Site icon hindi.revoi.in

2014 કરતા કેટલો અલગ છે 2019નો પીએમ મોદીનો શપથગ્રહણ સમારંભ

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત સાથે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપની સરકાર ફરી એકવાર સત્તાના સૂત્રો હસ્તગત કરવા તૈયારી છે.

ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના છે. આ સમારંભની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરના અતિથિઓને લઈને ભોજન વ્યવસ્થાથી લઈને તમામ સ્તરે મોદીની પીએમ પદે બીજી વખતની તાજપોશીને શાનદાર બનાવવાની કોશિશ થઈ રહી છે. જો કે આ વખતે શપથગ્રહણ મોદીની 2014ની સોગંદવિધિના કાર્યક્રમથી ઘણી અલગ થવાની છે.

અતિથિઓની સંખ્યા

2019માં લગભગ 6500 અતિથિઓ સામેલ થવાની ગણતરી છે. 2014માં અંદાજે 5000 અતિથિ સામેલ થયા હતા.

વિદેશી અતિથિ

2014માં મોદીની વડાપ્રધાન પદે શપથવિધિના કાર્યક્રમમાં સાર્ક દેશોને નિમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સામેલ થયા હતા.

જો કે 2019માં BIMSTEC દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ સિવાય મોરેશિયસના વડાપ્રધાન અને ચેક રિપબ્લિકના પ્રમુખને પણ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ 2019માં પાકિસ્તાનને મોદીએ પોતાના શપથવિધિના સમારંભમાં આમંત્રિત કર્યું નથી. આતંકી હુમલા અને સરહદે તણાવની સ્થિતિ માટે પાકિસ્તાન જવાબદાર છે. જેને કારણે પાકિસ્તાનને શપથવિધિ સમારંભમાં સામેલ થવા માટે આમંત્રિત કરાયું નથી.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીનું સમારંભમાં સામેલ થવું નિશ્ચિત મનાય છે. 2014ની જેમ મમતા બેનર્જી 2019માં પણ મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવાના નથી.

અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંત અને કમલ હસનને આમંત્રિત કરાયા છે. પરંતુ ડીએમકેના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

વડાપ્રધાન મોદીની શપથવિધિના કાર્યક્રમમાં ભાજપની જીત પાક્કી કરનારા અને પાર્ટીને આગળ વધારવા માટે રાજકીય હિંસામાં જીવનું બલિદાન આપનારા પશ્ચિમ બંગાળના 52 પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સિવાય પુલવામા એટેકના શહીદોના પરિવારજનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

2014માં મોદીએ 26મી મેના રોજ સાંજે સાડા છ વાગ્યે વડાપ્રધાન પદે શપથગ્રહણ કર્યા હતા.

જ્યારે 2019માં 30મી મેએ સાંજે સાત વાગ્યે તેઓ વડાપ્રધાન પદે શપથગ્રહણ કરી રહ્યા છે.

2019માં મોદીના શપથગ્રહણ સમારંભનું આયોજન રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં કરવામાં આવ્યુ છે. આ ચોથી વખત છે કે જ્યારે રાષ્ટ્રપતિભવનના ફોરકોર્ટમાં શપથવિધિનું આયોજન થઈ રહ્યુ છે. આ સ્થાન રાષ્ટ્રપતિભવનના મેન ગેટ અને મેન બિલ્ડિંગની વચ્ચેનો એક માર્ગ છે.

આ શાનદાર લોકેશનને રાષ્ટ્રપતિભવનમાં આવનારા અતિથિઓ, સરકારના ખાસ વ્યક્તિઓ અને ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની જેવા વિશેષ કાર્યક્રમો માટે વાપરવામાં આવે છે.

જો કે 2014થી વધુ લોકોના શપથવિધિ સમારંભમાં સામેલ થવાના હોવાને કારણે રાષ્ટ્રપતિભવનના ફોરકોર્ટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version