નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં આંતરીક સુરક્ષાને લઈને ગૃહ પ્રધાન અમિત શાહ સતત બેઠક કરી રહ્યા છે. મંગળવારે પણ અમિત શાહે ગૃહ સચિવ રાજીવ ગૌબા, એડિશનલ સચિવ (કાશ્મીર) જ્ઞાનેશ કુમાર સહીતના ઘણાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં નવેસરથી ડિલિમિટેશન અને તેના માટે પંચની રચના કરવા પર વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ બાદ કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખી શકાય છે. આ મામલામાં અમિત શાહ, રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી ચુક્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોના નવેસરથી ડિલિમિટેશનની માગણી ઘણાં વર્ષોથી કરાઈ રહી છે. તેની પાછળ તમામ જાતિઓને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની મનસા હતી. જમ્મુ ક્ષેત્રમાં આ ભાવના રહી છે કે વિભિન્ન મતવિસ્તારોમાંથી અસંતુલિત પ્રતિનિધિત્વ રહ્યું છે. એક અન્ય વર્ગનું એવું માનવું છે કે કાશ્મીર ખીણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ નથી. જોકે ગુર્જર, બકરવાલ અન ગઢરિયાની 11 ટકા વસ્તી છે અને તેમને 1991માં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પરંતુ તેમનું વિધાનસભામાં રાજકીય પ્રતિનિધિત્વ નથી.
હાલ કાશ્મીરમાંથી 46, જમ્મુથી 37 અને લડાખથી 4 વિધાનસભા બેઠકો છે. સૂત્રોનું કહેવું છે કે આ પંચના રિપોર્ટ બાદ જમ્મુ-કાશ્મીરની વિધાનસભા મતવિસ્તારના આકાર પર વિચારણા થઈ શકે છે અને તેની સાથે જ કેટલીક બેઠકો અનુસૂચિત જાતિ શ્રેણી માટે અનામત રાખી શકાય છે.
આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાનું બ્રીફિંગ પણ લીધું હતું. તેની સાથે તેમણે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનનો રિપોર્ટ પણ લીધો હતો. આ સિવાય ઈદ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ જાણકારી લીધી હતી. આના પહેલા સોમવારે પણ અમિત શાહે સુરક્ષાદળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં અમિત શાહે સુરક્ષાદળોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તેઓ કોઈપણ ટીકાથી પ્રભાવિત થાય નહીં અને ઝીરો ટોલરન્સની નીતિ ચાલુ રાખે. મહત્વપૂર્ણ છે કે આ વર્ષના પ્રારંભના પાંચ માસમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ 100થી વધારે આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીરને લઈને અમિત શાહે ગૃહ મંત્રાલયના પદભારને સંભાળ્યા બાદથી જ પોતાનો એજન્ડા સ્પષ્ટ કર્યો હતો. પહેલા અમિત શાહે કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકની મુલાકાત લીધી હતી. તેના પછી સોમવારે એનએસએ અજીત ડોભાલ સાથે એક મોટી બેઠક કરી હતી. સૂત્રો મુજબ, કાશ્મીર ખીણમાં હાલની સ્થિતિમાં 287 આતંકીઓ સક્રિય છે. તેમની વિરુદ્ધ એક મોટું ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
મંગળવારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આ દશ આતંકવાદીઓનું હિટ લિસ્ટ જાહેર કર્યું છે અને તે કાશ્મીરમાં બંદૂકના જોરે સાજિશ અને ખૂની ખેલ ખેલવામાં લાગેલા છે. તેમાં ટોપ મોસ્ટ આતંકી રિયાઝ નાયકુ અને જૈશ-એ-મોહમ્મદથી લઈને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકીઓના સફાયાની ડેડલાઈન પણ નક્કી કરી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના નવા પ્લાન મુજબ, આ ટોચના 10 આતંકીઓનો ઝડપથી સફાયો થશે.