Site icon hindi.revoi.in

શા માટે 15 સપ્ટેમ્બરના રોજ એન્જીનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.. આ છે ઈતિહાસ

Social Share

 – દેવાંશી દેસાણી

 

 એન્જીનિયર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે ?

દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જીનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશના મહાન એન્જીનિયર અને ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાને સમર્પિત છે. તેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ થયો હતો. તે માત્ર ભારતના મહાન એન્જીનિયર જ નહીં, પરંતુ અર્થશાસ્ત્રી, સ્ટેટસમેન તેમજ દેશના નિર્માતા પણ હતા.

તેમણે પ્રાકૃતિક સ્ત્રોતથી ઘરે – ઘરે પાણીની આપૂર્તિ અને ગંદા પાણીના નિકાસ માટે ગટરનું નિર્માણ, ડેમ અને નહેરો બનાવવાની સાથે ઓદ્યોગિક ક્ષેત્રમાં પણ નોંધપાત્ર કામ કર્યું હતું. તેમણે માત્ર એન્જીનિયરીંગના ક્ષેત્રમાં અસાધારણ કાર્ય કર્યું જ નહીં, પરંતુ કેટલાક પ્રસંગોએ દેશભક્તિનું ઉદાહરણ પણ સ્થાપ્યું જે અનુકરણીય છે.

તેમનો જન્મ કર્ણાટકના ચિકકાબલ્લાપુર જિલ્લાના મુદદેનાહલ્લી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રીનિવાસ શાસ્ત્રી અને માતાનું નામ વેંકાચમ્મા હતું.

તેમણે પ્રાથમિક શિક્ષણ ગામમાં અને મિડલ અને હાઈ સ્કૂલ ચિકબલ્લાપુરથી કર્યું. 1881માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ત્યારબાદ પુણેની કોલેજ ઓફ સાયન્સથી સિવિલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો.

1905 માં તેમને બ્રિટીશ શાસન વતી કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1955માં તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલ અસાધારણ કામોમાં કૃષ્ણરાજા સાગર ડેમ, ભદ્રાવતી આયર્ન અને સ્ટીલ વર્કસ, મૈસુર સેંડલ ઓઇલ અને સોપ ફેક્ટરી, મૈસુર યુનિવર્સિટી, બેન્ક ઓફ મૈસુર સહીત અન્ય ઘણી સંસ્થાઓની સ્થાપના અહેમ છે.

એન્જીનિયર્સ દિવસનો ઇતિહાસ

101 વર્ષ ગૌરવપૂર્ણ જીવન જીવતા મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયા હંમેશાં ભારતીય આકાશ પર પોતાનો પ્રકાશ ફેલાવતા રહેશે. ભારત સરકાર દ્વારા 1968 માં ડો. મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાની જન્મ તારીખને ‘ એન્જીનિયર્સ ડે’ તરીકે જાહેર કરવામાં આવી હતી.

એન્જીનિયર કોને કહે છે

એન્જીનિયર એ એવી વ્યક્તિ છે કે જેણે એન્જીનિયરની એક અથવા વધુ શાખાઓમાં તાલીમ લીધી હોય અથવા જે વ્યવસાયિક રીતે એન્જીનિયરીંગ સંબંધિત કાર્ય કરે છે. કેટલીકવાર તેમને મિકેનિક પણ કહેવામાં આવે છે.

એન્જીનિયરીંગ એટલે શું?

એન્જીનિયરીંગ એ વિજ્ઞાન અને વ્યવસાય છે જે માણસને વિવિધ જરૂરિયાતો પૂરી કરવામાં આવતી સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો પ્રદાન કરે છે. આ માટે તે ગાણિતિક, ભૌતિક અને કુદરતી વિજ્ઞાનોના જ્ઞાનરાશીનો ઉપયોગ કરે છે.

એન્જીનિયરીંગ ભૌતિક ચીજો અને સેવાઓનું ઉત્પાદન કરે છે, ઓદ્યોગિક પ્રક્રિયાઓનો વિકાસ અને નિયંત્રણ કરે છે. આ માટે તે તકનીકી ધોરણોનો ઉપયોગ કરીને પદ્ધતિઓ, ડિઝાઇન અને વિશિષ્ટતાઓ પ્રદાન કરે છે.

Exit mobile version