Site icon Revoi.in

જુઓ VIDEO : ચીનના નેશનલ ડે પર હોંગકોંગમાં પોલીસે વરસાવી ગોળીઓ, 1નું મોત

Social Share

ચીનના 70મા સ્થાપના દિવસ પર હોંગકોંગમાં દેખાવો ઉગ્ર બન્યા હતા. હોંગકોંગમાં પોલીસે પહેલીવાર ચીનના પ્રત્યાર્પણ બિલની વિરુદ્ધ દેખાવ કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યું છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

પોલીસે દેખાવકારની છાતીમાં ગોળી મારી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તેના એક દિવસ પહેલા પોલીસ અને દેખાવકારોની વચ્ચે હિંસક ઘર્ષણ થયા બાદ દેખાવોનો રોકવામાં આવ્યા હતા. પરંતુ લોકશાહીના સમર્થક દેખાવકારોએ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કર્યા છે.

શહેરના ઘણાં વિસ્તારોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું છે. પોલીસે તેમને ખદેડવા માટે ટિયરગેસના સેલ છોડયા અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે હોઈ પા વિસ્તારમાં ફાયરિંગ પણ કર્યું છે. તેમા એક દેખાવકારનું ગોળી વાગવાથી મોત નીપજ્યાના અહેવાલ છે. આનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી નજીકથી એક દેખાવકારને ગોળી મારતો દેખાઈ રહ્યો છે.

આ હિંસક ઘર્ષણમાં લગભગ 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોકશાહીના ટેકેદારોએ વિરોધ પ્રદર્શન દરમિયાન મોલ અને મેટ્રો સ્ટેશન બંધ કરી દીધા હતા. હોંગકોંગ ગત જૂનથી જ વિરોધ પ્રદર્શનોની આગમાં સળગી રહ્યું છે. બ્રિટને 1997માં હોંગકોંગને ચીનના નિયંત્રણમાં સોંપ્યું હતું. ત્યારથી આ શહેરમાં આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે.