોમાં શું કામ કર્યું છે. પિત્રોડાએ જો કે આજે સુવર્ણ મંદિરની તસવીર ટ્વિટ કરીને ડેમેજ કંટ્રોલની કોશિશ કરી હતી, પરંતુ મામલો શાંત થતો દેખાઈ રહ્યો નથી.
પીએમ મોદીએ કહ્યુ છે કે આનાથી કોંગ્રેસની માનસિકતાની ખબર પડે છે. તેઓ વર્ષોથી આમ કરી ચુક્યા છે. રાજીવ ગાંધીએ કહ્યુ હતુ કે જ્યારે એક મોટું વૃક્ષ ધરાશાયી થાય છે, તો ધરતી હલે છે. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે કમલનાથને પંજાબના પ્રભારી બનાવ્યા હતા અને હવે તેમને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બનાવી દીધા છે. આ કોઈ એક વ્યક્તિનું નિવેદન નથી.
હરિયાણાના રોહતકમાં એક જાહેરસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાના 1984ના હુલ્લડો મામલે આપવામાં આવેલા નિવેદન પર આક્રમક હુમલા કર્યા છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આવા લોકો માટે જીવનની કોઈ કિંમત નથી. તેમના આ ત્રણ શબ્દ કોંગ્રેસનું ચરિત્ર દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશ પર સૌથી વધારે સમય સુધી શાસન કરનારી કોંગ્રેસ કેટલી અસંવેદનશીલ રહી છે, તેનું પ્રતીક છે કાલે બોલવામાં આવેલા ત્રણ શબ્દ, આ (શબ્દ) આમ જ નથી નીકળ્યું. આ શબ્દ કોંગ્રેસનું ચરિત્ર છે, કોંગ્રેસની માનસિકતા છે, કોંગ્રેસનો ઈરાદો છે. આ ત્રણ શબ્દ ક્યાં છે, થયું તો થયું. આ શબ્દ કોંગ્રેસનું ચરિત્ર છે, કોંગ્રેસની માનસિકતા છે, કોંગ્રેસનો ઈરાદો છે. આ ત્રણ શબ્દ ક્યાં છે, થયું તો થયું. તમે વિચારશો કે મોદીજી શું બોલી રહ્યા છે, હું વિગતવાર જણાવું છું. કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસને ચલાવનારાઓનો ઘમંડ આ ત્રણ શબ્દોમાં આપણે સારી રીતે સમજી શકીએ છીએ, થયું તો થયું.
જાહેરસભા દરમિયાન પીએમ મોદીએ કહ્યુ છે કે કાલે કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંથી એકે બૂમો પાડીને 1984ના હુલ્લડો સંદર્ભે કહ્યુ કે 1984ના રમખાણો થયા તો થયા. તમને ખબર છે કે આ નેતા કોણ છે. આ નેતા ગાંધી પરિવારના સૌથી નિકટવર્તી છે, ગાંધી પરિવારના તમામ લોકો સાથે દરરોજ ઉઠવા-બેસવાવાળા છે. આ નેતા ગાંધી પરિવારના સૌથી મોટા રાઝદાર છે. આ નેતા રાજીવ ગાંધીના ખૂબ સારા મિત્ર છે અને આજના જે કોંગ્રેસના નામદાર અધ્યક્ષ (રાહુલ ગાંધી) છે, તેમના ગુરુ છે. તેમણે ગઈકાલે ટેલિવિઝનની સામે સ્પષ્ટપણે કહ્યુ હતુ કે જો 1984 થયું તો, થયું તો થયું.
ઈન્ડિયન ઓવરસીજ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ ગુરુવારે શીખ વિરોધી રમખાણો સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં એક વિવાદીત ટીપ્પણી કરી હતી. પીએમ મોદી દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ પર શીખ વિરોધી રમખાણોને લઈને નિશાન સાધ્યા બાદ સેમ પિત્રોડાએ ગુરુવારે વડાપ્રધાન મોદીની ટીકા કરી હતી. તે વખતે એક સવાલના જવાબમાં પીએમ મોદી પર ટીપ્પણી કરતા પિત્રોડાએ કહ્યુ હતુ કે હવે શું છે 84નું? તમે શું પાંચ વર્ષમાં આની વાત કરી. 84માં જે થયું તે થયું, તમે શું કર્યું?