ચંદીગઢ: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે બોલીવુડ સિંગર વિશાલ ડડલાની અને પોલિટિકલ એક્ટિવિસ્ટ તહસીન પૂનાવાલા પર જૈન મુનિ પર વાંધાજનક ટીપ્પણી કરવા બદલ દશ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. જો કે હાઈખોર્ટે બંનેને રાહદ આપતા 28 ઓગસ્ટ, 2018ના રોજ અંબાલામાં નોંધવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરી છે.
વિશાલ ડડલાની અને તહસીન પૂનાવાલાએ દિગંબર જૈન સમુદાયના મુનિ તરુણ સાગરજીની મજાક ઉડાવી હતી. તેમણે ટ્વિટ કરીને વહીવટી તંત્ર દ્વારા હરિયાણા વિધાનસભામાં તરુણ સાગરજીને બોલાવવા માટે કટાક્ષ કર્યા હતા. જો કે ડડલાનીએ પોતાના ટ્વિટ મામલે પહેલા જ ખેદ વ્યક્ત કર્યો હતો. જ્યારે પુનાવાલાએ કહ્યુ હતુ કે તેમને પોતાના ટ્વિટ પર માફી માંગવી નથી.
30 એપ્રિલ-2019ના રોજ જસ્ટિસ અરવિંદસિંહ સંગવાને કહ્યુ હતુ કે જો અરજદારોએ ગરીબો માટે કરેલા કામની સરખામણી જૈન મુનિ તરુણ સાગર સાથે કરવામાં આવે, તો સ્પષ્ટ થઈ જશે કે બંનેએ આ ટ્વિટ માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કર્યા હતા.
તેમણે આગળ કહ્યુ છે કે તાજેતરના કેટલાક વર્ષોમાં સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક ટ્વિટ દ્વારા ધાર્મિક ભાવનાઓને ભડકાવવા પર વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે. તેનાથી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે. તેવામાં અમે અરજદારો પર આ દંડ લગાવી રહ્યા છીએ, જેથી ભવિષ્યમાં તેઓ ફરીથી આમ કરે નહીં.
મહત્વપૂર્ણ છે કે હરિયાણાની સરકારે જૈન મુનિ તરુણ સાગરને 28 ઓગસ્ટ-2016ના રોજ વિધાનસભા સંબોધિત કરવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ પર વિધાનસભામાં સંબોધન કર્યું હતું. બાદમાં વિશાલ ડડલાની અને પુનાવાલાએ ટ્વિટ કર્યા હતા. થોડાક મહિનાઓઓ પહેલા જૈન મુનિ તરુણ સાગરજી કાળધર્મ પામ્યા છે.