Site icon Revoi.in

અલવર ગેંગરેપ: મોદીના રાજસ્થાનમાં બસપાએ સમર્થન પાછું ખેંચી લેવાના પડકાર પર માયાવતીનો પલટવાર

Social Share

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનની વચ્ચે અલવર ગેંગરેપ પર રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલવર ગેંગરેપ પર ચૂપ રહેવાના સવાલ પર બીએસપી સુપ્રીમો માયાવતીએ પલટવાર કર્યો છે. માયાવતીએ કહ્યું કે યોગ્ય કાર્યવાહી ન થવા પર તેઓ રાજકીય નિર્ણય લેશે. સાથે જ તેમણે પીએમ મોદીને ગુજરાતના ઉના કાંડ અને રોહિત વેમુલા મામલે નિશાના પર લીધા. યુપીના કુશીનગરમાં પીએમ મોદીએ માયાવતી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ અલવર કાંડના મુદ્દા પર રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાસેથી પોતાનું સમર્થન પાછું કેમ નથી ખેંચતી?

રવિવારે કુશીનગર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલવરમાં દલિત મહિલા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે માયાવતી પર સીધો હુમલો કર્યો. તેમણે કહ્યું કે બીએસપીના સહયોગથી ચાલતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાસેથી માયાવતીએ તરત જ પોતાનું સમર્થન પાછું લઇ લેવું જોઈએ. આ વાત પર માયાવતીએ પલટવાર કરીને કહ્યું કે વડાપ્રધાને દલિત મહિલા સાથે થયેલા સામૂહિક અત્યાચારના મામલે નફરતની રાજનીતિ ન કરવી જોઈએ.

માયાવતીએ કહ્યું કે જો અલવર મામલે ત્યાંની સરકાર કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો ચોક્કસપણે તેમની પાર્ટી રાજકીય નિર્ણય કરશે. કોંગ્રેસને કેમ પહોંચી વળવું તે બસપાને સારી રીતે ખબર છે. મોદીની આ ટિપ્પણી પર માયાવતીએ ગુજરાતના ઉના દલિત કાંડથી લઈને રોહિત વેમુલા કાંડ સહિત દલિતો પર થઈ રહેલા અત્યાચારોના મુદ્દે ઘેરીને પીએમ પાસે તેમના રાજીનામાની માંગણી કરી.

માયાવતીએ કહ્યું કે બીજેપી સરકારે રાજસ્થાનમાં થયેલી ઘટનાની સાથે-સાથે બીજેપી સરકારોમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારો વિશે પણ વિચારવું જોઈએ. જે રાજ્યોમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાંની બીજેપી સરકાર અત્યાચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ નથી કરી રહી. માયાવતીએ વડાપ્રધાનની ટિપ્પણી પર કહ્યું કે બીએસપી કોંગ્રેસને રાજકીય રીતે કેવી રીતે પહોંચી વળવું તે સારી રીતે જાણે છે. તેમણે કહ્યું કે ફક્ત રાજસ્થાન જ નહીં પણ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને પહોંચી વળવાની સંપૂર્ણ કાર્યયોજના છે. સમય આવશે ત્યારે તમામને એ વાતની જાણકારી મળી જશે પરંતુ બીજેપીએ આવા મામલે બંધારણીય અધિકારોનું નિર્વહન કરવું જોઈએ, નફરતની રાજનીતિ ન કરવી જોઈએ.